Abtak Media Google News

જીવને દર્દ આપવાની પ્રક્રિયા ઘાતકતાની વ્યાખ્યામાં આવતી હોય તો હલાલ પદ્ધતિમાં પશુઓના રક્તના છેલ્લા ટીપા સુધી થતી અપાર વેદનાને વ્યાજબી કેમ ગણવી ?

જીવદયાની પરિભાષા ભારતીય સંસ્કૃતિ અને ધર્મ સંહિતામાં જેટલી વિસ્તૃત રીતે કરવામાં આવી છે તેટલી વિશ્વમાં ક્યાંય નથી. ત્યારે માંસાહારી વર્ગ માટે પશુની કત્તલ ઝટકાથી કરવી કે હલાલ પદ્ધતિથી કરવી તે પ્રશ્ન હંમેશા ચર્ચાતો હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે થયેલી ચર્ચામાં સુપ્રીમ કોર્ટે જો કે, માંસાહારને ખોરાક લેવાના અધિકાર તરીકે માન્ય રાખીને તેને અટકાવી ન શકાય તેવું ઠેરવવાની સાથે સાથે વ્યાપક પ્રમાણમાં જેનો ઉપયોગ થાય છે તે હલાલ પદ્ધતિને સૌથી વધુ પીડાદાયી ગણાવી છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે હલાલ પદ્ધતિથી પશુઓની કત્તલ કરવાની પ્રથા સામે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી ફગાવી દીધી હતી. માંસાહારી લોકોમાં મોટાભાગે હલાલ પદ્ધતિથી પશુની કત્તલ કરવાની પ્રથા પ્રચલીત છે. બીજા ક્રમે પશુઓની કત્તલ ઝટકાથી કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માંસાહારી લોકોના આહાર માટે પશુ કત્તલ જરૂરી છે તો તેમાં હલાલ પદ્ધતિથી કત્તલ કરવામાં આવે કે ઝટકા પદ્ધતિથી કરવામાં આવે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. ન્યાયમૂર્તિ એસ.કે.કૌલે જણાવ્યું હતું કે, કત્તલ માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓની પોતાની વેદના તો હોતી નથી. યુરોપીયન કોર્ટે પણ હલાલ પદ્ધતિને સૌથી વધુ પીડાદાયી ગણવામાં આવી છે. હલાલ પદ્ધતિમાં પશુના શરીરમાંથી રક્તના છેલ્લા ટીપા સુધી તેને પીડા થાય છે. કોર્ટમાં ધારાશાસ્ત્રીઓએ પશુ ઘાતકીપણાની વ્યાખ્યાની વિસ્તૃત છણાવટ કરીને જણાવ્યું હતું કે, પશુ ઘાતકીપણાની કલમ ૧૧ (૧) (૧)માં પશુની ઓછામાં ઓછી ઈજા થાય તેવી હિમાયત કરવામાં આવી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આવતીકાલે તો એમ પણ કહી દેવાશે કે, કોઈએ મટન ખાવું જ નહીં. મટન ખાવાનો અધિકાર ખોરાકના અધિકારમાં આવે છે અને તે માટે પશુઓનો ઉપયોગ કરી શકાય.

સામાન્ય રીતે હલાલ પદ્ધતિ મુસ્લીમોમાં પ્રચલીત છે. તાલીમબદ્ધ કસાઈ પશુઓને હલાલ કરીને શરીરમાંથી રક્તનું છેલ્લુ ટીપુ ન નીકળે ત્યાં સુધી છોડતા નથી. હલાલ પદ્ધતિથી પશુઓને સૌથી વધુ પીડા થાય છે. હલાલ પદ્ધતિને આદર્શ ગણવી એ મુર્ખામી છે. ઝટકામાં એક જ ઝાટકે પશુની કરોડરજ્જુ તોડી નાખવામાં આવે છે અને તે તાત્કાલીક મોતને ભેટે છે. એક દલીલમાં કત્તલની તમામ પદ્ધતિ માનવતા વિરોધી છે. તેને આવકાર્ય ન ગણાય પરંતુ પશુનું માંસ ખાવું માનવ અધિકારનો ભાગ ગણીને તેને અટકાવી ન શકાય. તેમ ઠેરવી સુપ્રીમ કોર્ટે હલાલ પદ્ધતિને મુર્ખામીભરી ગણાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.