- શેત્રુજય ડુંગરના 3501 પગથીયા ડુંગર પર 1રપ0થી વધુ દેરાસરો
જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉની યાત્રાનો પ્રારંભ પાલીતાણા તળેટી ખાતેથી ફાગણ સુદ 13ને તા. 12-3-2025 ને બુધવારે વહેલી પરોઢે 4થી થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન-જૈનેતર ભાવિકો ઉપરાંત દેશ-વિદેશના યાત્રાળુઓ પણ છ ગાઉ યાત્રા કરે છે. રાજકોટ શહેરમાંથી અંદાજીત 30 થી 3પ લકઝરી બસો પાલીતાણા પહોંચશે.
રાજકોટથી છેલ્લા 43 વરસથી એટલે કે 1983થી કોઇપણ જાતના વિઘ્ન વિના અને ખાસ તો એ કે, કોઇની પાસેથી ડોનેશન કે ફંડફાળા ઉઘરાવ્યા વગર જ ફકત એસ.ટી. બસ કરતા પણ ઓછા ચાર્જથી 4 થી પ બસોમાં જૈન-જૈનેતરોને છ ગાઉ યાત્રા કરાવતા જૈન શ્રેષ્ઠી અને જૈન જાગૃતિ સેન્ટરના પૂર્વ પ્રમુખ મહેશભાઇ મહેતાનું આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા દર વરસે સન્માન કરી, કુમ કુમ તિલક કરી, શાલ ઓઢાડવામાં આવે છે. એક લોકવાયકા મુજબ ફાગણ સુદ 13ના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બન્ને પુત્રો શામ્બ અને પ્રદ્યુમન જૈન મુનિઓ સાથે અનસન વૃત કરીને શેત્રુંજય પર્વત ઉપર છ ગાઉની પ્રદક્ષિણા કરીને ‘મોક્ષ ગતિ’ ને પામ્યા હતા તેથી જ આજના દિવસનું વિશેષ મહત્વ હોય છે.
શેત્રુંજય પર્વત ઉપર 3પ01 પગથીયા ચડીને ફકત આજના પવિત્ર દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરીને, આદેશ્વરદાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે તેના દર્શન કરીને તિર્થકર શ્રી અજીતનાથ સ્વામી તથા શાંતિનાથ સ્વામીની ડેરીએ યાત્રાળુઓ શાંતિ સ્ત્રોતનું સ્મરણ કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીનો પ્રસાદ લઇ, હસ્તગીરી અને સિઘ્ધ શીલા ગુફા, સુરજ કુંડના દર્શન કરી યાત્રાળુઓ સિઘ્ધવડ, આદપુર (ઘેટી) ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા 89 પોલ (સ્ટોલ)માં પહોંચશે. યાત્રા દરમ્યાન ઉપર દરેક પાણીના પરબ ઉપર કાચા-પાકા પાણીની વ્યવસ્થા, ડોકટરોની ટીમ, સુરક્ષા જવાનો, કોલોનવોટર મીશ્રીત ઠંડા નેપકીન માથે મૂકવા માટે પાણીના ફુવારાઓ ઉપરાંત રસ્તામાં દરેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવે છે. અંદાજીત 3પ જેટલા ડોમમાં યાત્રાળુઓનું પગના અંગુઠા ઘોઇને બહુમાન કરી, તિલક કરી, ચલણી સિકકાઓ દ્વારા બહુમાન કરવામાં આવે છે. મોટા ભાગના યાત્રાળુઓ મળેલ પ0 થી 60 સિકકાઓ ગૌશાળાની દાન પેટીમાં પધરાવી દેતા હોય છે.
શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સીનીયર ટીમાો જહેમત ઉઠાવતી હોય છે. જેમાં સર્વ અપૂર્વ રમણલાલ શાહ, ટ્રસ્ટી પાલભાઇ રસિકભાઇ કલ્પેશભાઇ શાહ, ભાવનગરના મનિષભાઇ શાહ, સુદિપભાઇ શાહ, સુનિલભાઇ શાહ, કમલેશભાઇ લાલભાઇ, સુધીરભાઇ મહેતા, વિ. ખડેપગે હાજર રહી સેવા બજાવે છે. ભાવનગર કલેકટર, ડીવાયએસપી, હોમગાર્ડ , પાલીકા પ્રમુખ, નવકાર સારવાર કેન્દ્ર, મેડીકલ સ્ટાફ આ સેવાયજ્ઞમાં જોડાય છે.
