સોમવતી અમાસ: પતિના દીર્ધાયુ અને પિતૃઓની કૃપા મેળવવાનો અવસર

સોમવતી અમાસના દિવસે મૌનવ્રત રહીને હજારો ગાયોના દાનનું ઉતમ ફળ પ્રાપ્ત થાય છે: તીર્થ સ્થાનોમાં જઈ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પ્રાચીન પરંપરા
અબતક,રાજકોટ: સોમવાર ભગવાન શિવજીનો દિવસ છે અને તેમાય અમાસ હોય તો પૂર્ણાપણે શિવજીને સમર્પિત થાય છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આજે સોમવાર, અમાસ અને

સૂર્યગ્રહણનો અનોખો સંયોગ થવા જઈ રહ્યો છે. સોમવતી અમાસનો સંયોગ વર્ષમાં બે અથવા ત્રણ વાર પણ બને છે. હિન્દુ ધર્મમાં અમાસને પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ શુભ દિવસે પરિણીતાઓ તેમના પતિના દીર્ધાયુની કામનાથી વ્રત કરે છે. આ દિવસે મૌન વ્રત કરીને હજારો ગાયોના દાનનું ઉતમ ફળ પ્રાપ્ત કરી શકાય છે. સોમવતી અમાસના દિવસે તીર્થ સ્થાનોમાં જઈને પવિત્ર નદીઓનાં જળથી સ્નાન કરવાની વર્ષો જુની પરંપરા છે. કોરોના કાળમાં ઘરના પાણીમાં ગંગાજળ કે અન્ય પવિત્ર નદીઓનું પાણી મિકસ કરી સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પૂણ્ય મળે છે.

મહાભારતમાં ભીષ્મપિતા મહે યુધિષ્ઠિરને સોમવતી અમાસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરનાર વ્યકિત સમૃધ્ધ સ્વસ્થ અને બધા દુ:ખોથી મૂકત થઈ જાય છે. એવી પણ માન્યતા છે. કે સ્નાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે.

સોમવતી અમાસે પીપળા પૂજનની પરંપરા

પ્રાચીન હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષમાં પિતૃઓ અને તમામ દેવી દેવતાઓનો વાસ રહેલો છે. એટલે સોમવતી અમાસના દિવસે કાળા તલ અને દૂધ ઉમેરેલું પાણી પીપળે ચઢાવવાથી પિતૃદોષથી મૂકિત મળે છે. ઉપરાંત વિધિ વિધાનથી પીપળાના વૃક્ષનું પૂજન અને પરિક્રમા કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. ગ્રંથોનાં ઉલ્લેખ પ્રમાણે પીપળાની પરિક્રમા કરવાથી મહિલાઓનું સૌભાગ્ય વધે છે. એટલે જ શાસ્ત્રોમાં તેને અશ્ર્વત્થ પ્રદક્ષિણા વ્રત પણ કહેવામાં આવે છે. આ સાથે સૂર્ય નારાયણને અર્ધ્ય દેવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે. જે લોકોની કુંડળીમાં ચંદ્રમાં નબળો હોય તેમણે સોમવતી અમાસના દિવસે ગાયને દહી-ભાત ખવડાવવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

દાન આપવાની પ્રથા

સોમવતી અમાસના પર્વે પિતૃઓનાં આત્માની શાંતિ અર્થે પિતૃ તર્પણ માટે તેમજ મરણોતર ક્રિયા માટે ધાર્મિક માન્યતા અનુસાર અન્ન અને વસ્ત્રદાનનું મહત્વ હોવાથી બ્રાહ્મણ, સાધુઓને અન્ન અને વસ્ત્રનું દાન આપવામા આવે છે. અમાસના દિવસે બ્રાહ્મણો લાલ મુગટો પીળી પીતાંબરી, ધોતીયુ, લાલ ગમચા રામનામની શાલ ભેટ આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે.