- તાપમાનના પારા સાથે જ ડખ્ખાના બનાવોમાં ચિંતાજનક ઉછાળો
- પુત્રને દારૂ પીવા બાબતે ઠપકો આપનાર કાકા-કાકીને પરિવારે તલવાર-છરી ઝીંકી
શહેરના નવયુગપરામાં રહેતા અને કલરકામ કરતા ગુલામકાદરખાન મજીદખાન યુસુફી (ઉ.વ 48)એ એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું કલર કામ તથા અમારા સમાજના લોકોને હજયાત્રાએ જવું હોય તો તેની ટુર્સનું કામ ઘરેથી કરું છું. અમે ચાર ભાઈ તથા ત્રણ બહેન છીએ. જેમાં સૌથી મોટા ભાઈ નજીરખાન જે તેના પરિવાર સાથે રામનાથ પરા શેરી નં 6 હુસૈની ચોક ખાન સાહેબના મંઝિલમાં રહે છે. ગઈ તારીખ 23/02/2025 ના રોજ રાત્રીના પોણા અગીયાર વાગ્યા દરમિયાન હું તથા મારા પત્ની રેશમાબેન રામનાથપરા હુસેની ચોક શેરી નંબર 6 ખાન સાહેબના મંઝિલે સુવા માટે એકટીવા લઈને ઘરેથી નીકળેલ હતા. ત્યારે રામનાથપરા પોલીસ લાઈન પાસે પહોંચતા હોથી ત્યાં મારો ભત્રીજો નોહીનખાન નજીરખાન, બીલાલ નજીર ખાન, મારા મોટાભાઈ નજીરખાન મજીદખાન તથા નોહીનના ત્રણ અજાણ્યા મિત્રો, નોહીનખાનની પત્ની રોશનબેન, નોંહીનખાનની બહેન નુરજહાં અને અફસાના એમ બધા ત્યાં હાજર હતા. નોહીને મારું એકટીવા રોકીને ધોકો કાઢીને મારા એકટીવામાં તથા મને બેફામ ઘા ઝીંકી દીધા હતા. બાદમાં મારી પત્ની રેશ્માને પણ ધોકા વડે માર માર્યો હતો. બાદમાં બિલાલે તલવારની બુઠ્ઠી બાજુ મને મારેલ હતી અને બીલાલે તેના નેફામાંથી છરી કાઢીને પગમાં મારેલ હતી. હું મારા ઘર બાજુ ભાગવા જતા નોહીનનો અજાણ્યો મિત્ર મારી પાછળ દોડીને મને બુઠ્ઠી તલવારના ઘા મારેલ હતા. બાદમાં હું જે.કે. ટાયર સામે રોડ પર બેસી ગયેલ અને મારી પત્ની પણ મારી પાસે આવેલ હતી. મને મોઢાના ભાગે ડાભી આંખની નીચે, નાકના ભાગે તેમજ શરીરે ઇજા પહોંચી હતી. થોડીવારમાં મારો પુત્ર સાહીલ દોડી આવ્યો હતો અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં જમણાં પગમાં ફ્રેક્ચર તથા ટાંકા આવેલ તેમજ ડાબા હાથમાં ફ્રેકચર તથા ટાંકા આવેલ છે અને મોઢાના ભાગે મુંઢ ઇજા થયેલ છે. તેમજ પત્ની રેશ્માબેનને જમણા પગના ગોઠણના ભાગે બિલાલે છરીનો છરકો મારેલ હોય ટાકા આવ્યા હતા. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ બનાવ બનવાનુ કારણ એવુ છે કે મારા મોટાભાઈના પુત્ર નોહીન દારૂ પીવાની ટેવવાળો હોય અને મે તેને આ ખરાબ કામ આ અમો સુવા આવીએ તે ડેલામા ન કરવા કહેતા આ બધાએ એકસંપ કરી હુમલો કર્યો હતો.
