સ્માર્ટફોનનું ઘેલું: દસેક દેશના અમુક વિધાર્થીઓ પાસેથી 24 કલાક માટે ફોન લઈ લેવામાં આવ્યા અને પછી જે થયું તે….

તાજેતરમાં જ ઇનસ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ફક્ત થોડા કલાક બંધ રહેતા કેટલાય લોકોને માનસિક અસર પહોંચી ગઈ!

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના શોધકર્તાઓએ ‘ધ વર્લ્ડ અનપ્લગ્ડ પ્રોજેક્ટ’ હેઠળ દસ દેશોને પસંદ કર્યા. આ દસેક દેશોનાં અમુક વિદ્યાર્થીઓ પાસેથી 24 કલાક માટે સ્માર્ટફોન છીનવી લેવામાં આવ્યો. જેનાં પરિણામસ્વરૂપે તમામ વિદ્યાર્થીઓ ભયાનક માનસિક તાણમાં આવી ગયા

ઘણા-બધા યુવક/યુવતીઓને કુંડળીમાં મંગળ, શનિ કે રાહુ નડતાં હોય છે. જેના નિવારણ માટે આપણા દેશમાં વિવિધ નુસખાઓ અજમાવવામાં આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચનને લગ્ન પહેલા એક ઝાડ સાથે પરણાવવામાં આવી હતી, જેથી લગ્નજીવન પરની બધી બાધાઓ ટળી શકે! કુંડળીમાં નડતા ગ્રહો માટે જેમ લોકો પોતાના સંતાનના લગ્ન ઝાડ સાથે કરાવે છે, એ જ રીતે આજનાં બાળકો જન્મતાંવેત જ સ્માર્ટ ફોનનાં પ્રેમમાં પાગલ થઈ (યોગ્ય!) ઉમરે સ્માર્ટ ફોનને પરણવા લાગ્યા છે. બાદમાં એ જ ફોન, ‘ફિલ્લૌરી’ ફિલ્મના અનુષ્કા શર્માનાં ભૂતની જેમ યુવાનને વળગે છે અને તે વળગણ તેને ઘરનાં સભ્યો સાથે આત્મિયતા બાંધતા રોકે છે. ચોવીસ કલાક ને ત્રણસો પાંસઠ દિવસ વ્યકિતનો ફોન તેની પાસે પાસે રહે છે. ઓફિસ ઘર, રેસ્ટોરન્ટ, પાર્ક, થિયેટર, બેડરૂમ… અરે બાથરૂમમાં સુધ્ધાં! તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ફક્ત થોડા કલાક બંધ રહેતા કેટલાય લોકોને માનસિક અસર પહોંચી ગઈ!

ભારતમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા કરોડોનાં આંકડાને વટી ગઈ છે, જે 2050 સુધીમાં 50 કરોડ સુધી પહોંચે તેવી શકયતા છે. 21મી સદીની બાલ્યાવસ્થામાં લોન્ચ થયેલા એન્ડ્રોઈડ અને આઈ.ઓ.એસ. ફોનને પણ દશકો વીતી ગયો. તરૂણાવસ્થામાં પહોંચેલી સ્માર્ટ ફોનની દુનિયાએ વિશ્ર્વ આખાનાં લોકોને તેની પાછળ ઘેલા કર્યા છે. મોટા ભાગના લોકો દિવસભરમાં 150 વખત અથવા તો દર છ મિનિટે પોતાનો ફોન ચેક કરે છે. યંગસ્ટર્સ દિવસભરનાં સરેરાશ 110 મેસેજ મોકલે છે. બેશક, સ્માર્ટ ફોનની ટેક્નોલોજીકલ દુનિયાએ માણસ માટે તમામ સગવડો ઉભી કરી આપી છે. ઘેર બેસીને એક બટન દબાવવા માત્રથી કે પછી એક ક્લિકનાં સથવારે વ્યકિત કંઈ પણ મંગાવી શકે છે અને તે માટે કોઈ જાતનાં શારીરિક શ્રમની આવશ્યકતા નથી પડતી. પરંતુ વસ્તુ પરનાં અતિરેકનું પ્રમાણ ક્યારેય સુખદ નથી નીવડ્યું. સ્માર્ટ ફોનનાં અતિરેકે માણસનાં જીવનમાં ઘણી-બધી મુસીબતોનો પહાડ ઉભો કર્યો છે એ પછી શારીરિક હોય કે માનસિક કે પછી આર્થિક!

