Abtak Media Google News

વર્ષોથી વ્યવસાયમાં જોડાયેલા મીયાણા પરિવારની આજીવિકા છીનવાઇ

કચ્છનું નાનુ રણ ચોમાસુ આવતા જ સમુદ્રમાં ફેરવાઇ જવાના કારણે વ્યાપક પ્રમાણમાં ઝીંગાનું ઉત્પાદન થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદના અભાવે રણમાં ઝીંગાનું ઉત્પાદન થયું નહોંતુ. ચાલુ વર્ષે અડધો જુલાઇ મહિનો પૂર્ણ થયો તોય પાટડી રણમાં સાત ઇંચ અને ધ્રાંગધ્રા રણમાં છ ઇંચથી ઓછો વરસાદ થયો છે ત્યારે રણમાં સતત ચોથા વર્ષે પણ ઝીંગાનું ઉત્પાદનનું સપનુ રોળાવાની આશંકાથી હજારો મીયાણા પરિવારોની આજીવિકા છીનવાઇ જવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

કચ્છના નાના રણમાં આવેલા ખારાઘોડા અને ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના કૂડાના રણની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે, આ રણ ચોમાસામાં સરસ્વતી, બનાશ અને રૂપેણ નદીની સાથે 110 જેટલી નાની-નાની નદીઓના પાણીની સાથે વરસાદી પાણી આવે છે. દર વર્ષે રણમાં 10 જૂનથી વરસાદ ખાબકવા લાગતા જૂન-જુલાઇના અંત સુધીમાં તો સૂકુભઠ્ઠ રણ સમુદ્રમાં ફેરવાઇ જાય છે. એ સમયે રણમાં પુષ્કળ પ્રમાણમાં ઝીંગાનું ઉત્પાદન થાય છે.રણમાં મીઠા પાણીની સાથે ભરતીમાં આવેલા સમુદ્રના પાણીનું મીશ્રણ થતાં છીંછરા પાણીના કારણે ઝીંગા બને છે. આ ઝીંગા કુદરતી વાતાવરણમાં નૈસર્ગિક રીતે બનતા હોવાથી સમગ્ર ભારતમાં અને વિશ્વમાં રણમાં બનતા ઝીંગા સૌથી વધુ પ્રચલિત છે. રણમાં ઉત્પાદન થયેલા લીલા ઝીંગાના કિલોના રૂ. 35 થી 50 મળે છે. અને એને સૂકવીને સાફ કરેલા ઝીંગાના એમને કિલોના રૂ. 250થી 300 મળે છે. સમગ્ર વિશ્વમાં પ્રચલિત આ ઝીંગા પોરબંદર અને વેરાવળ થઇ સ્ટીમર મારફતે ડબ્બામાં પેકિંગ થઇને સાત સમદંર પાર પહોંચે છે.

હાલમાં કચ્છનું નાનુ આખુ રણ અંશત: સૂકુભઠ્ઠ

પરંતુ ચાલુ વર્ષે રણકાંઠામાં અડધો જુલાઇ માસ પુરો થયો ત્યાં સુધીમાં માંડ સાત ઇંચ એટલે કે 170 મી.મી. અને ધ્રાંગધ્રામાં તો માંડ સાડા પાંચ ઇંચ એટલે કે, 139 ઇંચ જેટલો જ વરસાદ ખાબકવાની સાથે રણમાં સરસ્વતી, બનાશ અને રૂપેણ નદીનું બેઠું પાણી પણ ન આવતા હાલમાં કચ્છનું નાનુ આખુ રણ અંશત: સૂકુભઠ્ઠ જ છે. આથી છેલ્લા ત્રણ વર્ષથી રણમાં પકવાતા ઝીંગાનું ઉત્પાદન શૂન્ય નોંધાયું હતુ. આ વર્ષે હજી માંડ સાત ઇંચ પણ વરસાદ પડ્યો નથી. આથી રણમાં વર્ષોથી ઝીંગાના વ્યવસાયમાં જોડાયેલા મીયાણા પરિવાર માટે રણમાં ઝીંગાના ઉત્પાદનનું સ્વપ્નનું સતત ચોથા વર્ષે પણ મોઇલો દૂર હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

રણમાં કેવી રીતે ઝીંગા બને છે

રણમાં મીંયાણા પરિવારના લોકો ચિક્કાર પાણીમાં જાળ બીછાવી ઝીંગા નામની માછલી પકડે છે. રણમાં મીઠા પાણીની સાથે ભરતીમાં આવેલા સમુદ્રના પાણીનું મિશ્રણ થતા છીંછરા પાણીના કારણે ઝીંગા બને છે. જ્યારે આ ઝીંગા કુદરતી વાતાવરણમાં નૈસર્ગિક રીતે બનતા હોવાથી સમગ્ર ભારતમાં આ ઝીંગા સૌથી વધુ વખણાય છે. અને વિદેશોમાં રણમાં બનેલા ઝીંગાની વ્યાપક માંગ જોવા મળે છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.