કોર્ટ મુદ્દતમાં હાજર રહેતો નહીં… વૃદ્ધના ઘરે જઈ ધમકી આપનાર પિનાકીન દોંગાની ધરપકડ
કાલાવડ રોડ પર રહેતા અરજણભાઇ મનજીભાઇ ગધેથરીયા(ઉ.વ.61)એ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી માલિકીની જમીન જે કાલાવાડ ખાતે આવેલ છે. જે કુલ આશરે 19 વિઘા જમીન છે. જેમા અમો ત્રણ ભાગીદાર છી એ જેમા મનજીભાઇ કડવાભાઈ બધેથરીયા, ગોપાલભાઈ કડવાભાઇ તથા દેવજીભાઈ કડવાભાઈ છે. જેમા હું તથા દેવજીભાઈ બંન્ને છેલ્લા 45 વર્ષથી કબ્જો ધરાવીએ છીએ અને ગોપાલભાઇએ જમીનનો કબ્જો મેળવવા અમારા વિરૂધ્ધ કાલાવાડ પોલીસમા અને નામદાર સિવિલ કોર્ટમા પણ કેસ કરેલ છે. જે કેસ દરમ્યાન ગોપાલભાઈએ પોતાની જમીન ભીમજીભાઈ કરશનભાઈ સગપરીયાને વેચેલ હોય જેની અમને જાણ થતા અમેં નામદાર કાલાવાડ કોર્ટમા સિવિલ દાવો દાખલ કરેલ છે કે આ ગોપાલભાઇએ સામાવાળા ભીમજીભાઈને દસ્તાવેજ કરી આપેલ તે રદ કરવા અંગેનો કેસ દાખલ કરેલ છે, જે હાલ પેન્ડીંગ છે. ગત તા. 16-02-25ના રોજ હું ઘરે હાજર હતો ત્યારે નીચેથી કોઈએ મને અવાજ કરતા હું નીચે આવ્યો હતો. દરવાજો ખોલતા મે જોયેલ તો આ ભાઈએ મને કહેલ કે તમે નજીક આવો તમારૂ ખાસ કામ છે. જેથી મેં કહેલ કે તમારી નજીક એમ હું નહી આવુ તમે બોલો તમારે શું કામ છે એમ કહેતા તેણે કહેલ કે તુ નજીક આવ એટલે તને ખબર પડે કહેતા હું ડરી ગયેલ અને મે કહેલ કે તુ ઉભો રહે હું હમણા આવુ એમ કહી હું મારા ઘરમાં અંદર જતો હતો ત્યારે તેણે કહેલ કે કાલ કેસની તારીખ છે એટલે જાતો નહીં કેસ પાછો ખેંચી લેજે નહીતર મજા નહી આવે અને આજ તુ અહિં આવ તને આજ જાનથી મારી નાખવો છે કહી ગાળો આપી કેસ પાછો ખેંચી લેજે નહિતર તને રોડ પર ભુસી નાખીસ તેવી ધમકીઓ આપી હતી. આ બનાવની મે મારા કાકા મયુરભાઈ દેવજીભાઇ ગધેથરીયાને જાણ કરેલ ત્યારે તેણે મને જણાવેલ કે આવો જ એક શખ્સ મારી પાસે પણ આવેલ હતો અને આ જમીનની માપણી કરવાનુ જણાવેલ હતુ અને તે વખતે હું આપણી જમીન ખાતે હતો મે તેનો વિડીયો બનાવેલ છે જે વિડીયો મને મોકલે અને મે વિડીયો જોતા આ અજાણ્યો માણસ પીનાકીનભાઈ ઉમેદભાઇ દોંગા છે, જેની જાણ મને દસ્તાવેજમા સાક્ષી તરીકે હોય જેથી જાણવા મળેલ હતુ. બાદમાં ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે પિનાકીન દોંગાની ધરપકડ કરી છે.
