સોરઠમાં તરખાટ મચાવનાર તસ્કર ગેંગ પકડાઈ: ૧૫ ચોરીના ભેદ ઉકેલાયા

જુનાગઢ: એલ.સી.બી.એ ચાર શખ્સોને ઝડપી રૂ. ૧.૨૨ લાખનો મુદામાલ કર્યા

માણાવદરના સણોસરા અને પીપલાણા વાડી વિસ્તારમાં ચોરી કરનાર ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામના ૪ શખ્સોને જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચે દબોચી લઇ, જૂનાગઢ જિલ્લાના ૨ અને કુલ ૧૫ ચોરીનો ભેદ ઉકેલી, રૂ. ૧.૨૨ લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જૂનાગઢ એલસીબી ૧૦ દિવસ અગાઉ સણોસરા ગામની એક વાડીમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલવા પ્રયત્નસીલ હતી એ દરમિયાન બાતમી મળી કે, જૂનાગઢના ઝાંઝરડા બાયપાસ ચોકડી ઉપર ચાર ચોર ઈસમો ઉભા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાતમીવાળા ૪ શખ્સો મળી આવતા, તેની તલાશી દરમિયાન તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૨૫,૭૨૦ નો મુદ્દામાલ મળી આવતા, આ  શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને તેની આગવી ઢબે પૂછપરછ હાથ ધરાઈ હતી.

પોલીસની આકરી પૂછપરછ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના આશિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ, રાહુલ બહાદુરભાઇ રાઠોડ કિશનસિંહ નવલસિંહ રાઠોડ તથા જેસીંગ દિલીપ ભાઈ ચૌહાણે માણાવદરના પીપલાણા, સણોસરા, સરદારગઢ, વે, જૂનાગઢ નજીકના ધોરાજી રોડ, કુવાડવાના મગરવાડા, ગોંડલના ચારખડી અને ગુંદાળા ચોકડી, વીરપુર સ્ટેશન તથા જેતપુરના થાણાગાલોલ ગામેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.