સૌરાષ્ટ્રના દુરદર્શનના ૭ પ્રસારણ કેન્દ્રો મધરાતથી બંધ

એનાલોગ ટ્રાન્સમિશનની ટેક્નોલોજી હવે આઉટ ઓફ ડેટ થતા પાલીતાણા, અમરેલી,ધારી, લીંબડી, પોરબંદર, ધ્રાંગધ્રા અને રાજુલા કેન્દ્રની સેવા બંધ કરી દેવાશે : કર્મચારીઓને અન્ય કેન્દ્રોમાં ખસેડાશે

૭ શહેરોમાં હવે એન્ટેનાથી દૂરદર્શનની ચેનલો નહિ દેખાય, ચેનલ જોવા માટે ડીડી ફ્રી ડિશ ટીવી નખાવી પડશે

સૌરાષ્ટ્રમાં પ્રસરભારતી દ્વારા કાર્યરત પ્રસારણ માટેની એનાલોગ ટ્રાન્સમીટર ટેક્નોલોજી ડિસ્કાર્ડ કરવામાં આવી રહી હોવાથી આજે મધરાતથી સૌરાષ્ટ્રના ૭ સહિત ગુજરાતના ૧૫ એનાલોગ ટ્રાન્સમિટર બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના પાલીતાણા, અમરેલી,ધારી, લીંબડી, પોરબંદર, ધ્રાંગધ્રા અને રાજુલા કેન્દ્રનો સમાવેશ થાય છે.

૧૯૮૪મા દૂરદર્શનની સ્થાપના થયા બાદ તે સમયે અંતરિયાળ વિસ્તારમાં દૂરદર્શનના પ્રસારણનો લોકોને લાભ મળે તે માટે નાના નાના ટ્રાન્સમિશન ઉભા કરવામાં આવ્યા હતા. જે બદલાતી જતી ટેક્નોલોજીની દુનિયામાં હવે આઉટઓફ ડેટ બની રહ્યા છે. અગાઉ ચાર ફેઈસમાં દેશમાં અંદાજે ૫૦૦ એનાલોગ ટ્રાન્સમીટર બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે પાંચમા ફેઈસમાં વધુ એનાલોગ ટ્રાન્સમીટર બંધ કરી તેના કર્મચારીઓને અન્ય ટ્રાન્સમિશન યુનિટમાં બદલી આપવામાં આવશે. એનાલોગ ટ્રાન્સમિશનની ટેક્નોલોજી એક સમયે ઉપયોગી હતી.

જેની મદદથી દૂરદર્શનના પ્રસારણ કાર્યક્રમોને એન્ટેનાની મદદથી લોકો ઘરમાં પણ માણી શકતા હતા. પરંતુ દેશભરમાં આ એનાલોગ ટ્રાન્સમિશન ક્રમશ બંધ થતાં ગયા છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોરબી, માંગરોળ, ધોરાજી, બાટવા, જૂનાગઢના એનાલોગ ટ્રાન્સમિશન બંધ થઈ ગયા બાદ હવે પાંચમા તબક્કામાં આજે મધરાતે ૧૨ વાગ્યાથી પાલીતાણા, અમરેલી,ધારી, લીંબડી, પોરબંદર, ધ્રાંગધ્રા અને રાજુલા કેન્દ્રની સેવા આટોપી લેવામા આવનાર છે.

એક સમયે એનાલોગ ટ્રાન્સમિશન ઉભા કરવામાં  સરકારને ૭૦થી ૭૫ લાખનો ખર્ચ સરકારને થતો હતો. પરંતુ હવે આ ટેક્નોલોજી બિનઉપયોગી થતા પ્રસરણના સાધનો સાથેના ટ્રાન્સમિશનના નિકાલ માટે ઇ.ઓક્શન કરીને તેનો નિકાલ કરવામાં આવશે. વધુમાં સૌરાષ્ટ્રના ૭ કેન્દ્રો બંધ થઈ જવાથી હવે આ વિસ્તારમાં એન્ટેના વડે દૂરદર્શન જોઇ શકાશે નહીં. દૂરદર્શનના તમામ શોખીનો માટે દૂરદર્શનની તમામ ચેનલો ડીડી ફ્રી ડિશ ટીવી ઉપરથી નિહાળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.