હોર્ન કેમ મારે છે કહી હોટેલ સંચાલકની કારનો કાચ છરી ઝીંકી તોડી નખાયો
શહેરના બિગ બજાર નજીક કેમ હોર્ન મારે છે કહી ત્રિપુટીએ છરી વડે ઘા ઝીંકી કારનો કાચ તોડી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. મવડી વિસ્તારમાં રહેતા કાનાભાઇ સવાભાઈ વરૂ(ઉ.વ.30)એ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ગોંડલ રોડ ઉપર મહિરાજ હોટલ ચલાવી વેપાર કરું છું. ગઇ તા.22/02/25 ના રાત્રીના ત્રણેક વાગ્યે હું, મારા મામાના દિકરા લાલાભાઈ ભીમ ભાઈ ડાંગર તથા મારા મિત્ર તેજસભાઇ દિવ્યેસભાઈ રાઠોડ એમ ત્રણેય જણા લગ્ન પ્રસંગ જે મુંજકા રોડ પર આવેલ હોય ત્યાંથી અમારી હોટલ જે ગોંડલ રોડ પી.ડી.એમ કોલેજ પાસે આવેલ ત્યાં કાર નં. જીજે-03-કેપી-9787લઈને જતા હતા. બિગ બજાર પાસે પહોંચતા અમારી આગળ પહેલેથી જ એક એકટીવા ચાલક જતો હતો જેને હોર્ન મારતા હોય પરંતુ સાઈડ આપતો ન હતો. બાદમાં ચાલકે તેનુ એકટીવા અચાનક ઉભુ રાખી દીધું હતું અને તેઓ ત્રણ સવારીમાં હતા ત્રણેય શખ્સોં ગાળો બોલવા લાગેલ હતા. બાદમાં કેમ સતત હોર્ન મારો છો તેમ કહી એક શખ્સે છરી કાઢી હતી અને ખાલી સાઈડમાં મારી કારનો કાચ તોડી નાખ્યો હતો. બાદમાં અમે બહાર ઉતરતા ત્રણેય શખ્સોં એક્ટિવા નંબર જીજે-03-પીબી-7283 લઈને નાસી ગયાં હતા.
જુના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ માતા-પુત્રીને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા
કાલાવડ રોડ પર આવેલ લક્ષ્મીના ઢોરા પાસે રહેતા ભાનુબેન પ્રવિણભાઈ બગડા (ઉ.વ. 39) નામની પરિણીતાએ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ પ્રવીણ ખીમાભાઇ બગડા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરે છે. ગઈ તા-20/02/2025 ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાની આસપાસ મારા પતિ ટ્રાન્સપોર્ટની ગાડી લઈને અમદાવાદ જવા નિકળી ગયેલ હતા અને અમે બધા ઘરે હાજર હતા. દરમિયાન આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ અમારા ઘરની ડેલી ખખડતા બહાર જોતા શકતીભાઇ ભગવાનજીભાઇ ધોરાળીયાએ મને અવાજ કરેલ કે ભાનુબેન દરવાજો ખોલો હુ શકતી છુ તેમ કહેતા મેં ડેલી ખોલી હતી. જ્યાં શકતીભાઈ ભગવાનજીભાઈ ધોરાળીયા, હિતેશભાઈ ભગવાનજીભાઇ ધોરાળીયા, ગડાભાઈ હેમતભાઈ પરમાર, ભગવાનજીભાઈ પુંજાભાઈ ધોરાળીયા તથા ભગવાનજીભાઈના જમાઇ બે મોટરસાયકલ લઈને આવેલ હતા. તેમણે મને પૂછ્યું હતું કે, તારો પતિ ક્યા જેથી મેં તેઓ ટ્રાન્સપોર્ટમાં ડ્રાયવિંગ કરવા ગયાં છે તેમ કહેતા શક્તિ અને હિતેષ અને ભગવાનજીભાઈએ મને બેફામ ગાળો આપી હતી. બાદમાં ભગવાનજીભાઈએ મને ગાલ ઉપર બે ઝાપટ મારી દિધેલ અને બે ઘા ધોકાના મારી દિધેલ હતા. બાદમાં મારી દીકરી ધર્મીષ્ઠા બહાર ડેલી આગળ આવતા તેને આ શકતીએ બે ઝાપટ મારી દિધેલ અને એક ઘા ધોકાનો મારી દિધેલ હતો. દરમ્યાન ગડાભાઇ પરમારએ પોતાની પાસેની છરી કાઢેલ અને મને તથા મારી દિકરીને બતાવી ને બોલવા લાગેલ કે શક્તિ મારો દિકરો છે તેની સાથે માથાકુટ કરતા નહી નહીતર તને તારા ઘરવાળાને જીવવા નહી દઉં તેમ ધમકી આપી હતી. જે બાદ દેકારો થવા લાગતા બાજુમાં રહેતા મારા સસરા ખીમાભાઈ રામાભાઈ બગડા, નણંદ રાધીકાબેન તથા આજુબાજુવાળા આવી જતા બધા લોકો મોટર સાયકલ મુકીને ભાગી ગયેલા હતા. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,આ બનાવવાનું કારણ એવું છે અગાઉ શકતી સાથે બોલાચાલી થયેલી હોય અને સમાધાન થઇ ગયેલ હોય તેમ છતા પાંચ શખ્સોંએ આવી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી લાફા અને ધોકા વડે માર માર્યો હતો.
