ભારતીય ફિલ્મ જગતનાં ગાયક, અભિનેતા, નિર્માતા અને નિર્દેશક: મહમૂદ

 • આજના ઘણાં ફિલ્મ સ્ટારો જેવા કે અમિતાભ બચ્ચન સહિતનાને તેના પ્રારંભ કાળમાં મહમૂદે ઘણી મદદ કરી હતી: તેનો ભાઇ અનવરઅલી અને બહેન મીનૂ મૂમતાઝ પણ ફિલ્મ લાઇનમાં અભિનય કરતાં હતા
 • ફિલ્મોમાં હાસ્ય ભૂમિકા વધુ ભજવી: 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો: ફિલ્મ ફેર એવોર્ડ માટે 25 વખત નામાંકન થયું હતું: સહાયક ફિલ્મ અભિનેતાનો છ વાર એવોર્ડ જીત્યો હતો

જૂની ફિલ્મોમાં મુખ્ય હિરો-હિરોઇન સાથે કોમેડીયનની બોલબાલા હતી. મહેમૂદ સાથે જોની વોકર, ધૂમાલ, આગા જેવા ઘણા કોમેડીયન કલાકારો હતા. તેમનાં ઉપર ફિલ્માંકન થયેલા ગીતો ખૂબ જ સુંદર હતા. એ ફિલ્મોમાં હિરો સાથે કોમેડીયનનું પણ મહત્વ હતું. ઘણી સફળ ફિલ્મો તેની તાકાત કે અભિનયથી બોક્સ ઓફિસ ઉપર સફળ નીવડી હતી. ફિલ્મ જગતમાં આવી જ એક જોડી હતી. મહેમૂદ અને શોભા ખોટેની. જેણે સાડા ત્રણ દાયકા ફિલ્મ જગત ઉપર રાજ કર્યું.

કોમેડિયન મહેમૂદનું અસલ નામ મહમૂદ અલી હતું. તેઓ ફિલ્મ જગતમાં કોમેડિયન અભિનેતા, ગાયક, નિર્માતા નિર્દેશક તરીકે ખૂબ જ સફળ રહ્યા હતા. તેમનો જન્મ 29 સપ્ટેમ્બર, 1932માં મુંબઇ ખાતે થયો હતો. જ્યારે અવસાન 23 જુલાઇ 2004ના રોજ 71 વર્ષે ઊંઘમાં જ એટેક આવવાથી થયું હતું. તેના નાનાભાઇ અનવર અલી પણ ફિલ્મ લાઇનમાં હતા. બન્ને સાથે બોમ્બે ગોવામાં જોવા મળ્યા હતા. બોલીવુડની જાણીતી નર્તકી મીનુ મુમતાઝ તેની બહેન હતી. તેમના નજીકના સગામાં અલી અમરોહી તેમજ જાણીતી અભિનેત્રી મીના કુમારી તેના સાળી થતાં હતાં.

મહેમૂદે ફિલ્મ જગતમાં કોમેડિયનની ભૂમિકા વધુ ભજવી હતી. તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મહેમૂદનું નામ 25 વખત ફિલ્મ ફેર એવોર્ડ માટે નામાંકન થયેલ જ્યારે સહાયક અભિનેતા તરીકે તેમણે છ વખત એવોર્ડ જીત્યો હતો. આજના ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચન સહિતના ફિલ્મ સ્ટારોને તેના પ્રારંભકાળમાં તમામ મદદ કરીને સહાયભૂત થયા હતા. ફિલ્મ જગતમાં મહેમૂદે ચાર દશકા રાજ કર્યું હતું. તેમને મુખ્ય હાસ્ય કલાકાર તરીકે ફિલ્મ જગતમાં સારી ચાહના મેળવી હતી. ડાન્સીંગમાં નિપૂણ મુમતાઝ અલીને આઠ પુત્રો હતા, તેમાં મહેમૂદ એક હતા. પિતા 1940 થી 1950ના દશકામાં સિનેમાના બહુ મોટા સિતારા હતા. મહેમૂદને એક મોટી બહેન અને છ નાના ભાઇ-બહેન હતા.

મહેમૂદે પ્રારંભકાળમાં નોકરી કરી હતી, પોલ્ટ્રી ઉત્પાદન વેચાણ સાથે નિર્દેશક પી.એલ.સંતોષીના ડ્રાઇવર તરીકે પણ કામ કર્યું હતું. જેને કારણે જ તેના પુત્ર જાણીતા નિર્માતા રાજકુમાર સંતોષીએ તેમને અંતિમ સમયમાં અંદાજ અપના અપના (1994)માં ફિલ્મમાં રોલ આપ્યો જે મહેમૂદની છેલ્લી ફિલ્મ હતી. મહેમૂદના મોટા ભાગના ગીતો જાણીતા ગાયક કલાકાર મન્નાડેએ ગાયા હતા. જે લગભગ બધા જ સફળ રહ્યા હતા. મીના કુમારીને ટેબલ ટેનીસ મહેમૂદે શીખવ્યું હતું.

