Abtak Media Google News
  • બાળકના સંર્વાંગીમાં શિક્ષકની ભૂમિકા અગત્યની છે: અસરકારક વર્ગ વ્યવસ્થા અને શિક્ષક સજ્જતા અગત્યની બાબત: જેનું શ્રેષ્ઠ આચરણ તેજ આચાર્ય અને માતા સ્તર સુધી જઇને બાળકોને ભણતા કરે તેજ સાચો શિક્ષક
  • માતા જેવો પ્રેમ સાથે શિસ્ત, ક્ષમા અને કરૂણાનો સંગમ એટલે બાળકોનો કેળવણી આપનાર કે શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરનાર ઘડવૈયો: બાળકના રસ, રૂચી અને વલણોને ધ્યાને લઇને જ્ઞાન સાથે ગમ્મત વડે જે કાર્ય કરે તે જ સાચો શિક્ષક

વર્ષોથી ચાલી આવતી આપણી શિક્ષણ પ્રથામાં શિક્ષકનો રોલ સૌથી મોટો છે. બાળકને ભણતો કરવા અને વિવિધ ટેકનીક વડે શિક્ષણ કરાવે તેજ શિક્ષક. પહેલા માસ્તર કહેતા જે શિક્ષક બન્યુને છેલ્લા બે દશકાથી સર, ટીચર કે સાહેબ બની ગયું. જો કે બદલાવ આવવાથી શિક્ષણ વ્યવસાયિક વધુ થવા લાગ્યું. અગાઉ શિક્ષકનો પહેરવેશ ભલે સાદો હતો પણ તે ‘માસ્તર’ હતો, ખરા અર્થમાં તો તે બધી રીતે જોઇતો ‘માસ્ટર’ હતો.  સંબોધન બદલાયા તેમ શિક્ષણ પણ નબળું પડતું ગયું,

Unnamed File

અગાઉના માસ્તર બાળકોને ભણતર સાથે ગણતરનું શિક્ષણ આપતા એટલે જ ત્યારે ટ્યુશન ક્લાસ ન હતા. પુરી નિષ્ઠાથી પોતાના વર્ગખંડમાં ‘ર્માં ના સ્તર’ સુધી જઇને તે માણસ બાળકોને જ્ઞાનસભર બનાવતો. ત્યારની શાળા જ્ઞાન મંદિર કહેવાતી તો અત્યારે એજ શાળા શિક્ષણના હાટડા જેવા શબ્દોથી ઓળખાય છે.

એક વાત નક્કી છે કે બાળકના સંર્વાંગી વિકાસમાં તેની ભૂમિકા અતિ મહત્વની છે. અસરકારક વર્ગ વ્યવસ્થા અને શિક્ષક સજ્જતા તેની અગત્યની બાબત છે. બાળકનો ચહેરો વાંચી શકે તે સૌથી શ્રેષ્ઠ ‘માસ્તર’. એવી જ રીતે જેનું આચરણ જ શ્રેષ્ઠ છે તે આચાર્ય છે જે આજે મોટા સાહેબ કે પ્રિન્સિપાલ બની ગયા છે. શિક્ષક બાળકને ર્માં જેવો પ્રેમ આપતો હતો તેથી જ તેને ‘માસ્તર’ કહેતા હતા.

શિસ્ત, ક્ષમા અને કરૂણાનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક કહેવાય છે. તે બાળકનો શિલ્પકાર કે ઘડવૈયો છે જે બાળકના રસ, રૂચી, વલણોને ધ્યાને લઇને શિક્ષણની વિવિધ પધ્ધતિ દ્વારા જ્ઞાન સાથે ગમ્મતથી બાળકો હસતા હસતા ઘણું બધુ શિખવી જાય છે.

