રાજવી પરિવારની મિલકતમાં બહેનને હિસ્સેદાર બનાવેલ છે ગેરસમજ હશે તો તેને દૂર કરશે : માંધાતાસિંહ જાડેજા

રાજકોટના રાજવી પરિવારની મિલકત અંગે ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. ત્યારે રાજકોટના રાજા માંધાતાસિંહ જાડેજાએ અંબાલિકાદેવી પોતાના મોટા બહેન હોવાનું અને તે મિલકત બાબતે રાજકોટ આવે ત્યારે તેમની સાથે ચર્ચા કરવા તૈયાર હોવાનું તેમજ દાદાએ કરેલા વ્હીલ મુજબ જ મિલકતની વહેચણી થઇ હોવાનું જણાવ્યું છે.

ઉત્તરપ્રદેશમાં પરણેલા રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાના પુત્રી અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહે અગાઉ રાજકોટ મામલતદાર સમક્ષ ગત તા.31-7-20ના રોજ પોતાના ભાઇ અને બહેનો વિરૂધ્ધ મિલકત અંગે વાંધા અરજી આપી હતી. રાજકોટ સર્વે નંબર 163 પૈકી 3-1ની 14 હેકટર, સર્વે નંબર 163 પૈકી 2ની 7,993 ચોરસ મીટર અને સર્વે નંબર 129 પૈકી 3ની 1214 ચોરસ મીટર જમીનમાં ઇ-ધરા રેકર્ડના હકક પત્રક ફેરફારના સંદર્ભે ગામ નમુના નંબર 6 વારસાઇ નોંધ તા.30 જુનના રોજ ઓન લાઇન દાખલ થયેલી જેની 135 દિવસની નોટિસના અનુસંધાને વાંધા અરજી આપી હતી.

પોતાના ભાઇ માંધાતાસિંહ જાડેજા, બહેન શાંતિદેવી મનોહરસિંહ જાડેજા, માતા માનકુમારીદેવી અને બીજા બહેન ઉમાકુમારી છત્રસાલસિંહ (મધ્યપ્રદેશ) સામે તકારી એન્ટ્રી કરવામાં આવી હતી. અને કેસ રજીસ્ટર સાથે ચલાવવામાં આવ્યો છે.

આ અંગે રાજકોટના માંધાતાસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે આ અમારી કુટુંબીક અને આંતરિક બાબત છે. અંબાલિકાદેવી પોતાના મોટા બહેન છે. તેઓએ જે દાવો કર્યો છે. તે અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેઓને કોઇ ગેર સમજ અથવા ખોટા અર્થઘટનના કરવામાં આવ્યું છે.

રાજકોટના માજી રાજવી અને પૂર્વ નાણા મંત્રી મનોહરસિંહ જાડેજાએ તેમના વારસદારોમાં મારા માતૃશ્રી, હું પોતે અને મારા ત્રણેય બહેનો આવે છે. ત્યારે દાદા દ્વારા કરવામાં આવેલા વ્હીલની જોગવાઇ મુજબ તે મુજબ મિલકતની વહેચણી કરવામાં આવી છે. દાદા દ્વારા કરાયેલી વ્હીલ મુજબ બધા બહેનોએ મિલકત સ્વીકારી પણ લીધી છે.

રાજવી પરિવાર દ્વારા રણજીત વિલાસ પેસેલમાં જ એક સાથે મળીને રજીસ્ટર ડીડ ઓફ રીલીઝ કરવામાં આવ્યું છે. જે સબ રજીસ્ટર સમક્ષ કરવામાં આવ્યું છે. મિલકત બાબતે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે કોઇ વિવાદ નથી તેમ છતાં મોટા બહેન અંબાલિકાદેવી દ્વારા કરવા આવેલો દાવો કોઇ ગેર સમજના કારણે કે કોઇ ખોટી રીતે દોરવણી કરવામાં આવતું હોવાના કારણે કરાયો છે. જે ખરેખર પાયાવીહોણો છે. ન્યાયિક અને અયોગ્ય છે.

આમા કોઇ વિવાદનું સ્થાન ન હોવાનું માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું છે.આમ છતાં મોટા બહેન અંબાલિકાદેવીને આ અંગે કોઇ ખુલાશો કરવો હોય તો તે અંગે પોતે તૈયારી બતાવી રાજકોટ આવે ત્યારે આ અંગે જરૂરી વાતચીત કરી સમગ્ર પ્રશ્ન સુલટાવવા પ્રયાસ કરવામાં આવશે તેમની ગેર સમજ દુર કરવા નાના ભાઇ તરીકે તૈયાર છુ તેમ જણાવ્યું છે.