મોરબીમાં એક સાથે ચાર દુકાનના તાળા તોડી તસ્કરોએ કર્યો હાથફેરો

અગરબત્તી, બજર, વાળંદ અને કરિયાણની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી પરચુરણ ચીજ વસ્તુ ઉઠાવી ગયા

અબતક,રાજકોટ

મોરબીના સુભાષ રોડ પર આવેલી કરિયાણા, અગરબત્તી,બજર અને વાળંદની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી પરચુરણ ચિજવસ્તુની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એક સાથે ચાર દુકાનમાં તસ્કરોએ એક સાથે ચાર દુકાનમાં હાથફેરો કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાવડી ચોક પાસે કૈલાશ પાર્કમાં રહેતા અને સુભાષ રોડ પર હરીઓમ અગરબત્તી નામની દુકાન ધરાવતા મોતીભાઇ તુલશીભાઇ મકવાણાએ એક સાથે ચાર દુકાનના તસ્કરોએ તાળા તોડી રૂા.4550ની મત્તાની ચોરી કરી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તસ્કરોએ મોતીભાઇ મકવાણાની હરીઓમ અગરબત્તીની દુકાનમાંથી ત્રણ ડબ્બા દિવેલનું ઘી, અને અગરબત્તી, મનિષભાઇ શશીકાંતભાઇ મીરાણીની નાથાલાલ દોસાભાઇ મીરાણી નામની બજર અને ચાની દુકાનમાંથી રૂા.4 હજાર રોકડા, અનિલભાઇ દેવજીભાઇ સોલંકીની રાજ હેર આર્ટ નામની દુકાનમાંથી બાલ કાપવાના મશીન, અને નિમચંદ ભાઇચંદ મહેતાની કરિયાણાની દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.એક સાથે ચાર દુકાનના તસ્કરોએ તાળા તોડતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. વેપારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા જવાનો નિર્ણય લેવાયો છે. ચોરીની ઘટના અંગે પી.એસ.આઇ. એચ.જે.ચાવડા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.