Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતમાં 15 ઓગષ્ટ, 2021ના દિવસે 75 સ્વતંત્ર પર્વની ઉજવણી થવા થઇ રહી છે ત્યારે સંપૂર્ણપણે પરિપક્વ થયેલી લોકતાંત્રીક વ્યવસ્થા હવે સમગ્ર વિશ્ર્વના લોકતાંત્રિક દેશો માટે એક આદર્શ શાસન વ્યવસ્થા બની રહી છે ત્યારે ભારતની આર્થિક, સામાજીક અને રાજકીય વ્યવસ્થા પણ સંપૂર્ણપણે સુદ્રઢ હોવી જ જોઇએ. સ્વતંત્રતા મળી ત્યારની પરિસ્થિતિ અને અત્યારની સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. આઝાદી કાળ વખતે આર્થિક, સામાજીક અસંતુલિત સામાજીક વ્યવસ્થા મોટો પડકાર બનીને સામે આવી હતી ત્યારે આર્થિક, સામાજીક પછાત વર્ગને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અનામત વ્યવસ્થા દાખલ કરીને પછાત વર્ગના વિકાસની કવાયત હાથ ધરવામાં આવી હતી. શિક્ષણ, રોજગારી ક્ષેત્રે સામાજીક આર્થિક પછાતોને અનામત આપીને સ્થિતિ સુધારવાની અનામતની જોગવાઇમાં 10 વર્ષ પછી સ્થિતિની સમિક્ષા કરવાની હતી પરંતુ રાજકીય લાભાલાભ માટે અનામતની ક્યારેય સમિક્ષા થઇ નહિં અને સામાજીક સમરસ્તા માટેની હંગામી અનામત કાયમી ધોરણે રાજકીય ‘અમાનત’ બની રહી. સમસ્યા ઉકેલાવાના બદલે વધુને વધુ ગુંચવાતી ગઇ અત્યારે પરિસ્થિતી એ આવીને ઉભી રહી છે કે અનામત સામાન્ય કોટા લગોલગ અને તેનાથી ઉપર વટ થવા જઇ રહી હતી. બંધારણની હિમાયત હોવાથી અનામત સામાન્યથી વધી ન શકે, ત્યારે સામાજીક સમરસ્તા માટે હવે સરકારે આર્થિક પછાત વર્ગને ઇ.વી.સી.ને ખાસ અનામત કોટામાં સામેલ કરીને આર્થિક પછાત વર્ગના વિકાસ થકી સામાજીક સંતુલન ઉભું કરવા કમ્મર કસી છે. ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય આધારિત અનામત આર્થિક સંતુલન અને સામાજીક સમરસ્તા માટે ક્યાંકને ક્યાંક મર્યાદિત વ્યવસ્થા બની રહે છે ત્યારે આર્થિક પછાત વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીઓ માટે અનામત આપવાની વ્યવસ્થા સામાજીક સંતુલન માટે કારગત પૂરવાર થશે. તેલગાંણા સરકારે દેશમાં પ્રથમ આર્થિક પછાતનું માપ દંડનું આલેખન કર્યું છે. વર્ષે રૂ.8 લાખથી ઓછી આવકવાળાઓને ઇકોનોમિક વિકરક્લાસ-ઇ.ડબલ્યૂ.સી. અનામત કોટાનો લાભ આપવા સરકારી નોકરી, શિક્ષણમાં 8 લાખથી ઓછી આવકનું માપદંડ અને વય મર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જ્ઞાતિ, જાતિ આધારિત અનામતની સમિક્ષા ક્યારેય થઇ નથી આઝાદીના 75 વર્ષ પછી પણ સમિક્ષા વગરની અનામત પ્રથા ક્યાંકને ક્યાંક પછાતોના વિકાસના મૂળભૂત હેતુથી જોજનો દૂર જતું જાય છે. આર્થિક પછાત વર્ગને અનામત કોટામાં દાખલ કરવાથી ખરેખર વિકાસથી વંચિત રહી ગયેલાઓને ઉન્નતિની તક પ્રાપ્ત થશે. આઝાદી કાળની સામાજીક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિ સંપૂર્ણ બદલી ગઇ છે. તમામ વર્ગને વિકાસની પૂરી તક મળવી જોઇએ. આર્થિક પછાત વર્ગને વિકાસ માટેના પુશઅપથી સામાજીક સમરસ્તાનો હેતુ સિધ્ધ થશે તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.