Abtak Media Google News

આપણે આગળ જોયુ તેમ અનેક કષ્ટો વેઠી સ્વદેશ અને વિદેશમાં અભ્યાસ ઉપરાંત જાતિગત ભેદોની અપમાનની પરવાહ કર્યા વગર સંપુર્ણ નિષ્ઠા અને એક ધ્યેય સાથે બાબાસાહેબ આંબેડકરે મહારાજા સયાજીરાવની અને સિડનહામ કોલેજમાં નોકરી કરી.સાથે મહારાજા શાહુજી મહારાજના સહયોગથી મૂકનાયક અખબારનો પ્રારંભ કર્યો .

જેના પ્રથમ અંકમાં જ ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી.ચાર માળનો સિડી વગરનો મિનારો ની સાથે જાતિય સંકલ્પનાને સરખામણી કરી.સિડી વગરના રુપક દ્રારા નિચેનો વ્યકિત ઉપર ન જઇ શકે કે ઉપરનો વ્યક્તિ નિકૃષ્ટ કરમોથી નીચે ન આવી શકે એ બાબતને સમાજ સન્મુખ વેધક દ્રષટીથી મુકી છે.સ્પૃશ્યો મા જ્ઞાન પ્રસારની જગ્યાએ જ્ઞાન સંચય અને એકાધીકારની ભાવના સામે અસ્પૃશ્યોને જ્ઞાન અને વિકાસની સમાન તકો માટેની હિમાયત ના કારણે એમને શિવરામ શિંદે જેવા ત્યાગી સામે પણ ઉગ્ર બોલાચાલી નાગપુર અધીવેશનમાં થયેલી.જયાં એમની નેતૃત્વ શક્તિ , દ્રઢ નિશ્ર્ચય અને કાર્ય પ્રત્યેનો લગાવ સ્પષ્પ થાય છે.

હવે બાબાસાહેબને સારુ માસિક વેતન મલતુ છતાંય કામદાર વિભાગમાં ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટની ચાલીમાં તેઓ રહેતા હતા.પૈસાનો ખર્ચ હાથ બાંધી રાખીને કરતા.સાદાઇ અને કરકસરથી રહી વેતનનો અમુક ભાગ રમાબાઇને ઘર ચલાવવા આપી દેતા , બાકીના પૈસા સિલક તરીકે જમા રાખતા.રમાબાઇ સ્વભાવે મિતભાષિ,દ્રઢ નિશ્ર્ચયી ,અને સ્વાભિમાની હતા.કર્તવ્યનિષ્ઠ અને ધર્મપરાયણવૃત્તિના રમાબાઇ ધાર્મિક વ્રતો અને ઉપાસનામાં ખલેલ પડે એ સાંખી શકતા નહોતા.

પોતાના લગ્નજીવનનો અમુકભાગ અતિ કષટમય અને પરિશ્રમમાં વિતાવ્યો હતો.મુશ્કીલ સ્થિતીમા પણ મનની શાંતિ અને ઘરની એકતા અખંડ રાખવા ઘણા કષ્ટો તેમણે સહન કર્યા હતા.પોતાના પતિની ગેરહાજરીમાં પણ તેમના વિધવા જેઠાણી અને તેમના બાળકોનું લાલન-પાલન તેમણે કોઇજાતની કમીનો અનુભવ ન થાય એ રિતે કર્યુ હતુ.પતિ જયારે પરદેશ અભ્યાસાર્થ ગયેલા ત્યારે આ ભારતિય નારીએ ઘણા કપરા અને હાલાકી ભર્યા દિવસો વિતાવ્યા હતા.છતા કયારેય મનમાં કડવુ વેણ ઉચ્ચાર્યુ નહતુ.પતિના દીર્ઘ જીવન અને અર્હનિશ પ્રગતિ માટે તેઓ સતત પ્રાર્થના કરતા.બાબાસાહેબ પ્રથમવાર જયારે અમેરિકા ગયા ત્યારે રમાબાઇ સગર્ભા હતા.

બાદમાં જન્મેલા પુત્રનું નામ ગંગાઘર પાડવામાં આવ્યુ.પરંતુ.તેનુ બાલ્યાવસ્થામાં જ મૃત્યુ થયુ.બીજા પુત્ર યશવંતરાના સ્વાસ્થ્ય વિષે પણ તેઓ બહુ ચિંતિત રહેતા , તો પણ પતિના અભ્યાસમાં ખલેલ ન પડે એ રિતે કુશળતાથી ઘર ચલાવ્યુ.પતિના પ્રયત્નોથી એમણે અક્ષર જ્ઞાન પણ મેળવ્યુ.બાબાસાહેબ ના શરુના જીવનની સંઘર્ષગાથા અને તેમાથી પ્રાપ્ત સફળતા પાછળ યશ આ મહાન સન્નારિને પણ જાય છે.જેમ ટીળક,ગાંધી અને સાવરકરનાં સંઘર્ષો અને સફળતામાં તેમની સહચારણીઓએ સહન કરેલા કષ્ટો ની ભૂમિકા મહત્વની છે , તેમ રમાબાઇએ કરેલી આકરી તપસ્યાનું મુલ્ય સમોવડીયું છે.

