Abtak Media Google News

જૂનાગઢ સહિત જિલ્લામાં કાળમુખો કોરોના એ માથું ઉચક્યું છે અને દિવસે ને દિવસે જૂનાગઢ સહિત જિલ્લાભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઇકાલે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ 32 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થવા પામ્યા છે.

જો કે, બીજી બાજુ કોરોના જેવા લક્ષણ ધરાવતા નાના મોટા રોગોનું પ્રમાણ પણ જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધ્યું હોવાથી જૂનાગઢ શહેર સહિત જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે.જૂનાગઢમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. ગઇકાલે સાંજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ જૂનાગઢ શહેરના 18, જૂનાગઢ તાલુકાના 2, કેશોદ તાલુકાના 4, માણાવદર તાલુકાના 2, વંથલી તાલુકાના 3 અને વિસાવદર તાલુકાના 3 મળી કુલ 32 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થતાં તેમને હોસ્પિટલમાં સારવારમાં લેવામાં આવ્યા છે. જોકે તેમની સામે કોરોનાને મહાત આપેલ 13 દર્દીઓને ગઇકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

જો કે જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાને નાથવા સઘન પ્રયાસો યથાવત્ રાખવામાં આવ્યા છે, અને 23 આરોગ્ય રથ દ્વારા ગઇકાલે 1812 લોકોની તપાસ કરી નાની-મોટી બીમારીઓની સારવાર અને દવા કરવામાં આવી હતી.

આ ઉપરાંત સરકારી આંકડા મુજબ જૂનાગઢ જિલ્લામાં કુલ 37 ઘરને ક્ધટેનમેન્ટ જાહેર કરાયા છે અને આ ક્ધટેનમેન્ટ એરિયાના 185 લોકોને ક્ધટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. સાથોસાથ કોરીનાને ફેલાતો રોકવા ગઇકાલે જૂનાગઢ શહેર સહિત જીલ્લામાં 8796 લોકોને કોરોનાના વેકશિન અપાતા અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 1.60 લાખ લોકોએ કોરોના વેકશિન લઈ લીધી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.