Abtak Media Google News
સ્ત્રીના સંઘર્ષથી લલાટે સફળતાનું ચંદન
  • તૈયાર માલ લઈ રફુચક્કર થઈ ગયો વ્યક્તિ, માલ લઈ ગયો છે આવડત નહીં એવું માની બમણી ઝડપે કુંદનબહેને શરૂ કર્યું કામ

સોમનાથ ચોપાટી ખાતે સરકાર દ્વારા સખીમેળો કાર્યરત છે. જ્યાં એકબાજુ દરિયો ઘૂઘવતો હતો અને બીજી બાજુ સખીમેળામાં વસ્તુ વેચતાં કુંદનબહેનના હૃદયમાં વલોપાત. જેમનો યાદ આવેલો સંઘર્ષમય ભૂતકાળ નજર સમક્ષ તરવરીને આંખમાં આંસુ રૂપે બહાર નીકળતો હતો છતાં પણ એમની ઝીણી આંખોમાં ખુમારી પારાવાર ઝલકતી હતી. એમની આવી જ ખુમારીથી કંઈક કરી છૂટવાની તમન્નાને સરકારના સખીમેળાએ પાંખો આપી. આવી જ ખુદ્દારી અને ખુમારીનું ઉદાહરણ એટલે 65 વર્ષના કુંદનબહેન સાકરિયા.

Kundanben Sakhi Mela Story 3

65 વર્ષના કુંદનબહેન સાકરિયાની આંખોએ જિંદગીના અનેક તડકા અને છાંયડા જોયા છે.   તેમના પતિ કેન્સરથી અવસાન પામ્યા હતાં. પતિના અવસાન પછી તેમણે કોઈ પાસે હાથ શા માટે લાંબો કરવો જોઈએ? એવી ભાવનાથી જાતે જ કમાવાનું શરૂ કર્યું. શરૂમાં સુરતના એક વ્યક્તિએ તેમને રાખડી બનાવતા શીખવ્યું અને નજીવા મહેનતાણામાં એમની રાખડી લઈ જતો.

ત્યારબાદ કુંદનબહેનને બીજો આઘાત ત્યારે લાગ્યો જ્યારે આ વ્યક્તિએ ત્રણ મહિનાનું મહેનતાણું ન આપ્યું અને તૈયાર રાખડી સહિત બધો જ માલ લઈ રફુચક્કર થઈ ગયો. છતાં પણ કુંદનબહેનના મનની વિશાળતા જુઓ કે તેઓ પોતાની સાથે છેતરપિંડી આચરનાર વ્યક્તિને અંતરના આશીર્વાદ આપતા કહે છે કે, ભલેને એ વ્યક્તિ મારો બનાવેલો માલ લઈ ગયો પરંતુ બદલામાં મને આવડત આપતો ગયો.

આ જ તો છે આપણાં ગુજરાતની ધરતીની નારીશક્તિની મહાનતાં! ત્યારબાદ કુંદનબહેને આફતને અવસરમાં બદલતાં પોતે જ રાખડી બનાવવાનું અને વેંચવાનું ચાલું કર્યું. હવે કુંદનબહેન રાજકોટ અને જુનાગઢ જેવા શહેરોમાંથી મટિરિયલ લાવીને જાતે જ વિવિધ જાતની રાખડીઓ તૈયાર કરે છે.

આ કામમાં તેમની દીકરી પણ તેમને મદદ કરે છે. કુંદનબહેન સામાન્ય રાખડીથી લઈને ચાંદીની રાખડી, રાજારાણી રાખડી, ટેડીબિઅર રાખડી, મોતી રાખડી, રૂદ્રાક્ષ રાખડી સહિતની વિવિધ વેરાયટી રાખડીઓ પણ ઘરે જ બનાવે છે. જેનાથી આર્થિક ઉપાર્જન થતાં ખૂબ જ ખુશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.