લંડન જવાનું સ્વપ્ન હજુ અધુરુ જ ચાલી રહ્યુ હતુ.નોકરી દરમ્યાન તેમણે કરેલી બચત અને સ્નેહી નવલ ભાથે પાસેથી પાંચ હજાર રુપિયા પ્રોમિસરી નોટ લખી આપી ઉધાર લીધા હતા.થોડી આર્થિક મદદ કોલ્હાપુરના મહારાજા શાહુજીએ કરી.આમ જરુરી પૈસા ઉભા કરી અને પ્રાધ્યાપક આંબેડકરે લંડન જવાની તૈયારી કરિ.સિડનહામ કોલેજમાંથી રાજીનામું આપી જુલાઇના છેલ્લા અઠવાડીયામાં લંડન પહોંચ્યા.તો સહચારણી રમાબાઇ ફરી એ અમેરિકાના નિવાસ વખતે અદા કરેલી ભૂમિકામાં આવી ગયા.

આ દરમ્યાન વડોદરા સરકારના અધીકારીઓએ આ પહેલા ભણવા માટે આપેલા ખર્ચની ઉઘરાણી કરી.આ માટે એમણે સિડનહામ કોલેજના આચાર્યને નણ પત્ર લખ્યો.મુંબઇના શિક્ષણાધીકારીને પણ જાણ કરવામાં આવી.સાથે કામદાર નેતા નારાયણ મલ્હાર જોષીને પણ મધ્યસ્તતા કરવા જણાવાયુ.ડો.આંબેડકર પોતાનું સરનામુ નથી આપતા એવુ કેટલાકે કહ્યુ તો કેટલાકે એવુ જણાવ્યુ કે સગવડ થતા જ બાબાસાહેબ રુણનો હિસાબ ચુકતે કરશે.જો કે આ બધા કાવાદાવ વડોદરા નરેશ મહારાજા સયાજીરાવની જાણ બહાર દિવાન ચલાવતા હોય મહારાજાએ આ રકમ શિક્ષણ માટે ખર્ચાયેલી હોય પરત લેવાની થતિ નથી એવો શેરો કાયમી માટે મારી દીધો.

રંતુ તો પણ સચિવાલયના કેટલાક અધીકારીઓએ ત્રાસ આપવાનું બંધ કર્યુ નહી.તેમનો દલીલ હતી કે શિષ્યવૃતિ નહી પણ એ કરજ હતો.અને જો બાબાસાહેબ પરત ન કરે તો અદાલતમાં લઇ જવાની ધમકી આપી.પરંતુ તો પણ તેમના હાથ ઇંગલેન્ડમાં બાબાસાહેબ સુધી ન પહોંચી શક્યા.અંતે ફરી મહારાજા તરફથી લપડાક વાગતા અંતે તેઓ નિરાશ થયા.અંતે 1932 મા મંત્રિમંડળે આના પર પડદો પાડયો.

લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં અભ્યાસ ચાલુ કર્યો.સાથે ગ્રેઝ સ્કુલમાં બેરિસ્ટરનો અભ્યાસ પણ પણ કરતા ગયા તો ન માત્ર અભ્યાસ પરંતુ પોતાની દ્રષ્ટી અધ્યાત્મ અને જ્ઞાનશાસ્ત્ર તરફ પણ વાળી.જગતમાં પ્રાચિન ઇતિહાસના પુસ્તકો જયાં સંગ્રહાયેલા છે , જ્યાં માર્કસ , લેનિન , સાવર જેવા સંશોધકોએ કામ કર્યુ છે તે લંડન મ્યુઝિયમમાં સઘન અભ્યાસાર્થ પોતાનો સમય વ્યતિત કરતા.