તા. 1ર માર્ચને બુધવારે દરેક પાલમાં (ફુડ સ્ટોર)માં શુઘ્ધ જૈન વાનગીઓમાં ઢેબરા-દહીં, ગાઠીયા, પુરી, થેપલા, કાચા પપૈયાનો સંભારો, ચા, દુધ, ઉકાળો, લીલી – કાળી દ્રાક્ષ, તરબુચ, તજ, લવીંગના ઉકાળા, રાજસ્થાની લચ્છી, વળીયાના -લીંબુના શરબત વિ. દિવસ દરમ્યાન વાનગીઓ, ભાતૃભાવથી પિરસવામાં આવે છે. સાંજે પ થી 6 ચૌ વિહાર દરમયાન રોટલા, ખીચડી, કઢી, શાક, સંભાળો, દહીં વિ. આપવામાં આવે છે. પેઢી તરફથી ભાતાના પાલની પણ સુંદર વ્યવસ્થા હોય છે.
પાલીતાણાથી પાલના સ્થળે આવવા જવા માટે સિઘ્ધપર, આદપુર, ઘેટી ગામ આવવા માટે એસ.ટી. તરફથી સ્પેશિયલ પ0 થી વધુ બસો ફાળવવામાં આવેલ છે. તેમજ બોમ્બેથી સ્પેશિયલ ટ્રેનનું ણ આયોજન કરેલ છે. સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટથી પણ સ્પેશિયલ એસ.ટી. બસો છ ગાઉ યાત્રા માટે મુકવામાં આવશે.
છ ગાઉ યાત્રા દરમ્યાન કુલ 1રપ0 જેટલા નાના- મોટા દહેરાસરોનો દર્શનનો લાભ લેવા ભારતભરમાંથી તેમજ વિદેશથી પણ ભાવિકો ઉમટશે, મુંબઇ, રાજસ્થાન, કલકતા, બરોડા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, શિહોર, દિયાવર, ડભોઇ, લતીપર, ચેન્નાઇ, ભાવનગર, પાલીતાણા, લીંબડી, વિગેરે સેન્ટરો પોત પોતાના પાલમાં નિ:શુલ્ક સેવાઓ આપી યાત્રાળુઓની આતિથ્ય ભાવના બજાવશે.
યાત્રાળુઓ માટે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા વિશાળ ડોમમાં પીવાનું પાણી, પંખા, આરામની સુવિધાઓ, પાલના સ્થળે દહેરાસરમાં પૂજા માટેના વસ્ત્રો, સ્નાન વિધી, એકાસણા, આયંબીલના પાલ, સાધુ-સાઘ્વીજીના સમુહમાં દર્શનનો લાભ, ડોકટરો, ફીઝીયોથેરાપીસ્ટ, તેલ માલીસ વિગેરેની ટીમો પણ સેવામાં જોડાય છે. આ યાત્રાની આતિથ્ય ભાવના પામવી એ પણ જીંદગીનો એક મોટો લ્હાવો છે. અને એ પણ તમામ સુવિધાઓ નિ:શુલ્ક એકપણ પૈસાના ખર્ચ વગર પામી શકાય છે.
પાલીતાણા છ ગાઉ યાત્રામાં જવાની વ્યવસ્થા
જૈન જાગૃત સેનટરના પૂર્વ પ્રમુખ મહેશભાઇ મહેતાની યાદીમાં જણાવ્યા મુજબ પાલીતાણા યાત્રામાં જવા-આવવા માટે તા. 1ર માર્ચ બુધવારે યાત્રાળુઓને એસ.ટી. બસ કરતા પણ ઓછા ભાવથી લકઝરી બસમાં લઇ જવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવવા માટે કુમારીકા શો રૂમ (મહેતા ટાઇપ બીલ્ડીંગ), લાખાજીરાજ રોડ, રાજકોટ મો. નં.98242 44550, રાજકોટથી ઉપડતી તમામ બસો મંગળવાર તા. 11 માર્ચ ને રાત્રે 10 વાગ્યાની આસપાસ રવાના થશે.
જૈનોની આ યાત્રાનું નામ છ ગાઉ યાત્રા કેમ પડયું?
પાલીતાણાની આ યાત્રા તળેટીથી શરુ થઇને કેડી રસ્તે સિઘ્ધવડ ગામે પહોંચે તે માર્ગ આશરે 16 કી.મી.નો છે. જે દેશી માપ પ્રમાણે છ ગાઉ થાય એટલે આ યાત્રા છ ગાઉ તરીકે ઓળખાય છે.
આ શેત્રુંજય પર્વતની ઉંચાઇ આશરે 603 મીટર છે. અને કુલ પગથીયાની સંખ્યા 3501 છે.
જેમ છ ગાઉ યાત્રા છે. તેમ દોઢ ગાઉ અને બાર ગાઉની પણ પ્રદક્ષિપા યાત્રા થાય છે. ઋષભદેવ તિર્થકર આ પર્વની 99 વાર યાત્રા કરેલ હતી. તેથી હજારો ભાવિકો અને સાધુ સાઘ્વીજીવો પણ 99 વખત યાત્રા કરીને પુણ્ય કમાય છે. આ તિર્થનું નામ શેત્રુંજય તિર્થ એટલે પડયેં કે, મનના શત્રુઓનો નાશ કરી, અસિમ શાંતિ, આનંદની અનુભવ કરાવનાર પવિત્ર પર્વત.