- અલગ અલગ પોલીસ મથકમાં કુલ 21 હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ
- પાર્ટી પૂર્ણ કરી પરત ફરતા પરેશ શર્મા સાથે ગાળો બોલવા બાબતે ડખ્ખો થતાં સગીરે છરી ઝીંકી : અટકાયતમાં
ઉનાળાના પ્રારંભે જ તાપમાનનો પારો ઊંચકાયો છે અને તેની સાથે જ લોકોના મગજમાં તાપ વધતા ડખ્ખાના બનાવમાં પણ ચિંતાજનક વધારો થવા પામ્યો છે. શહેરમાં અલગ અલગ છ સ્થળો પર બઘડાટી બોલતા છરી-તલવાર ઉડતા કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જયારે આ તમામ બનાવમાં અલગ અલગ પોલીસ મથકમાં કુલ 21 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હુમલાના પ્રથમ બનાવની જો વાત કરવામાં આવે તો શહેરના સ્વામિનારાયણ મંદિર નજીક વૈશાલીનગરમાં રહેતા પરેશ પ્રદીપ શર્મા પર સગીરે છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં પ્રાપ્િં વિગત અનુસાર પરેશ પ્રદીપ શર્માનો જન્મદિવસ હોવાથી તે તેના મિત્ર લક્ષમણસિંહ શાહુ(રહે. રૈયાગામ મુક્તિધામની સામેના મફતિયાપરા)ને ત્યાં જન્મદિવસની પાર્ટી કરવા ગયો હતો. બાદમાં પાર્ટી પૂર્ણ કરી પરત ફરતી વેળાએ પરેશ શર્મા કોઈક બાબતે શેરીમાં ગાળો બોલતા સગીરની માતા શેરીમાં ઉભા હતા. બાદના સગીરે શેરીમાં આવી ગાળો બોલવાની ના પાડતા સગીરે ઉશ્કેરાટમાં આવી ઝગડો કરી પરેશ શર્માને પેટના ભાગે છરી ઝીંકી દીધી હતી. જીવલેણ હુમલાને પગલે રાડારાડી થતાં સગીર નાસી ગયો હતો. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.મામલામાં યુનિવર્સીટી પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક અટકાયતમાં લીધો હતો.
દારૂનો વીડિયો ઉતારવા ગયેલા વેબ ચેનલના પત્રકારને પિતા-પુત્રએ લમધારી નાખ્યો
કેકેવી ચોક નજીક દારૂનો વિડીયો ઉતારવા ગયેલા પત્રકારને પિતા-પુત્રએ લમધારી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. પુષ્કરધામ રોડ પર નીલકંઠપાર્કમાં રહેતા અને વેબ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા કપિલભાઈ હરેશભાઈ દાફડા (ઉ.વ.25)એ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ઇન્ડિયન ક્રાઈમ વેબમાં પ્રેસ રીપોર્ટર તરીકે નોકરી કરું છું. ગઈકાલે સવારે સાડા દસ વાગ્યાં આસપાસ કેકેવી ચોક ખાતે હાજર હતો. મને ચારેક દિવસ અગાઉ માહિતી મળેલ હતી કે, કે. કે. વી. હોલ પાસે ટ્રાફિક પોલીસ ચોકીની સામેની ગલીમાં અનિલભાઈ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે. જ્યાં હું કવરેજ કરવા માટે ગયેલ હતો. જ્યાં થોડા માણસો ભેગા થઈ ગયેલા હતા અને થોડીવારમાં અનિલભાઈનો છોકરો આવી મને કહેલ કે, તું અહીં ગાળો કેમ બોલે છે અહીં લેડીઝ પણ છે. જેથી મેં તેને કહેલ કે હું ક્યાં ગાળો બોલું છું એટલી વારમાં ત્યાં અનિલભાઈ આવી ગયેલ હતા. બાદમાં અનિલના છોકરાએ લોખંડના પાઈપ વડે મને મારા માથાના ભાગે એક ધા મારેલો હતો અને એક ઘા માથાના પાછળના ભાગે મારેલ હતો. બાદમાં અનિલે લોખંડના પાઈપનો એક ઘા મને ડાબા પગના પાછળના ભાગે મારેલ હતો. બાદમાં બંનેએ ધમકી આપી હતી કે, હવે જો તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખીશ. બાદમાં વેબનો પત્રકાર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો અને માલવિયાનગર પોલીસમાં પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.