એક ટાઇમ ભોજન છોડી પેટે પાટા બાંધ્યા પણ પુસ્તકો ખરિદી અને વાંચવાની ભુખ પુર્ણ કરી.પ્રવાસ પાછળ ખર્ચ ન થાય એટલે લાયબ્રેરિ સુધી પહોંચવા માઇલો સુધી ચાલ્યા જતા.આમ એમનો રોજનો આ ક્રમ એક મુર્તિમંત તપસ્યા જ હતી.જે સ્ત્રીને ત્યાં તેઓ રહેતા એ સવારે બ્રેડનો ટુકડો અને મુરબ્બો આપતી.તે ખાઇ અને આખો દિવસ કાઢી નાખતા.આટલા કષ્ટોની વચ્ચે પણ લાયબ્રેરીમાં પ્રથમ પ્રવેશનાર અને અંતે નિકળનારા તેઓ અભ્યાસુ હતા.ઘરે આવી રાત્રિ ભોજન પછી પણ વાચનનો બીજો દોર શરુ થતો.રાત્રે ભુખ લાગતિ ત્યારે ગુજરાતી મિત્રએ આપેલા પાપડ શેકી અને ખાઇ લેતા.

ત્યારબાદ વહેલી સવાર સુધી વાંચતા રહેતા.વાંચનમાં વિવેકાનંદજીની સમાધી જેટલી લીનતા ,ત્યારે બાહ્ય જગત વિસ્મૃત થુઇ જતુ.આમ લોઢાના ચણા ચાવીને પણ અભ્યાસ પુર્ણ કરવા રાત દિવસ મહેનત કરતા.આથી મોટો અવિશ્રાંત શ્રમ , અખંડ તપસ્યા …જ્ઞાનયજ્ઞ આથી મોટો બીજો કયો હોય શકે ?

પોતાના સ્નેહી નવલ ભાથે પાસેથી વચ્ચે વચ્ચે બાબાસાહેબ ઉછીના પૈસા લેતા .કયારેક લાગણીવશ થઇ અને પત્રમાં લખતા મારા લીધે તને ત્રાસ છે તેનું મને અતિશય દુ:ખ છે , પરંતુ મારા એકના એક મિત્ર મારે કયારેક પૈસાની માગણી કરવી પડે છે , તું મને દુભાવીશ નહી.જર્મન ચલણનો ભાવ વધવાની આશામાં પહેલા હૂંડી લેવાના ઉદ્દેશ્યથી બે હજારની માગણી કરી હતી.બેન્જામિન ફ્રેન્કલીન કહેતા સતત પરિશ્રમ અને કરકસર પર જીવનની સફળતાનો આધાર છે.

જેને બાબાસાહેબે જીવનમાં આત્મસાત કરી લીધી હતી.આમ છતાય પ્રવૃતિ અને મન બંનને હંમેશા પ્રફુલ્લીત રહેતા.માસીક આઠ પાઉન્ડથી વધારે ખર્ચ ન થાય તે ધ્યાન રાખતા.વચ્ચે એક-બે વાર સ્વાસ્થ્ય બગડ્યુ ત્યારે ઘરે જાણ ન કરતા ફકત શિવતકરને જાણ કરી અને તકેદારી રાખવા જણાવેલુ.સિનેમા , નાટકો , હરવુ-ફરવુ ઉપહારગૃહો ની તો તેમણે નોંધ સુધા લીધી ન હતી.પોતાના ભાવિના અભેદ્ય કિલ્લાની રચના મહાપુરુષો કેટલા કઠોર પરિશ્રમ થી કરે છે.અડચણોમાં પણ કેવી રીતે સદગુણો પ્રગટ થાય તેનુ ઉત્તમ ઉદાહરણ અને આવા કારણોથી જ જગતમાં મહાપુરુષો સફળ થતા હોય છે.

આંબેડકર વિદેશમાં હોવા છતાય તેમનુ લક્ષ્ય ભારતમાં ચાલતા અસ્પૃશ્ય ઉદ્ધારના કાર્યો તરફ રહેતુ.સહકાર્યકરોને ત્યાંથી જ માર્ગદર્શન આપતા” એકતામાં જય ફાટફુટમા ક્ષય ” . પોતાના સહકાર્યકરોની ચડતી-પડતી તેમની કૌટુંબીક સ્થિતી સુખદુખ વગેરેની આસ્થાથી પુછપરછ કરતા.આ ઉપરાંત પોતાના ભત્રીજા અને પુત્રના અભ્યાસની ચિંતા સતત કરતા અને આ માટે સિતારામ પંત શિવતરકરને વિનંતિ પણ કરતા તો જુના પુસ્તકો , ગ્રંથો વગેરે મંગાવી તેનો અભ્યાસ કરતા.તેઓ લંડન ગયા ત્યારે જ લોકમાન્ય ટીળકના અવસાન સાથે ટીળકયુગની સમાપ્તી થઇ અને ગાંધીયુગનો પ્રારંભ થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.