પર્વાધિરાજ પર્યુષણની સાદગીપૂર્ણ ઉજવણી

પ્રતિક્રમણ, સામૂહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી ક્રિયાઓ ઘરે જ થશે: ગુરૂ ભગવંતો દ્વારા ઓનલાઈન પ્રવચન: બુધવારે મહાવીર જન્મોત્સવ

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઈ ચૂકયો છે. આજે પર્યુષણના ત્રીજા મંગલકારી દિવસે  પ્રતિક્રમણ, સામૂહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી ક્રિયાઓ ઘરે જ થઈ રહી છે. ગુરૂ ભગવંતો દ્વારા પ્રવચન પણ ઓનલાઈન અપાઈ રહ્યાં છે. કોરોના મહામારીના પગલે આ વર્ષે જિનાલયોમાં પર્યુષણ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ થઈ રહી છે.

ચાલુ વર્ષે જપ-તપ-પ્રતિક્રમણ સહિતના સમૂહમાં થતાં આયોજનો ભાવિકો ઘેરબેઠા જ કરી રહ્યાં છે. ગુરૂ ભગવંતોના ઓનલાઈન પ્રવચનનો લાભ પણ ઘરબેઠા લઈ રહ્યાં છે. એકંદરે એમ કહી શકાય કે, ચાલુ વર્ષે પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી વર્ચ્યુઅલ બની ગઈ છે. રાજકોટ સહિત દેશભરના ઉપાશ્રયોમાં વ્યાખ્યાન, સામૂહિક તપ, પારણા, જન્મકલ્યાણ વાંચન-આરાધના નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૈન સંઘોએ પણ મહામારી સામે સાવચેતીના પગલા લીધા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસ એક તરફ ઉત્તરોતર વધી રહ્યાં છે. જેના પગલે ધાર્મિક કાર્યક્રમો ઉપર લોકો એકઠા ન થાય તે માટે તંત્ર દ્વારા કેટલીક લગામ લગાવાઈ છે. આ વખતે પર્યુષણ પર્વ દરમિયાન સૌરાષ્ટ્રભરના ઉપાશ્રયોમાં કાર્યક્રમો માંગલીક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા દેરાસરમાં દર્શનની મંજૂરી આપવામાં આવી છે. અલબત પ્રતિક્રમણ સહિતના આયોજનોમાં ભાવિકો ઘરે રહીને જ લાભ લઈ રહ્યાં છે.