- ધુળેટી પર્વે સુરેન્દ્રનગર-મોરબી પંથકમાં સપ્લાય કરવા
- 42,300 શરાબની બોટલ સહિત રૂ.82.17 લાખનો મુદ્દામાલ કબ્જે: ત્રણની શોધખોળ
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વધુ એકવાર સુરેન્દ્રનગર પંથકમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં આવેલી વાડીમાં સંઘરેલો રૂ. 81.97 લાખની કિંમતનો શરાબનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ધુળેટી પર્વે સુરેન્દ્રનગર અને મોરબી પંથકમાં શરાબની રેલમછેલ સર્જવા મંગાવેલી 42,300 દારૂની બોટલ સહીત રૂ. 82.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાડી માલિક અને બુટલેગર સહીત ત્રણની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધુળેટી પર્વે શરાબની રેલમછેલ ન સર્જાય અને રાજ્યમાં દારૂની બદ્દી ડામવા એસએમસી વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયાની સૂચનાને પગલે એસએમસીની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમને સુરેન્દ્રનગરના મુળી પંથકમાં દારૂનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યાંની સચોટ બાતમી મળી હતી. જે બાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમ મુળી પંથકમાં દોડી ગઈ હતી.
એસએમસીની ટીમે મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં હરેશ જેમાભાઈ સારડીયા(રહે. સાંગધ્રા, મુળી, સુરેન્દ્રનગર)ની માલિકીની વાડીમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી એસએમસીને દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વાડીમાંથી એસએમસીએ દારૂની 42,300 બોટલ જેની કિંમત રૂ. 81,97,968 ઝડપી લીધો હતો. એસએમસીએ દારૂ, બે વાહન સહીત રૂ.82,17,968નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ વાડી માલિક હરેશ જેમાભાઈ સારદીયા, દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અને દારૂ મોકલનાર સપ્લાયર એમ ત્રણ શખ્સોનિ શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દારૂનો જંગી જથ્થો ધુળેટી પર્વે બજારમાં ઠાલવવા મુંબઈ-ગોવા ખાતેથી મંગાવવામાં આવ્યો હતો. દારૂની સપ્લાય મુળી ઉપરાંત ચોટીલા, હળવદ સહિતના વિસ્તારોમાં કરવામાં આવે તે પૂર્વે જ એસએમસીએ દરોડો પાડીને મોટો જથ્થો કબ્જે કર્યો હતો.
ઉંઘતી ઝડપાયેલી સ્થાનિક પોલીસ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાય તેવી વકી
મુળી પોલીસની હદમાં આવેલ ગામના સીમમાં 42,300 બોટલ દારૂ સંગ્રહિત કરવામાં આવ્યો હતો જે અંગેની બાતમી છેક ગાંધીનગરની બ્રાન્ચને મળી ગઈ હતી પણ સ્થાનિક પોલીસને ગંધ સુધા આવી ન હતી. ત્યારે સ્થાનિક પોલિસને ઉંઘતી રાખી એસએમસીએ દરોડો પાડતા હવે આ અંગે ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ સ્થાનિક પોલીસ વિરુદ્ધ શિક્ષાત્મક પહેલા લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.