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના શોધકર્તાઓએ ‘ધ વર્લ્ડ અનપ્લગ્ડ પ્રોજેક્ટ’ હેઠળ દસ દેશોને પસંદ કર્યા. આ દસેક દેશોનાં અમુક વિદ્યાર્થીઓ પાસેથી 24 કલાક માટે સ્માર્ટફોન છીનવી લેવામાં આવ્યો. જેનાં પરિણામસ્વરૂપે તમામ વિદ્યાર્થીઓ ભયાનક માનસિક તાણમાં આવી ગયા. દર ત્રણમાંથી એક વ્યકિતએ એવું તારણ આપ્યું કે તેઓ મોબાઈલ ફોન માટે તેમની સેક્સ-લાઈફ છોડવા પણ તૈયાર છે.

જીવનમાં કઈ ક્ષણો સૌથી વધુ ડિપ્રેસીવ (ઉદાસીન) હોઈ શકે એ વિષય પર ફીઝિયોલોજીકલ સોસાયટીએ એક રિસર્ચ કર્યું. 2000 લોકો પર કરવામાં આવેલા આ રિસર્ચનાં પગલે દરેક પાસેથી મેળવેલા જવાબોનાં તારણ કંઈક આ મુજબના હતાં. સ્વાભાવિક રીતે પ્રથમ ક્રમાંક પર તો સ્નેહીજનનું મૃત્ય કે પછી પોતાનાં મૃત્યુને સૌથી વધુ ડિપ્રેસીવ બાબત ગણવામાં આવી. આ લિસ્ટમાં એક ચોંકાવનારી વિગત બહાર આવી. 13માં ક્રમ પર જ્યાં 5.84 સ્કોર સાથે લોકોએ આતંકવાદી હુમલાને ડિપ્રેશન લીસ્ટમાં સ્થાન આપ્યું હતું ત્યાં, એના તરત પછીનાં ક્રમ પર 5.79નાં સ્કોર સાથે સ્થાન મળ્યું, સ્માર્ટ ફોનનાં ગુમ થવાનાં ડરને! જેના પરથી માનસિક રોગનાં ડોકટર્સ એવા નિષ્કર્ષ પર આવ્યા કે લોકોનાં મનમાં આતંકવાદ અને ફોન ગુમ થવાનો ભય બંને સરખા છે! હવે વિચાર કરો, સ્માર્ટ ફોનની ભયાવહતાનો…

ફીઝિયોલોજીકલ સોસાયટીની પોલીસ કમિટીનાં ચેરપર્સન ડોકટર લ્યુસી ડોનાલ્ડસન જણાવે છે કે આજથી 50 વર્ષ પહેલા આ પ્રકારનાં સ્ટ્રેસ-ડિપ્રેશન તાણનું નામો નિશાન સુધ્ધા નહોતું. જયારે 21મી સદીમાં સ્માર્ટફોન તેમજ સોશિયલ મીડિયાનાં આગમનને લીધે નવી પ્રકારની માનસીક બિમારીઓ જન્મવા લાગી, જેનું નિવારણ દવા કે એન્ટિબાયોટિકસ દ્વારા શકય જ નથી! વ્યકિત પોતાની જાત પર નિયંત્રણ રાખતાં નહી શીખે તો વહેલું મોડું સ્માર્ટ ફોનનું વળગણ તેને ભરખી જશે અને એક જમાનો એવો પણ આવશે કે સ્માર્ટફોન ગુમ થઈ જવાને કારણે વ્યકિત માનસિક તાણ અનુભવીને મૃત્યુ પામશે. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની દુનિયાએ માણસની અંદરના અહમને જન્મ આપ્યો છે. વોટસએપ, ટ્વિટર, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગુગલ હેન્ગઆઉટ જેવી એપ્લિકેશનને લીધે વ્યકિતની અંદરનો ‘હુંકાર’ આળસ મરડીને બેઠો થયો છે. એકબીજાની દેખાદેખીમાં અપલોડ કરવામાં આવતી પોસ્ટ દ્વેષભાવને જન્મ આપે છે. જે માણસને વાસ્તવિક સંબંધોથી વિમુખ કરે છે. ફલાણા કરતાં વધુ સારી સેલ્ફી, ઢીંકણા કરતા વધુ લાઈકસનાં ચકકરમાં વિશ્વ ઘણા ખરાબ અનુભવોનું સાક્ષી બન્યું છે. સારી સેલ્ફી લેવાની લ્હાયમાં માણસો મૃત્યુને પણ ભેટયા છે. સ્માર્ટ ફોન બે પ્રેમી કે પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ઉભી કરે છે. અંતર પેદા કરે છે. જેના લીધે અમેરિકા જેવા દેશોમાં તો છૂટાછેડાનાં પણ ઘણા કેસ નોંધાયા છે. એક પાર્ટનર સ્માર્ટ ફોનને લીધે જયારે બીજા સાથે ઉપેક્ષાભર્યુ વર્તન કરે એ શબ્દને કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે : ફબિંગ! માણસની અમુક જુદા પ્રકારની વર્તણુંક માટેની જર્નલ કમ્પ્યુટરમાં પ્રકાશીત થયેલા રિસર્ચ મુજબ, આ પરિસ્થિતિને ફબિંગ કહેવામાં આવે છે, જે બે અલગ-અલગ શબ્દ ફોન અને સ્નબીંગનું મિશ્ર રૂપ છે.