આજે તો શિક્ષણે વ્યવસાયિકરૂપ ધારણ કરતાં શિક્ષકોએ પણ અંગ્રેજી આભામાં ટાઇ-સુટ સાથેના વસ્ત્રો પરિધાન કરીને નવા રંગ-રૂપ સાથે શિક્ષકને નવુરૂપ આપ્યું છે. આજે કોઇ શિક્ષક તમને હસતો જોવા નહી મળે કારણ કે તે શિક્ષણના હાટડાનો એક કર્મચારી છે જેને પોતાના અસંખ્ય પ્રશ્ર્નો હોવાથી તે વર્ગખંડમાં ટ્રેસમાં જ જોવા મળે છે. શિક્ષકને વર્ગખંડના બાળકોમાં પોતાના સંતાનના દર્શન થાય તે દિવસે તેનો વર્ગ મંદિર બની જાય છે, એટલે જ આ વ્યવસાયને પવિત્ર ગણવામાં આવે છે. જેના નશીબમાં શ્રેષ્ઠ નાગરીકના ઘડતર સાથે રાષ્ટ્ર ઉત્થાન ક્ષેત્રે કાર્ય કરવાનું લખાયેલું હોય તો જ તે શિક્ષક બની શકે છે અને હા તેની પણ પધ્ધતિસર તાલિમ લેવી પડે છે.

શિક્ષક પહેલા બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસું હોવો જોઇએ અને વર્ગખંડના તમામ બાળકોની છૂપીકલાને પારખતો હોવો જોઇએ. દરેક બાળકની ક્ષમતા મુજબ તેને પ્રોત્સાહન આપીને તેને તેની દિશામાં આગળ વધારવાનું કાર્ય શિક્ષકનું છે. પોતાના વર્ગખંડમાં નબળા બાળકોને સબળો બનાવવા અને કોઇપણ એકમ બાળસહજ શૈલીમાં સમજાવી શકે તેવો હોવા જોઇએ. જૂના શિક્ષકોને હાલના શિક્ષકોમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. ફરજ સમજીને જ્ઞાન મંદિરમાં પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલા શિક્ષકોએ પોતાનું જીવન ખર્ચી નાંખીને બાળકોને સર્વગુણ સંપન્ન કર્યા છે તેથી જ છાત્રો તેમને પગે લાગે છે, કારણ કે વંદનીય અને પૂજનીય છે.

201909140418599934 Tamil Nadu Announces Board Exams For Classes 5 8 Secvpf

આજે બધા લોકો કહે છે કે હવે પહેલા જેવા માસ્તરો રહ્યા નથી. આ પ્રશ્ર્નની પાછળ હાલના શિક્ષણ વ્યથા છે. પહેલા આવી કોઇ ઇન્ફરમેશન ટેકનોલોજી ન હતી પણ ‘માસ્તર’ પોતાની તાકાત અને ક્ષમતા વડે બાળકોને ઉચ્ચકોટીનું શિક્ષણ જરૂર આપતો હતો. આજે બધુ જ છે પણ શિક્ષણમાં કશી ભલીવાર નથી. 1980 સુધી બધુ સમુસુતરૂ ચાલતું હતું બાદમાં ખાનગી શાળાના આરંભે શિક્ષણ વ્યવસાયિકરૂપ ધારણ કર્યું હતું. બસ ત્યારથી આજ દિવસ સુધી આજ ગાડું ચાલે છે જોઇએ હવે નવી શિક્ષણ નીતિ-2020 શું રંગ લાવે છે. શિક્ષક કેવો હોવો જોઇએ તે બહુ મોટો પ્રશ્ર્ન છે કારણ કે તેના ભણાવવા ઉપર છાત્રોનું ભવિષ્ય નિર્ભર છે. તે હસતો હશે તો જ શ્રેષ્ઠ શિક્ષણ આપી શકે છે.

