રાજકોટના રૂખડીયા કોલોની ફાટક પાસે એસ.ઓ.જી.નો દરોડો: ગાંજો અને બ્રાઉન પાવડર મળ્યો

રાજકોટના રૂખડીયાપરા રેલવે દ્વારા પાસેથી મંગળવારે સાંજે ગાંજો અને બ્રાઉન કલરના પાવડરના જથ્થા સાથે નામચીન મહીલાની પોલીસે ધરપકડ કરી એન.ડી.પી.એસ. એકટ હેઠળ  ગુનો નોંધી નશીલા પદાર્થ કયાંથી લાવી તે જાણવા રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

નામચીન મહીલા છ માસ પહેલા જ નાકોર્ટીકસના ગુનામાં જામીન પર છુટી હતી જયારે પતિ હજુ જેલમાં હોય તેને છોડાવવા ફરી નશીલા પદાર્થનું વેચાણ શરુ કરી દીધું હતું.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ એચ.ઓ.જી. ને મળેલી ચોકકસ બાતમીના આધારે મંગળવારે સાંજે રૂખડીયા કોલોની રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી જેમાં રૂખડીયાપરા નદીના કાંઠે રહેતી ફાતેમાબેન ઇમરાન પઠાણ (ઉ.વ.36) શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની અટકાયત કરી થેલીની તલાસી લેતા તેમાંથી રૂ. ર000 ની કિંમતનો ર00 ગ્રામ ગાંજો, 11.29 ગ્રામ બ્રાઉન પાવડર અને ર00 રોકડા મળી આવતા તેની સામે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

એફ.એસ.એલ. દ્વારા ઘટના સ્થળે જ મળી આવેલા નશીલા પદાર્થની ચકાસણી કરી હતી જેમાં ગાંજો હોવાનું પુરવાર થયું હતું. જયારે બ્રાઉન  પાવડર કર્યો નશીલો પદાર્થ છે તે નકકી નહી થઇ શકતા તેના નમુના લઇ એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસની પુછપરછમાં આરોપી ફાતેમાબેન અને તેનો પતિ  ઇમરાન પઠાણ 2020ના  પ્રથમ લોકડાઉન દરમિયાન કોઠારીયા રોડ પરથી હેરોઇનના જથ્થા સાથે પકડાયા હતા. જેમાં છ માસ પહેલા ફાતેમાબેન જામીન પર છુટી હતી. જયારે પતિ ઇમરાન હજુ જેલમાં હોય તેને છોડાવવા ફરી નશીલા પદાર્થનો વેપલો શરુ કરી દીધો હતો.

આ કામગીરી એસ.ઓ.જી.ના પી.આઇ. આર.વાય. રાવલ, પી.એસ.આઇ. એમ.એસ. અંસારી, યુવરાજસિંહ રાણા, સીરાજ ચાનીયા, યોગેન્દ્રસિૃંહ ઝાલા સહીતના સ્ટાફે કરી હતી.