 

 

સોશિયલ મીડિયા પર જાતે અપલોડ કરેલી પોસ્ટ કે ફોટોનાં પોતે જ વખાણ કરવા કે બીજાની સતત નિંદા કરવાને લીધે વ્યકિત આત્મશ્લાઘાનો આદી થઈ જાય છે. કોઈ પોતાના વખાણ કરે, પોતે સતત લાઈમ લાઈટમાં રહે એ માટે યુઝર કોઈ પણ હદ સુધી જવા તૈયાર થઈ જાય છે, જેની અસર બાદમાં સંબંધો પર પડે છે.

ભારતમાં થયેલા એક સર્વે મુજબ, 98% ભારતીયો પોતાના મોબાઈલ ફોનને સાથે રાખીને ઉધે છે. પ7% ભારતીયો દિવસભર પોતાના ફોન વગર એક મિનિટ પણ રહી શકતાં નથી. 83% લોકો તેમના ફોનને સતત હાથવગો રાખે છે. સ્માર્ટ ફોનનો સૌથી વધુ ઉપયોગ કરનારા દેશોની યાદીમાં ભારત 42ની ટકાવારી સાથે બીજા ક્રમ પર છે. પહેલા નંબર પર બ્રાઝીલનો સમાવેશ થાય છે. જયાંના 63% લોકો દિવસનાં સરેરાશ ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી સ્માર્ટ ફોન સાથે ચીપકેલા રહે છે.

આ તમામ પરિબળોએ એક નવા જ માનસિક રોગ ‘નોમોફોબિયા’ને આમંત્રણ આપ્યું છે. સાદી ભાષામાં સમજાવીએ તો, એક એવા પ્રકારનો માનસિક રોગ, જેમાં વ્યકિત મોબાઈલ ફોન વગર અકળામણ અને બેચેની અનુભવે છે. તેને કશુંક-કશુંક થવા લાગે છે. નોમોફોબિયા વિશ્વનો પહેલો રોગ છે, જેને ઉમર વધવાની સાથે કોઈ લેવા-દેવા જ નથી. એ ગમે તે ઉમરે થઈ શકે છે.

અડધું અમેરિકા એક કલાકની અંદર કંઈક કેટલીયવાર પોતાનો ફોન ચેક કરે છે. 11% અમેરિકન, મોબાઈલ સ્ક્રિન પર દર થોડી મિનિટે ક્લિક કરે છે. દસમાંથી એક અમેરિકને કબૂલાત કરી છે કે, તેઓ સેકસ દરમિયાન પણ પોતાના ફોનને ચેક કરવાનું ચૂકતા નથી! 18 થી 34 વર્ષના યુવાનોની હાલત તો આનાથી પણ વધુ બદતર છે. તેઓ તો જાણે સ્માર્ટ ફોન સાથે જ પરણી ગયા છે.

નોમોફોબિયા (નો મોબાઈલ ફોન ફોબિયા) ને લીધે અમેરિકામાં કાર અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું છે. લગભગ ર7% જેટલા વયોવૃધ્ધ ચાલક કાર ચલાવતી વખતે મેસેજ વાંચે છે તથા મોકલે છે. બીજી બાજુ, યુવાનોની ટકાવારી તો 34% જેટલી જોવા મળી! જેને લીધે દર વર્ષે 1.6 મિલીયન (લગભગ 16 લાખ) અકસ્માતો અમેરિકન ચોપડે નોંધાયા છે. કારમાં તો ઠીક, પણ લોકો હવે ન્હાતી વખતે પણ ફોનને બાથરૂમમાં લઈ જાય છે! ‘લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીન’ મુજબ, ફોનને બાથરૂમમાં લઈ જવાને કારણે તેના પર અનેક જાતના બેક્ટેરિયા-વાઈરસ લાગે છે. જે વિવિધ રોગોનાં ઉદભવનું કારણ બને છે. મોબાઈલનાં સ્ક્રિન પર રહેલાં ઈ-કોલી બેક્ટેરિયાને લીધે વ્યક્તિને શરદી, તાવ, ઉલ્ટી તેમજ ડાયેરિયા પણ થઈ શકે છે.

