ટેકનોલોજીના સમયમાં સમાજને કૌશલ્યવાન યુવાધનની પ્રતિક્ષા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

યુવાનોને આજીવન વિદ્યાર્થી બની રહેવા અને જ્ઞાન સંપદાને સતત સમૃધ્ધ બનાવવા રાજ્યપાલનું આહવાન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહ પ્રસંગે પદવીપ્રાપ્તકર્તા રાજ્યપા આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ દીક્ષાંતે મેળવેલી પદવીની સાર્થકતા માનવીય અભિગમ સાથે રાષ્ટ્રવિકાસના પુરુષાર્થ દ્વારા સિદ્ધ કરે.  તેમણે જણાવ્યુ હતુ કે, ટેકનોલોજીના વર્તમાન સમયમાં સમાજને કૌશલ્યવાન યુવાધનની પ્રતિક્ષા છે ત્યારે ભારતીય પ્રાચીન જ્ઞાન પરંપરાના સંસ્કાર સાથે આધુનિક શિક્ષણની સજ્જતાના સમન્વયથી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી શકશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જીટીયુનો ૧૦મો દિક્ષાંત સમારોહ સંપન્ન

રાજ્યપાલે ગુજરાતના સાર્વત્રિક વિકાસની નોંધ લઇ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અવિરત માર્ગદર્શન અને મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય આજે દેશભરમાં વિકાસનું આગવું મોડેલ બની રહ્યુ છે ત્યારે કૌશલ્યવાન યુવાધન ગુજરાતની આ વિકાસયાત્રામાં નવું જોમ પૂરું પાડશે. દયા, કરૂણા, સહિષ્ણુતા અને ભલાઇના માર્ગ પર ચાલીને રાષ્ટ્રકલ્યાણના લક્ષને સિદ્ધ કરવા રાજ્યપાલે યુવાનોને અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને આજીવન વિદ્યાર્થી બની રહેવા અને જ્ઞાનસંપદાને સતત સમૃદ્ધ બનાવવા આહ્વાન પણ કર્યુ હતુ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના સામાન્ય પરિવારના સંતાનોને- વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જી.ટી.યુ.ની સ્થાપના કરી હતી.

વધુમાં જણાવ્યું કે, એક સમયે ગુજરાતના યુવાનને મેડીકલ અને એન્જિનિયરીંગના અભ્યાસ માટે ભારે ભરખમ ડોનેશન ભરી રાજ્યની બહાર ભણવા જવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે, સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતની સ્થાપના બાદ ૩૫ વર્ષો સુધી રાજ્યમાં માત્ર ૭ યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને ૭૭ સેકટર સ્પેસિફીક યુનિવર્સિટીઓ થઇ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પાછલા બે-અઢી દાયકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં ટેકનિકલ એજ્યુકેશન ક્ષેત્રને વધુ મહત્વ આપ્યું છે. ગુજરાતમાં ૧૯૯૫માં માત્ર ૨૦ ડિગ્રી-એન્જિનિયરિંગ કોલેજો હતી જે આજે વધીને ૨૪૨ થઈ છે. ૨૨૯૫ ડિગ્રી-એન્જિનિયરિંગની બેઠકો હતી જે વધીને આજે ૮૧૫૮૬ થઈ છે.

મુખ્યમંત્રી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી રહેવાનું સૂચન કરતા કહ્યું કે, આવનારો સમય ગુજરાતનો સમય છે, ત્યારે રાજ્યના યુવાનો નવા પડકારોને ઝીલી નવા વિચારો સાથે સજ્જ બને. યુવાનોને પેટન્ટથી પ્રોડક્શન, ઈમેજીનેશનથી ઇનોવેશન યાત્રા કરી જોબ સિકરમાંથી જોબ ગિવર બને તેવું આહવાન તેમણે કર્યું હતું.

શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને ઇનોવેટર અને ક્રિએટિવ બનવાનું આહવાન કરતા જણાવ્યું કે, દીવડા જેવી સામાન્ય વસ્તુ માટે ચાઇના પર નિર્ભર રહેવું યોગ્ય નથી, હવે આપણે આત્મનિર્ભર ગુજરાત- આત્મનિર્ભર ભારતની દિશામાં પ્રયાણ કરવાનું છે. આજના યુવાનો આ સ્વપ્નને સત્વરે સાકાર કરશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જીટીયુના રજિસ્ટ્રાર કે. એન. ખેરે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, જીટીયુ હંમેશા ઇનોવેશન કરનાર અને  સ્ટાર્ટઅપ  કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રેરકબળ પુરુ પાડી રહી છે.

જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠે કોરોના પેન્ડેમીક દરમિયાન યુનિવર્સિટીએ ટેકનોલોજીના ઉપયોગ વડે તકનીકી શિક્ષણ આપવાની કામગીરી ચાલુ રહી હોવાનું જણાવી જી.ટી.યુ.ના એક દાયકાથી વધુ લાંબી શિક્ષણ યાત્રાનો ચિતાર આપ્યો હતો. જી.ટી.યુ. યુવા સંશોધકોને આવશ્યક એન્વાયરમેંટ અને પ્રેરકબળ આપી રાજ્યનું ઇનોવેશન હબ બની ઉભર્યું છે તે યુનિવર્સિટીની ઉપલબ્ધિ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

૧૦માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના ૧,૦૬,૫૧૧ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૩૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૫૧ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે બ્રુક એન્ડ બ્લૂમ્સ સ્ટાર્ટઅપના યશ ભટ્ટને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપકર્તા માટેનો આ વર્ષનો ગોલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવ્યા છે. જેમણે મંદિરમાં ચઢાવેલાં ફૂલો અને પૂજાપામાંથી હાઈક્વોલિટીનું ખાતર, ગુલાબજળ, અગરબત્તી અને અન્ય ગીફ્ટ બાઉલ બનાવીને વેસ્ટ મેનેજમેન્ટ અને એમ્પલોઈમેન્ટ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પી.એચ.ડી અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને રૂબરૂમાં અને અન્ય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પદવી એનાયત કરાઈ હતી.

આ પ્રસંગે રાજ્યકક્ષાના  શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ, બોર્ડ ઓફ ગવર્નંન્સના સભ્યો, અદ્યાપકો, દીક્ષાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સોશિયલ ડિસ્ટન્સીગ સહિતના કોવિડ-૧૯ના પ્રોટોકોલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Loading...