મીના કુમારીની નાની બહેન મધુ સાથે લગ્ન કર્યા હતાં. મહેમૂદને એક પુત્ર હતો. આજ ગાળામાં 1956માં આવેલી સી.આઇ.ડી. ફિલ્મમાં ખૂનીના રોલનું એક કિરદાર મળતા મહેમૂદે ફિલ્મ યાત્રા શરૂ કરી હતી. આ ફિલ્મ બાદ મહેમૂદે અભિનય કલામાં જ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. પછી તો “દો બીઘા જમીન” અને પ્યાસા જેવી ફિલ્મોમાં નાનો રોલ મળતા તેનો સિતારો ચમકવા લાગ્યો. મહેમૂદ ફિલ્મ નાયકના મિત્રની ભૂમિકામાં બહુ જ સફળ થયા હતા. પાત્રમાં કોમેડીનો અંદાજ આવવાથી તે ફિલ્મોનું અગ્રીમ પાત્ર બનવા લાગ્યા હતા.

અભિનેત્રી શોભા ખોટે ઉપરાંત સાથી કોમેડિયન આઇ.એસ.જોહર અને અભિનેત્રી અરૂણા ઇરાની સાથે ઘણી ફિલ્મોમાં અભિનય કરીને સારી લોકપ્રિયતા મેળવી હતી. 1970ના ઉતરાર્ધમાં જગદીપ, અસરાની પેંટલ, દેવેન વર્મા અને કાદર ખાન જેવા કોમેડિયન ફિલ્મોમાં આવ્યા. પછી તો 1989 થી 1999 વચ્ચે બહુ જ ઓછી ફિલ્મો કરી હતી. તેમનો પુત્ર લકીઅલી એક ગાયક અને સંગીતકાર છે. જે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. મહેમૂદ ભારતીય ફિલ્મ જગતમાં સૌથી સમ્માનિત અને જાણીતા મનોરંજન કરનાર કલાકાર હતા. તેમના અભિનયથી ઘણી ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર સફળ નીવડી હતી. તેમની યાદમાં 2013 પોસ્ટ વિભાગે ટીકીટ જારી કરી હતી.

કિસ્મત ફિલ્મ (1943)માં નાના અશોકકુમારની બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. તેમની સફળ ફિલ્મોમાં સન્યાસી (1945), દો બીઘા જમીન (1953), નાસ્તિક (1954), નૌકરી (1954), સીઆઇડી (1956), બારીશ (1957), પ્યાસા (1957), પરવરીશ (1958), કેદી નંબર 911 (1959), કાગઝ કે ફૂલ (1959), છોટી બહેન (1959), મિયાં બીબીરાજી (1960), મંઝીલ (1960), બાદમાં શ્રીમાન સત્યવાદી, છોટે નવાબ, પ્યાસે પંછી, સસુરાલ, દિલ તેરા દિવાના, હમરાહી, ઘર બસા કે દેખો, ભરોસા, ગ્રહસ્થી, જીંદગી, જીદ્ી, બેટીબેટે, શબનમ જેવી અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

મહેમૂદને ફિલ્મ ‘દિલ તેરા દિવાના’, ઘર બસા કે દેખા, પ્યારા કિયેજા, વારિસ, પારસ, વરદાન માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. મહેમૂદે 1968 એન.સી.સિપ્પી સાથે ‘પડોશન’ ફિલ્મ બનાવી હતી. આ પહેલા 1965માં ‘ભૂત બંગલા’ ફિલ્મ નિર્માણ કરી હતી. 1974 ‘કુવારાબાપ’ ફિલ્મ નિર્માણ કરી જેની કવ્વાલી ‘સજ રહી ગલી મેરી’ આજે પણ જાણીતી છે. 1976માં તેમણે ‘જીન્ની ઔર જોની’ નામની ફિલ્મ બનાવી હતી.

