Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકા દ્વારા વેકસિનનો પ્રિકોઝન ડોઝ આપવાના કરાયા શ્રી ગણેશ

જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી ૫૦થી વધુ સ્થળો પર વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અવિરત કાર્ય આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૭૫ દિવસ સુધી ચાલશે અને ૧૮ થી ૫૯ વર્ષની વયના લોકોને વેક્સિનનો પ્રિકોઝન ડોઝ આપવામાં આવશે. વેક્સિનનો પ્રિકોઝન ડોઝ લેવા આવનાર લોકોને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારની વિનામૂલ્યે વેકસિનેશનના પ્રિકોઝન ડોઝ આપવાની જાહેરાત પછી આજથી જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરના ૫૦ જેટલા સ્થળો પરથી કોરોના વેક્સિનનો પ્રિકોઝન ડોઝ આપવાનો પ્રારંભ કરી દેવાયો છે અને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સતત ૭૫ દિવસ સુધી વિનામૂલ્યે પ્રિકોઝન ડોઝ આપવાની કામગીરી અવિરત ચાલુ રખાશે.

જામનગરના વિશ્રામવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી, ઉપરાંત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા આજે સવારે વેકશીનનો પ્રિકોશન ડોઝ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાવાયો હતો. આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા સાતક જૂથના નેતા કુસુમબેન પંડ્યા તથા અન્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા. જેઓ દ્વારા વેક્સિન મેળવવા માટે આવનારા નાગરિકોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તમામ આરોગ્ય સ્ટાફનું મીઠું મોઢું કરાવાયું હતું.

તેમજ જામનગર શહેરી વિસ્તારના ૧૮ થી ૫૯ વર્ષની વયના નાગરિકો કે જેમણે વેકસીનનો બીજો ડોઝ મેળવ્યા પછીનો છ મહિનાનો સમય ગાળો પૂર્ણ કરી લીધો હોય, તેવા નાગરિકોએ વહેલી તકે પ્રિકોશન મેળવી લેવા અપિલ કરી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સજુબા ગર્લ્સ હાઇસ્કુલ સહિતના કુલ ૫૦ જેટલા સ્થળો પર આજે વેકશીનની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેના માટે ૧૫૦ થી વધુ આરોગ્ય વિભાગની ટીમને કાર્યરત કરી દેવાઇ છે. ઉપરાંત વેક્સિનનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારની જાહેરાત પછી જામનગર શહેરમાં પણ સતત ૭૫ દિવસ સુધી આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવશે, તેવી મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા જાહેરાત કરાઈ છે. કોરોનાથી રક્ષણ મેળવવા માટે જામનગરની જનતાએ વહેલી તકે પ્રિકોશન ડોઝ મેળવી લેવા મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા વગેરે દ્વારા પણ અપીલ કરાઈ છે.

Whatsapp Image 2022 07 15 At 2.37.01 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.