અંધારામાં સ્માર્ટફોનના ઉપયોગને લીધે આંખની રોશની પણ જઈ શકે છે. એક વીડિયો વોટ્સએપ પર વાઇરલ થયો હતો. આંખના ડોક્ટરની પાસે બે કેસ એવા આવ્યા, જેમાં દર્દી રાતે સૂતાં પહેલા અંધારામાં ચેટિંગ કે વીડિયો જોતા હતાં. આથી તેમને આંશિક રતાંધળાપણુ આવી ગયેલ અને બીજા કેસમાં વ્યકિત દ્વારા પૂરતું ધ્યાન ન અપાતાં આંખ જ જતી રહેલી. હવે એક સૌથી વધુ મહત્વની વાત ! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં રિપોર્ટ મુજબ, મોબાઈલની રેડિયો ફિકવન્સી માનવશરીરમાં કેન્સરને જન્મ આપનાર પદાર્થ (હ્યુમન કાર્સિનોજન) પેદા કરે છે. જેથી મોબાઈલનાં વધુ પડતાં ઉપયોગને લીધે શરીરમાં એક હળવી ગાંઠનું નિર્માણ થઈ શકે છે, જે આગળ જતાં કેન્સરમાં પરિવર્તિત થવાની શક્યતા ઉભી કરે છે. હાલમાં મોબાઈલ ફોનને કારણે થતાં મગજનાં કેન્સર પર વૈજ્ઞાનિકોનું સંશોધન ચાલી રહયું છે. નજીકના ભવિષ્યમાં મોબાઈલ તરંગોને કારણે ઉદભવતાં રોગોનું વિશ્લેષણ પણ નીકળી જ આવશે. મોબાઈલ ફોનને જીન્સ-પેન્ટનાં ખિસ્સામાં રાખવાને કારણે પુરૂષોની પ્રજજનશકિતમાં પણ ઘણા ફર્ક પડે છે. પરિણામસ્વરૂપ, શુક્રાણુમાં ખોટ આવતાં પુરૂષ બાપ બનવાનાં સુખથી વંચિત પણ રહી શકે છે. સ્માર્ટ ફોનને કારણે પેદા થતી આ તમામ સમસ્યાઓનો તો કોઈ અંત જ નથી. વળી, મોબાઈલની બેટરી ફાટવાની ઘટનાઓએ પણ માઝા મૂકી છે. સેમસંગ જેવા બ્રાન્ડેડ ફોનમાં થતાં બેટરીનાં ધડાકાઓથી વિશ્વ સ્તબ્ધ બની ગયું છે. મનોરંજન ખાતર થોડો સમય મોબાઈલ ફોનને આપવો એમાં કંઈ ખોટું નથી. પરંતુ સંબંધો, લાગણી અને સ્માર્ટફોનની વચ્ચે કોઈ એકની પસંદગી કરવાનો વખત ન આવે એટલા ખાતર મોબાઈલની માયાજાળથી જરૂર પૂરતું અંતર જાળવી રાખવામાં ભલાઇ છે.

મોબાઈલ ફોનનો અતિરેક

 • 70% લોકો ઉઠતાની સાથે એક કલાકની અંદર પોતાનો ફોન તપાસે છે.
 • પ6% લોકો સૂતાં પહેલા ફોન તપાસે છે.
 • 48% લોકો પોતાનો ફોન વિકેન્ડ (શનિ-રવિ) માં તપાસે છે.
 • 51% લોકો વેકેશન દરમિયાન પોતાનો ફોન સતત તપાસ્યા કરે છે.
 • 44% લોકો એક અઠવાડિયા સુધી ફોનને ન અડકે તો ચિંતાતુર થઈ જાય છે અને બીજા પર જલ્દીથી ચીડાવા લાગે છે.

સ્માર્ટફોન પ્રત્યેનાં તમારા વળગણને ખતમ કરવા માટેના કેટલાક ઉપાયો

 • રાત્રે સૂવાના એક કલાક પહેલા તમારો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દો.
 •  સતત ફોનની સાથે ચીપકી રહેવાનું બંધ કરી દો.
 •  ફોન તપાસવા માટેનો એક ચોકકસ સમય નકકી કરી નાંખો.
 • ફોન વગર કરી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ કરવાનું શરૂ કરો
 • સોશિયલ મીડિયા પર મેસેજ કરવા કરતા રૂબરૂ જઇને માણસના સંપર્કમાં રહેતા શીખો.
 • ખાવા-પીવા તથા ઊંઘવાનાં સમયે સ્માર્ટફોનનો બિનજરૂરી ઉપયોગ ટાળો.
 • પરિવારનાં સભ્યોને વધુ સમય આપો.

વાઇરલ કરી દો ને

ડિજિટલ સંબંધો : જેમ આપણાં વડીલો વ્યવહાર સાચવે છે તેમ ભવિષ્યના લોકો કદાચ ડિજિટલ સંબંધો સાચવતા જોવા મળશે. કદાચ એવું પણ બને કે વ્યવહારો એક લાઇક કે શેર કરવા પર બંધાય અને વિખાય પણ જાય!