વિશ્ર્વભરમાં શિક્ષણની બોલબાલા છે તે જેટલું શ્રેષ્ઠ તેટલો દેશ શ્રેષ્ઠ. દુનિયામાં એટલા માટે જ પાયાનું શિક્ષણ આપનાર પ્રાથમિક ટીચરનો સૌથી વધુ પગાર છે. દેશના ભાવી નાગરીકોના ઘડતર માટે સૌથી મહામુલુ યોગદાન માસ્તર જ આપે છે. આજે પણ ઘણા શિક્ષકો પોતાના વ્યવસાયની પવિત્રતા સમજીને સુંદર કાર્ય કરે જ છે. આજે બે પાર્ટમાં એક સરકારીને બીજા ખાનગી શાળાના શિક્ષકો છે, બન્ને છાત્રોને ભણાવવાનું કામ કરે છે,

Femaleteacher 0

એક સરકારી દાયરામાં તો બીજો શાળા સંચાલકોની નીચે કામ કરે છે. બાળકના જીવનમાં મા-બાપ બાદ શિક્ષક આવતો હોવાથી તેમની મહત્તા વધારે છે. એક વાત એ પણ છે કે શિક્ષકની છાત્ર સીધી નકલ કરતો હોવાથી તે ગુણવાન, શિલવાન અને શ્રેષ્ઠ આચરણ વાળો હોવો જોઇએ. શિક્ષકના હાથમાં દેશનું ભવિષ્ય હોવાથી હવે ‘માસ્તર’ની જરૂર છે.

જ્ઞાનથી સજ્જ અને પોતે પણ સજ્જતાસભર હોય તોજ તે બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકે છે. અસરકારક વર્ગ વ્યવસ્થા શિક્ષણ પધ્ધતિ, જીવનમૂલ્ય શિક્ષણ સાથે વિષય વસ્તુ મુજબ શૈક્ષણિક રમકડા થકી બાળકોનો ચોમેર દિશાએ વિકાસ કરી શકે તેવો તે વડવાળો અર્થાત સજ્જ હોવો જોઇએ.

Img 20190810 Wa0040

ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ વડે બાળકને ભાર ન લાગે તેવી રીતે ભણતો કરી શકવો જોઇએ. આજના નોલેજ યુગમાં શિક્ષકે સતત રોજ અપડેટ રહેવું પડે છે અને વર્ગમાં ભણાવાતા વિષયની આગલા દિવસે તૈયારી કરીને ‘રોજનાશી’ સાચા અર્થમાં ભરવી જોઇએ. શિક્ષકની નાનકડી ભૂલની ચોમેર દિશાએ નોંધ લેવાતી હોવાથી તેને સતત જાગૃત રહેવું પડે છે.

Municipal School

મેળવેલ તાલિમ અને વિવિધ ટેકનિકનો અસરકારક વર્ગખંડમાં ઉપયોગ કરતો શિક્ષક સાચો છાત્રોનો મિત્ર છે. આદર્શ શિક્ષકના લક્ષણો જ બાળકોની મુશ્કેલીમાં કે તેની વ્યથા જ્યારે તે શિક્ષકોને કહી શકે તે વર્ગ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય છે. બાળકની ક્ષમતા મુજબ તેનો વિકાસ અને વર્ગની દરેક પ્રવૃત્તિમાં દરેકનું ઇનવોલમેન્ટ કરીને કાર્ય કરતો માસ્તર ઉત્તમ કેટેગરીમાં આવે છે. શિક્ષણમાં મુખ્ય વસ્તું શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે,

Scnhoolkinds 06

આ સંબંધ વિશ્ર્વાસ અને આદરપૂર્ણ હોવો જોઇએ. આજે ગમે તે મહાન માણસ, અધિકારીઓ, ફિલ્મસ્ટારો, ક્રિકેટરો વિગેરે તમામ એક શિક્ષક પાસેથી પ્રથમ તૈયાર થયા હોય છે. બાળકની સર્જનાત્મક શક્તિની ખીલવણી માસ્તર જ કરી શકે છે, એટલે જ ફરી ‘માસ્તર યુગ’ લાવવો પડશે.આજે તો શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માત્ર જરૂરિયાત બની ગયો છે. એકને નોકરી વ્યવસાય માટે પદવી જોઇએ છે તો બીજાને માસાંતે મળતો પગાર, એટલે જ ભક્તિ, સેવા કે કર્મ નિષ્ઠાનો અભાવ જોવા મળે છે. વિદ્યાર્થીને કેળવે તે જ સાચી કેળવણી આ ઉદ્ેશ આજે સાવ બદલાય ગયો છે.