મહેમૂદની હિટ ફિલ્મો માં લવ ઇન ટોક્યો, મહેરબાન, નીલકમલ, સાધુ ઔર શૈતાન, મેરી ભાભી, હમ જોલી, મેં સુંદર હું, બોમ્બે ટુ ગોવા, દો ફૂલ, દુનિયા કા મેલા, કુવારા બાપ, સબ સે બડા રૂપૈયા જેવી ફિલ્મોની ગણના થાય છે. મહેમૂદે ફિલ્મમાં નૃત્યુ કર્યું. ગીતો ગાયા, અભિનય કર્યો એનાથી કોઇ ફર્ક પડતો નથી. મહેમૂદે હમેંશા એના દર્શકોને ડબલ હાસ્ય આપ્યું. કિશોરકુમાર સાથે તેમણે બહુ સારા સંબંધો હતા તેથી જ ‘પડોશન’ ફિલ્મમાં તેણે કામ કરેલ હતું. જે બોલીવુડની સૌથી શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ હતી.

‘મહેમૂદ’ આ ફિલ્મ કલાકાર બોલીવુડનો ખરા અર્થમાં શહેનશાહ હતો. કેટલાય કલાકારોને તેના પ્રારંભ કાળમાં રહેવા-જમવા તથા પૈસાની પણ મદદ કરી હતી. તેમનું સમગ્ર જીવન બીજાને મદદ કરવામાં ગયું ત્યારે તેના અંતીમ સમયમાં આ પૈકી બહુ ઓછા લોકોએ સંબંધ રાખ્યો હતો. ‘પોલિયો’થી ગ્રસ્ત પુત્રની તકલીફ ઉપરથી ‘કુવારા બાપ’ જેવી ફિલ્મ બનાવીને કેટલાય પોલિયો ગ્રસ્તને બેઠા કર્યાને પગભર પણ કર્યા હતા. ‘હમ કાલે તો ક્યા હુઆ દિલવાલે હે’ તેમના જ ઉપર ફિલ્માંકન થયેલ ગીતના શબ્દોની જેમ તે એક નેક દીલ ઇન્સાન હતા. તેનાં પરિવારને અકબંધ રાખ્યો તો ગરીબ, જરૂરીયાતમંદોને હમેંશા મદદ કરીને તે “શહેનશાહ” બન્યા હતા.

તેની બનાવેલી લગભગ બધી ફિલ્મોમાં તેને નવા કલાકારોને તક આપી હતી. જેમાં અમિતાભ, શત્રુગ્નસિંહા, અરૂણા ઇરાની સાથે ‘પડોશન’ ફિલ્મમાં તેને લગભગ તમામ નાના કોમેડીયનને તક આપી હતી. અમિતાભને તક આપ્યા બાદ જ તેમને ‘ઝંઝિર’ ફિલ્મ મળી હતી. બોલીવુડના આ મહાન કલાકાર પાસે આજના યુગના તમામ પ્રસિધ્ધ કલાકારો મદદ માટે તેમની હવેલીએ જતા ત્યારે મહેમૂદે કોઇને ક્યારેય નિરાશ નહોતા કર્યા. જૂની ફિલ્મો તો તેના અભિનય થકી જ હીટ થઇ જતી હતી. કેટલાક હિરો તેની સાથે કામ એટલા માટે ન કરતા કે તેના અભિનય આગળ પોતાનો અભિનય દબાય જશે. “દુ:ખીયાનો બેલી હતો…મહેમૂદ”

 • હાસ્ય કલાકાર મહેમૂદ ઉપર ફિલ્માંકન ગીતો
 1. – એક ચતુર નાર કરકે શિંગાર…..પડોશન
 2. – આવો ટવીસ્ટ કરે……ભૂત બંગલા
 3. – હમ કાલે હે તો ક્યા હુએ દિલવાલે હે……ગુમનામ
 4. – સબ સે બડા રૂ5ૈયા……ટાઇટલ સોંગ
 5. – આરી. આ જારે નિંદીયા….લાખો મે એક
 6. – મુતકોડી કવ્વાડી હડા….દો ફૂલ
 7. – સજ રહી ગલી મેરી અમ્મા….કુવારા બાપ
 8. – જાગો સોને વાલે જાગો…..ભૂત બંગલા
 9. – જોડી હમારી જમૈંગા કેસે જાની…..ઔલાદ
 10. – તુજ કો રખે રામ..તુજ કો અલ્લાહ રખે……આંખે
 11. – દો દિવાને દિલ કે……જોહર મહમૂદ ઇન ગોવા
 12. – મેરી પત્ની મુજ કો સતાતી હે….પતિ-પત્ની
 13. – મેં રીક્ષાવાલા..મેં રીક્ષાવાલા……છોટી બહન
 14. – જીંદગી મુજકો દિખા દે રાસ્તા……સાંજ ઔર સવેરા