Abtak Media Google News

બુધવારના રોજ પંજાબ પોલીસે ફગવારા ખાતેથી ડિજિટલ મીડિયા પર ન્યુઝ પોર્ટલ ચલાવતા બે પત્રકારોની તોડ કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે. એક દુકાનધારક પાસેથી રૂપિયાની માંગણી કરનારા બન્ને પત્રકારોને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

ન્યુઝ પોર્ટલના નામે ચરી ખાવા નીકળેલા બે પત્રકારોની ધરપકડ!!

જાહેરનામા ભંગનો હવાલો આપી રૂ. ૧૦ હજારની માંગણી કરનારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

સિનિયર પોલીસ ઓફિસર હરકમલસિંઘ ખાખના જણાવ્યા અનુસાર, વિનોદ શર્મા અને વિનોદ કુમારના બે સોશિયલ મીડિયાના પત્રકારો વિરુદ્ધ બ્લેકમેલિંગ એક્સ્ટોર્શનના ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી મંદીપસિંઘના જણાવ્યા અનુસાર, તેમના પિતા બલબીરસિંઘ આયરન ડોરની દુકાન ધરાવે છે. જ્યાં ૬ મેંના રોજ બંને પત્રકારો ધસી આવ્યા હતા અને વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. કોરોના ગાઈડલાઇન્સનો ભંગ કરી જાહેરનામાનું ઉલ્લંઘન કરીને બલબીરસિંઘે દુકાન ખોલી છે તેવો હવાલો દઈને બંનેએ વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું.

ત્યારબાદ બંને એ વિડીયો તેમના ન્યુઝ પોર્ટલ પર અપલોડ કરી દેવાની ધમકી આપી હતી અને જો તેવું ન કરવું હોય તો રૂ. ૧૦ હજાર આપવા કહ્યું હતું.

મામલામાં પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી ગુન્હો નોંધ્યો છે. જો કે, પોલીસ અધિકારીઓ બંને પત્રકારોની ધરપકડની પુષ્ટિ કરતા નથી. પોલીસે એક્સ્ટોર્શનની કલમ ૩૮૪, ગુન્હાહીત પ્રવૃત્તિ માટે કલમ ૫૦૬ અને ૧૨૦-બી મુજબ ગુન્હો નોંધ્યો છે.

ફક્ત કોઈ શહેર કે રાજ્ય નહીં પરંતુ ઠેર ઠેર આ પ્રકારના પત્રકારો બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યાં છે અને લોકશાહીની ચોથી જાગીરની છબીને લાંછન સમાન કૃત્ય આચરી રહ્યા છે. ત્યારે ખાસ તંત્રએ આ પ્રકારના સોશ્યલ મીડિયાના પત્રકારોને નિયંત્રણમાં રાખવા ચોક્કસ પગલાં લેવા અતિ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.