કચ્છ-ભૂજમાં “પ્રાણવાયુ”ની અછત પૂરવા ઓકિસજનના નવા આટલા પ્લાન્ટ સ્થપાશે

રાજયમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા કોવિડ  સમીક્ષા બેઠક યોજાઈ

કોરોના સંક્રમણ અટકાવવા તેમજ પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવાના હેતુથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રી  વાસણભાઇ આહિરની અધ્યક્ષતામાં ભુજ કલેકટર ઓફિસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઇ પટેલે રાપર,નખત્રાણા તેમજ માંડવીમાં રેપિડ કિટની અછતની સમસ્યા તેમજ ઢોરી અને રાપર સીએચસીમાં દવાની અછત અંગે તેમજ ગાગોદર,ચિત્રોડ અને આડેસર પીએચસીમાં એમ્બ્યુલન્સ ચાલુ કરવા રજૂઆત કરી હતી આ તકે રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે ડો. માઢકને જરૂરી વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું હતું તથા ઇન્ચાર્જ કલેકટરશ્રી ભવ્ય વર્માએ વિસ્તારની વસ્તી તેમજ જરૂરિયાત મુજબ ટેસ્ટીંગ કીટ નું આયોજન કરવા સૂચન કર્યું હતું.

ભુજ ધારાસભ્યશ્રી નીમાબેન આચાર્યએ  રેમડિસીવીર ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થા વધું સુગમ અને સરળ બનાવવા સૂચન કર્યું હતું. જેથી લોકોને વધુ મુશ્કેલી ન પડે ઉપરાંત લોકોને ક્યાં ખાલી બેડ છે અને કઈ હોસ્પિટલમાં જગ્યા છે તેની જાણકારી સરળતાથી મળી રહે તે અંગે પણ સુચારુ વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરી હતી. જે અંગે જરૂરી પ્રતિસાદ આપતા સચિવ ગુપ્તા સાહેબ તેમજ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે કે ટીએચઓએ દર્દીઓની વિગત મેળવી હોસ્પિટલમાં ખાલી બેડ અને વ્યવસ્થા અંગે માહિતી મેળવી ખાલી બેડ ની વિગત દર્દીને આપવાની રહેશે

આ ઉપરાંત ઓક્સિજન ની વ્યવસ્થા અંગે જરૂરી વિગતો અને સૂચનો મેળવીને રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં ભુજ સમરસ હોસ્પિટલ,અંજાર એસડીએમ, લીલાસા આદિપુર,માંડવી એસડીએમ તેમજ ગાંધીધામ એસડીએમ ખાતે  એમ પાંચ જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે ઉપરાંત કચ્છમાં લિક્વિડ ઓક્સિજન હતી જે આજે રાત્રે થી કચ્છમાં લિક્વિડ મળી રહેશે જેથી કચ્છ મેડિકલ ઓક્સિજન ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનશે તેવું વધુમાં જણાવ્યું હતું.

આ સમિક્ષા બેઠકમાં ડીડીઓ શ્રી ભવ્ય વર્મા, કચ્છ મુખ્ય આરોગ્ય અધિકારી  ડો.માઢક,સચિવ  ગુપ્તા સાહેબ, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા,અધિક ક્લેક્ટર મનિશ ગુરૂવાની,કુલદિપસિંહ ઝાલા, એસ.પી. સૌરભ સિંઘ તેમજ અને અધિકારીઓ અને જનપ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.