Abtak Media Google News

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, નિર્દોષ સામે કેસ નહી કરવા તાકીદ કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી

939 લોક દરબાર યોજી,  464 ફરિયાદ નોંધી,  762 શખ્સો સામે ગુનો નોંધી 316 શખ્સોની કરી ધરપકડ

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાયેલા નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ  કરવામાંં આવી છે.  પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં 762 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી 316 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અનેકની પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.

કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. કામગીરીથી રાજ્યમાં વ્યાજખોરોમાં સોંપો પડી ગયો છે.

તા.5મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેર ઠેર યોજવામાં આવતા લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી.

આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે.

તા.5મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા 939 લોકદરબાર યોજ્યા છે. જેમાં 464 પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. જે ફરિયાદો અંતર્ગત 762 આરોપીઓના નામ સ્પષ્ટ થતાં તેમના સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધી તે પૈકી 316 વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

યોજનાઓ છે, પણ જાણકારી ન હોવાથી વ્યાજની ચુંગાલમાં ફસાય છે

દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાતુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. નાણાં ધીરધાર કરનારાઓ આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે.

આદર્શ સમાજના નિર્માણની દિશામાં પગલું

રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે. અત્યાર સુધી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્યંતિક પગલું ભરવાની તૈયારી કરી ચૂકેલાં કેટલાંક પરિવારો પણ હવે સામે આવી રહ્યાં છે. પોલીસને મુક્તમને પોતાની વ્યથા જણાવી રહ્યાં છે. પોલીસ પણ તેમની પીડા સાંભળીને વ્યાજખોરોના વિષચક્રમાંથી તેમને મુક્ત કરી રહ્યાં છે. ગુજરાતમાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને તેવા અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લાગે તે અભિગમ સાથે ચાલી રહેલું આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે. રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ આ માટે ધન્યવાદને પાત્ર છે. આદર્શ સમાજના નિર્માણની દિશામાં આ એક મહત્વનું પગલું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.