Abtak Media Google News

વપરાશ વધશે તો ખેડૂતોને સારા ભાવ મળશે અને તો જ તેઓ વધુ ઉત્પાદન મેળવવા પ્રેરાશે: સમીર શાહ

ચાલુ વર્ષે કુદરતની કૃપા અપરંપાર રહેતા ખેડુતો દરેક પાક સારી રીતે લઈ શકયા છે. જેમાં મુખ્ય પાક ગણાતા મગફળીના પુષ્કળ ઉત્પાદને પણ ખેડુતોને ખુશખુશાલ કર્યા છે. મગફળીનું બમણાથી વધુ ઉત્પાદન થયું છે. આ મગફળીનો મોટો વપરાશ સીંગતેલ બનાવવા થાય છે ત્યારે સીંગતેલનો પણ વપરાશ વધે અને લોકોના આરોગ્યની સુખાકારી જળવાય તેમજ ખેડુતોને પણ મગફળીના સારા ભાવ મળશે અને સરકારને પણ રેવન્યુ વધશે તે માટે સીંગતેલનો વપરાશ વધારવા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશન પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.

સીંગતેલનો વપરાશ વધારવા મળેલી પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના પ્રમુખ સમીરભાઈ શાહે આ અંગે જણાવ્યું હતુ કે જો સીંગતેલનો વપરાશ વધશે તો ખેડુતોને સારા ભાવ મળશે અને તો જ ખેડૂતો મગફળીનું ઉત્પાદન કરવા પ્રેરાશે.

સરકાર ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વિચારી રહી છે. ત્યારે ચાલુ વર્ષે મગફળીના બમણાથી વધારે ઉત્પાદનનો નિકાલ સારી રીતે થાય ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે તોજ ખેડુતો આધુનિક ખેતી કરી ભવિષ્યમાં ઓછા વરસાદથી પણ સારૂ ઉત્પાદન મેળવી શકશે.

સીંગતેલની આરોગ્ય પર પડતી અસર અંગે સમીરભાઈ શાહે જણાવ્યું હતુ કે ખરેખર સીંગતેલ ખાવામાં હેલ્થફૂલ છે. પરંતુ લોકો રસ્તા મળતા કપાસીયા, સનફલાવર, પામોલીનના ડબ્બા લઈ આ ભેળસેળ યુકત તેલ ખાઈ શરીરને હાની પહોચાડે છે. ઉપરોકત તેલની સરખામણીમાં સીંગતેલના ડબ્બાનો ભાવ વધુ હોય જેથી લોકો આ તેલનો ઉપયોગ ટાળી રહ્યા છે. પરંતુ આ તેલ લાંબાગાળે ચોકકસ ફાયદાકારક છે.

વધુમા જણાવ્યું હતુ કે રાજયમાં ખેડૂત એકબાજુ મગફળીનું ઉત્પાદન કરે છે.પરંતુ તે ખાય છે. સન ફલાવર તેલ આ કેટલી હદે યોગ્ય ગણી શકાય? નિકાસની વાત કરીએ તો જેટલુ ઉત્પાદન છે તેની સરખામણીમાં નિકાસ પણ ઘટી રહી છે. આ વર્ષે દર વર્ષ કરતા એક વિઘે ૧૫ મણનો ઉતારો આવ્યો છે.

ફરસાણમાં પણ પામોલીનનો વપરાશ હોય તે અટકાવી પ્રજાના હિતમાં સીંગતેલનો વપરાશ વધારવો જોઈએ. અંતમાં સમીર શાહે જણાવ્યું હતુ કે સીંગતેલનો વપરાશ ચોકકસ વર્ગ જ કરે છે ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ આ તેલનો વપરાશ ખાસ પબ્લીક સુધી પહોચે, નાનામા નાના સેન્ટર સુધી સીંગતેલના વપરાશ વાત પહોચે તેવી સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનની ગણતરી છે.

સિંગતેલ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદારૂપ હોય જાગૃતવર્ગ આ વાતને સમજતો હોવાથી તે સિંગતેલનો જ વપરાશ કરવાનો આગ્રહ રાખે છે ત્યારે તમામ વર્ગે પણ જાગૃત બનીને સિંગતેલનો વપરાશ શરૂ કરવો જોઇએ તેવી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન જાહેર અપીલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.