જામનગર જિલ્લા પંચાયતની શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ લેનાર છાત્રોની સંખ્યામાં 19 ટકાનો નોંધપાત્ર ઘટાડો

શિક્ષણનું કથળતું સ્તર, શિક્ષકો પર અન્ય કામગીરીનું ભારણ કે અન્ય કારણ જવાબદાર ?

જામનગરમાં 5 વર્ષમાં સરકારી શાળામાં ધો.1 માં પ્રવેશમાં વિધાર્થીઓની સંખ્યામાં 44 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળામાં પણ પહેલા ધોરણમાં પ્રવેશ લેનાર છાત્રોની સંખ્યા 19 ટકા ઘટતા અનેક સવાલ ઉઠયા છે. સરકારી શાળામાં ધો.1માં વિધાર્થીઓના પ્રવેશના ઘટાડા પાછળ શિક્ષણનું કથળતું સ્તર, શિક્ષકો પર અન્ય કામગીરીનું ભારણ કે અન્ય કારણ જવાબદાર છે તે તપાસનો વિષય બન્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 50 સરકારી શાળાઓમાં વર્ષ 2016-17 માં 1670 વિધાર્થીઓએ ધો.1 માં પ્રવેશ લીધો હતો. પરંતુ ત્યારબાદ પહેલાં ધોરણમાં પ્રવેશ લેનારા છાત્રોની સંખ્યામાં ઉતરોતર ઘટાડો થતાં વર્ષ 2020-21 માં 45 શાળામાં ફકત 931 વિધાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

આ જ રીતે જિલ્લા પંચાયતની સરકારી શાળાઓમાં વર્ષ 2016-17 માં 10850 છાત્રોએ ધો.1 માં પ્રવેશ લીધો હતો. જયારે વર્ષ 2020-21 માં 8791 છાત્રોએ પહેલાં ધોરણમાં પ્રવેશ લીધો હતો.

શહેરની સરકારી શાળાઓમાં ધો.1 માં પ્રવેશ લેનારા છાત્રોની સંખ્યામાં 5 વર્ષમાં 44 ટકા અને જિલ્લા પંચાયત હસ્તકની શાળામાં 19 ટકા છાત્રોનો ઘટાડો થયો છે. ત્યારે આરટીઇ અંતર્ગત વિધાર્થીઓને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ ઘટાડા પાછળ કારણભૂત હોવાનું શિક્ષણ વિભાગના અધિકારી ઓએ જણાવ્યું હતું. સરકારી શાળાઓમાં વધુને વધુ વિધાર્થીઓ પ્રવેશ લે તે માટે રાજય સરકાર દ્વારા દર વર્ષે પ્રવેશોત્સવ પાછળ મસમોટો ખર્ચ કરવામાં આવે છે. જો કે, કોરોનાના કારણે બે વર્ષથી પ્રવેશોત્સવ થયો નથી. ઉપરાંત સરકારી શાળામાં છાત્રોને વિનામૂલ્યે શિક્ષણ, પુસ્તક, મધ્યાહન ભોજન તેમજ શિષ્યવૃતિ આપવામાં આવતી હોવા છતાં ધો.1 માં પ્રવેશમાં ઘટાડો થતાં અનેક સવાલ ઉઠયા છે.

સરકારી શાળામાં ધો.1માં પ્રવેશની ફેકટફાઇલ

વર્ષ જિ.પં.શાળા સમિતિ શાળા
2016-17 10850 1670
2017-18 8644 1417
2018-19 7904 1412
2019-20 8272 1431
2020-21 8791 931

 

સરકારી શાળામાં શિક્ષણનું સ્તર ઘટવાના કારણો

  • ઉત્સવો, પરિપત્રો, માહિતી, અન્ય વિભાગોની કામગીરી, મીટીંગો, તાલીમનું ભારણ
  • શાળાના આચાર્ય સતત માહિતી, પત્રકો, મીટીંગમાં વ્યસ્ત
  • ઓનાલાઇન તાલીમની વણઝાર, તમામ કામગીરી ઓનલાઇન,
  • શાળા સમય બાદ પણ અરજન્ટ માહિતી માંગવામાં આવતા શિક્ષકો ત્રસ્ત
  • શિક્ષણમાં સતત નવા પ્રયોગોના કારણે નકકર પરિણામ મળતું નથી
  • શિક્ષણની ગુણવતા સુધારવા દસેક વર્ષથી ગુણોત્સવ છતાં કથળેલું શિક્ષણનું સ્તર
  • સિનિયર શિક્ષકોની સતત વધતી જતી સ્વૈચ્છિક નિવૃતિ