- રૂ.17 લાખની કિંમતની 1176 શરાબની બોટલ સહીત રૂ.32.82 લાખનો મુદ્દામાલ કબ્જે
- ટ્રકમાં ચોરખાનું બનાવી ડિલિવરી આપવા નીકળેલ રાજસ્થાની ચાલકની ધરપકડ: ત્રણના નામ ખુલ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વધુ એક વાર દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ રૂ. 17 લાખના દારૂ સહીત કુલ રૂ.32.84 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે દારૂ ભરેલો ટ્રક ઉપલેટાના બુટલેગરે મંગાવ્યાનો ખુલાસો થવા પામ્યો છે.
રાજ્યમાં દારૂ-જુગારની બદ્દી ડામવાની એસએમસી વડા નિર્લિપ્ત રાયની સૂચનાને પગલે ડીવાયએસપી કે ટી કામરીયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી. દરમિયાન એસએમસી પીએસઆઇ ડી પી ભાટીની ટીમને બાતમી મળી હતી કે, બનાસકાંઠા જિલ્લાના ભાભર-રાધનપુર હાઇવે પરથી એક દારૂ ભરેલો ટ્રક પસાર થનાર છે. જે બાતમીના આધારે એસએમસીની ટીમે તાલુકા પંચાયત રોડ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો શંકાસ્પદ ટ્રક જેના નંબર ડીડી-01-જી-9763 પસાર થતાં એસ.એમ.સી. ટીમે અટકાવી ટ્રકની જડતી કરતા કવરિંગ પ્લાસ્ટિક વેસ્ટ પેકેટની આડમાં ચોર ખાનું બનાવી સંતાડેલો રૂ.17,05,025 ની કિંમતની શરાબની 1176 બોટલ મળી આવી હતી.
એસએમસીએ દારૂ, ટ્રક, મોબાઈલ, પ્લાસ્ટિક વેસ્ટ પેકેટ મળી કુલ રૂ. 32,84,979 ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના જોધપુરના ટ્રક ચાલક મનોહરસિંહ મોહનલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે. ટ્રક ચાલકની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ઉપલેટાના બુટલેગરે મંગાવ્યાનો તેમજ રાજસ્થાનના જાલોર જિલ્લાના મનોહરલાલ બાબુલાલ બિશ્નોઈએ મોકલ્યાનો ખુલાસો થવા પામ્યો છે. વધુમાં દારૂનો જથ્થો મનોહરલાલના કહેવાથી પંજાબ ખાતેથી સોનુ નેપાળી નામના શખ્સે ભરી આપ્યાની કેફીયત પણ ચાલકે આપી હતી.
ઉલ્લેખનીય છે કે, દરોડામાં પકડાયેલ ચાલક વિરુદ્ધ અગાઉ અમદાવાદના બગોદરા તેમજ રાજસ્થાનના પાલી પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે.