Abtak Media Google News

અબતક, ચેતન વ્યાસ, રાજુલા

રાજુલા જાફરાબાદ નાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક નાની મોટી ખાનગી કંપનીઓ આવેલ છે થોડા દિવસો પહેલા આવેલા તાઉ-તે વાવાઝોડા એ આ ખાનગી કંપનીઓને ભારે નુકસાન કર્યું હતું. ધણી કંપનીઓની દરિયાકાંઠે બનાવેલી જેટીઓ પણ ભાંગી પડી છે તેમજ પ્લાન્ટ ને પણ ખૂબ નુકસાન થયું હતું પરંતુ આ બધી કંપનીઓનાં વીમાઓ હોવાં નાં કારણે તેમને ખૂબ ઓછું નુકસાન થશે અને થયેલા નુકસાનની ભરપાઈ વીમા કંપનીઓ કરશે. પરંતુ અહિયાં પ્રશ્ન એ છે કે આ બધી ખાનગી કંપનીઓએ બેફામ રીતે પોતાના સ્વાર્થ માટે આ વિસ્તારના ખેડૂતો તથા ગ્રામજનો નાં જીવ ને જોખમે મુકી રહી છે. દરિયાકાંઠા નાં વિસ્તારમાં આડેધડ જેટીઓ બનતા આસપાસનાં નીચાણ વાળા વિસ્તારમાં દરિયાઇ પાણી રહેણાંક મકાનો સુધી પહોંચવા લાગ્યા છે.

કોવાયા ગામે આવેલ પીપાવાવ શિપયાર્ડ કંપની દ્વારા  નદીનું  કુદરતી વહેણ બંધ કરતા  અને ત્યાં રોડ બનાવી નાખતા રામપરા ગામના 100 થી વધુ ખેડૂતો નાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રહે છે તેનાં  કારણે એકપણ પાક થતો નથી ખેડૂતો ને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. તેમજ અલ્ટ્રાટેક થર્મલ પાવર પ્લાન્ટ માંથી દરરોજ ઉડતાં કોલસા નાં રજકણો અને પ્રદૂષણ નાં લીધે આસપાસ નાં ખેડૂતો અને ગ્રામજનો ને ભારે નુકસાન થઇ રહ્યું છે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા અવારનવાર તંત્ર રજૂઆત છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આ ખેડૂતો અને ગ્રામજનો ને થતાં નુકસાનની ભરપાઈ કોણ કરશે ?એવો પ્રશ્ન ઉદભવે છે,બીજી બાજુ વિકાસ ની આંધળી દોટ  ને કારણે ખાનગી કંપનીઓએ ભૂતકાળ મા દરિયાઇ વનસ્પતિ ચેર( મેન્ગ્રેવ્ઝ) નાં વૃક્ષો ને પણ ભારે નુકસાની કરેલ તેનાં  કારણે વાવાઝોડા કે ભરતી સમયે દરિયાઇ પાણી ઝડપથી આગળ વધી જાય છે.

વૃક્ષ તેમજ આ વિસ્તારમાં સિમેન્ટ કંપનીઓ દ્વારા બેફામ માટી ખનન કરતા દરિયાકાંઠાના ગામોના ભૂગર્ભ જળના માં ક્ષાર નું પ્રમાણ વધી રહ્યું છે ભૂગર્ભ જળ ખેતીલાયક કે પીવા લાયક રહ્યા નથી જાફરાબાદ નાં બાબરકોટ નો બાજરો આજે પણ પ્રખ્યાત છે પરંતુ ખાનગી કંપનીઓ નાં ડસ્ટીંગ તથા ખનન નાં કારણે બાજરા નું ઉત્પાદન પણ ઘટયું છે તેમજ ખેતીલાયક જમીન પણ બહું ઓછી બચી છે આ તરફ રાજુલા નાં પટવા,ખેરા, ચાંચ બંદર ગામોનાં શાકભાજી તથા બાજરો પણ સ્વાદ ખૂબ ટેસ્ટી છે પરંતુ આ ગામોમાં ખાનગી કંપનીઓ અને રાજકીય મોટા માથાઓ દ્વારા ગેરકાયદેસર ઝિંગા ફાર્મ અને મીઠાં ઉધોગો બનતા ભૂગર્ભ જળ માં ક્ષાર નું પ્રમાણ વધ્યું છે એક સમયે ચાંચ નાં 200 થી વધુ પરિવારો શાકભાજી સહિતના ખેતી પાકો પર નિર્ભર હતાં અને પરિવાર નું ગુજરાન ચલાવતા હતા, પરંતુ આજે ભૂગર્ભ જળ ખારાં બનતા નાછૂટકે હિજરત કરવાનો વારો આવ્યો છે. આમ આ વિસ્તારની ખાનગી કંપનીઓ એ બેફામ રીતે કાયદા અને નિયમો નેવે મૂકી ને પર્યાવરણ અને માનવ જીવ ને જોખમે મુક્યા છે તેનાં પરિણામે આજે આવી કુદરતી આફત સર્જાઇ રહી છે આવી કંપનીઓ સામે સરકાર અને તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય પગલાં ઉઠાવવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ભારે નુકસાની સર્જાઇ શકે  તેવી દહેશત છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.