Abtak Media Google News

અબતક, ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને ધોરણ 12 સામાન્ય પ્રવાહના માત્ર 19 વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાનું આયોજન કરવાની ફરજ પડી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમિત વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે રાજ્યના 19 વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હોઈ તેમણે શાળામાં માર્કશીટ જમા કરાવી દીધી હતી. હવે આ વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા વહેલી પૂરી કરવા માટે એક દિવસમાં બે સેશનમાં પરીક્ષા યોજવાનું નક્કી કરાયું છે.

27 સપ્ટેમ્બરથી શરૂ થનારી પરીક્ષા 4 દિવસમાં પૂર્ણ

કરવા માટે એક દિવસમાં બે સેશનમાં પરીક્ષાનું આયોજન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પાસ થયેલા નિયમિત વિદ્યાર્થીઓ પૈકી પરિણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમિત વિદ્યાર્થીઓને તેમનું પરિણામ જમા કરાવી પુન: પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. બોર્ડ દ્વારા આ અંગે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી અને તે અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે. બોર્ડ દ્વારા પરિણામથી સંતુષ્ટ ના હોય તેવા વિદ્યાર્થીઓને નિયત સમય મર્યાદામાં શાળામાં પરિણામ જમા કરાવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી બોર્ડના પરિણામથી સંતુષ્ટ ના હોય અને જેમણે નિયત સમય મર્યાદામાં શાળામાં બોર્ડની માર્કશીટ જમા કરાવી છે તેના માટે બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવનાર છે.

બોર્ડ દ્વારા પરિણામથી અંસતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધીના સેશનમાં અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના સેશનમાં 2.30થી 5.45 સુધીમાં ગુજરાતી અને હિન્દી પ્રથમ ભાષા તેમજ ગુજરાતી દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.