Teacher 1200

જમાનો બદલાયા તેમ બંનેના સંબંધો પણ બદલાય ગયા છે. આજે શિક્ષક ગુરૂ નથી પણ માહિતી આપનાર માધ્યમ બની ગયો છે.

આજે પહેલા જેવા ‘માસ્તરો’ રહ્યા નથી !!

યુગ બદલાય તેમ પરિવર્તનો આવતા જ રહે તે સંસારનો વણ લખ્યો નિયમ છે. આજે શાળામાં સ્માર્ટરૂપ, લેપટોપ કે કોમ્પ્યૂટર લેબ સાથે વાતાનુકૂલિત વર્ગો છે પહેલા આવુ કશુ જ હતું નહી છતાં બન્નેના સમયમાં શિક્ષણમાં ફેર જોવા મળે છે. આજે લગભગ બધા જ બોલે છે કે હવે પહેલા જેવા ‘માસ્તરો’ રહ્યા નથી. પહેલાના જ્ઞાન મંદિરો આજે વ્યવસાયિક હાટડા બની ગયા છે.

કારણ કે છ આંકડા જેવડી ફિ તો સાવ નાનકડા શાળામાં દાખલ ભણવાને માટે થવું છે એ પહેલા તો તેની ટેસ્ટ લેવાય છે. બેલ પડેને છૂટવાના બેલ વચ્ચે રિસેષ સિવાયના વર્ગખંડ સમયમાં મારી મચકોડીને અભ્યાસક્રમ પૂરો કરાવતો શિક્ષક સવારે ચોકને બપોર પછી બીજી સ્કૂલમાં ભણાવવા જાય છે. બાળકને આવડતું હોય અને હોશિંયાર પણ હોય તોય મા-બાપો ટ્યુશન તો રખાવે જ છે. પોતાના બાળકને ભણાવતા માસ્તરની કોઇ ડીગ્રી પૂછતું નથી તે તો માત્ર દેખા-દેખીમાં એક જાય છે એટલે મારે પણ મોકલવો એવા સ્ટેટ્સમાં લોન લઇને પણ ભણાવે છે.

આજની કારમી મોંઘવારીમાં સંતાનોને ભણાવવા ઘણી અઘરી બાબત છે. પહેલા આવી કાંઇ ચિંતા જ ન હતી. તેથી જ હવે ફરી ‘માસ્તર યુગ’ લાવવો જ પડશે. શિક્ષકે પણ પોતાની સજ્જતા કેળવીને વાલીઓની ચાહના મેળવવી જ પડશે. આજની સરકારી શાળા પણ બદલાતા યુગે સજ્જ થઇ રહી છે ત્યારે વાલીઓએ આ તરફ પણ ધ્યાન આપવું જોઇએ.

  • શિક્ષક કેવો હોવો જોઇએ? !!

મન, વચન અને કર્મથી ભિષ્મ જેવો,

કરૂણા, દયા અને મમતામાં ટેરેસા જેવો,

સત્ય, અહિંસામાં ગાંધીજી જેવો,

કર્તવ્ય પરાયણમાં રાજારામ જેવો,

સ્પષ્ટવક્તા, લોખંડી સરદાર જેવો,

બુદ્વિમાં ચતુર બિલબલ જેવો,

ધીરજ અને સહનશીલતામાં ધરતી જેવો,

પ્રભાવમાં મનમોહક ગોપાલ જેવો.

સંસ્કૃતિનો રક્ષકસ્વામિ વિવેકાનંદ જેવો,

બહાદુરીમાં રાણી લક્ષ્મીબાઇ જેવો,

નીતિમાં ધ્રુવની માતા સુનિતી જેવો,

જ્ઞાનમાં સાંદિપની અને વશિષ્ટ જેવો.

ચારિત્ર્યની પવિત્રતામાં અગ્નિ જેવો,

ધર્મરક્ષક અવતારી પુરૂષ કૃષ્ણ જેવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.