- એસપીએલમાં ડબલ હેડર મેચ સાથે સુપર સોમવાર
- રક્ષિત મહેતા અને અંકુર પંવર મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો: આજે દિટા ગોહિલવાડ ટાઇટન્સ અને જેએમડી કચ્છ રાઇડર્સ વચ્ચે કાંટે કી ટક્કર
આઈપીએલ બાદ હવે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. નિરંજન શાહ સ્ટેડિયમ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો ત્રીજો દિવસ પણ સવાયો સાબિત થયો. લિગના ત્રીજા દિવસે ડબલ હેડર મુકાબલામાં ક્રિકેટ રસિકોને ભરપૂર મનોરંજન મળ્યું, જેમાં આર્યન સોરઠ લાયન્સ અને ઝાલાવાડ સ્ટ્રાઈકર્સે પોતપોતાની મેચ જીતી લીધી.
બપોરે શરૂ થયેલી ડબલ હેડરની પ્રથમ મેચમાં આર્યન સોરઠ લાયન્સ અને જેએમડી કચ્છ રાઇડર્સ સામસામે હતા. આર્યન સોરઠ લાયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આર્યન સોરઠ લાયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 124 રન બનાવ્યા હતા. ટીમના ટોપ સ્કોરર રક્ષિત મહેતા રહ્યા, જેમણે 42 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 48 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. તેમને કેપ્ટન પ્રેરક માંકડ (25 બોલમાં 22 રન) અને અર્પિત વસાવડા (17 રન)નો સાથ મળ્યો હતો. જેએમડી કચ્છ રાઇડર્સ તરફથી દેવાંગ કરમતાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, પાર્થ ભૂતને 2 વિકેટ મળી, જ્યારે કેપ્ટન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પાર્થ ચૌહાણને 1-1 વિકેટ મળી હતી.125 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી જેએમડી કચ્છ રાઇડર્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 108 રન જ બનાવી શકી અને 16 રનથી મેચ હારી ગઈ. જેએમડી કચ્છ રાઇડર્સના કેપ્ટન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 23 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ઝડપી 34 રન બનાવ્યા હતા, જ્યારે પાર્થ ભૂત 21 બોલમાં 3 ચોગ્ગા સાથે અણનમ 25 રન બનાવીને લડત આપી હતી. આર્યન સોરઠ લાયન્સ તરફથી ચેતન સાકરિયા, મૌર્ય ઘોઘારી અને અર્પિત વસાવડાએ 2-2 વિકેટ લઈને ટીમને વિજય અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આર્યન સોરઠ લાયન્સનો 16 રને વિજય થયો.મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મહેન્દ્રભાઈ રાજદેવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કર્યું. કેમ્પસ મેક્સિમમ ફોર ઓફ ધ મેચનો પુરસ્કાર રક્ષિત મહેતાને મહેન્દ્રભાઈ રાજદેવ દ્વારા એનાયત કરવામાં આવ્યો. આ ઉપરાંત, પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ રક્ષિત મહેતાને જેએમડી કચ્છ રાઇડર્સના માલિક ડો. અભિષેક અસ્થાના દ્વારા આપવામાં આવ્યો. સાંજે શરૂ થયેલી એસપીએલની પાંચમી મેચમાં ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ અને દિટા ગોહિલવાડ ટાઇટન્સ વચ્ચે ટક્કર થઈ. ઝાલાવાડ સ્ટ્રાઈકર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ઝાલાવાડ સ્ટ્રાઈકર્સે 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા. ટીમ વતી જેમાં કેપ્ટન શેલ્ડન જેક્સનનો આક્રમક દેખાવ જોવા મળ્યો, જેમણે 45 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 64 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેમને હર્ષવર્ધન રાણા (28 બોલમાં 26 રન) અને ચિરાગ જાની (24 બોલમાં 22 રન)નો સહયોગ મળ્યો. દિટા ગોહિલવાડ ટાઇટન્સ તરફથી હિતેન કણબીએ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કવિંશ પાડલિયાને 2 વિકેટ મળી, જ્યારે વંદિત જીવરાજાની અને આદિત્ય રાઠોડને 1-1 વિકેટ મળી હતી.
134 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિટા ગોહિલવાડ ટાઇટન્સની ટીમ 18.5 ઓવરમાં 117 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ અને 16 રનથી મેચ હારી ગઈ. હેત્વિક કોટક (27 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 30 રન) અને ટીમના કેપ્ટન અને વિકેટકીપર હાર્વિક દેસાઈ (25 બોલમાં 24 રન)એ પ્રયાસ કર્યો, પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ તરફથી અંકુર પંવરએ અસાધારણ બોલિંગ કરતા 3 ઓવરમાં 20 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેમાં એક ઓવરમાં 4 વિકેટનો પણ સમાવેશ થાય છે. સ્મિત પટેલ અને દેવ ડેને પણ 2-2 વિકેટ મળી હતી. ઝાલાવાડ સ્ટ્રાઈકર્સનો 16 રને વિજય થયો.
પ્રેઝન્ટેશન સેરેમનીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ ગવર્નિંગ બોડીના સભ્ય મુકેશ શાહે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કર્યું. કેમ્પસ મેક્સિમમ ફોર ઓફ ધ મેચનો પુરસ્કાર કેમ્પસ એક્ટિવવેરના હિમાંશુ જૈન દ્વારા ઝાલાવાડ સ્ટ્રાઇકર્સના કેપ્ટન શેલ્ડન જેક્સનને એનાયત કરવામાં આવ્યો. પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ અંકુર પંવરને ઝાલાવાડ સ્ટ્રાઈકર્સના માલિક ક્રિષ્ના ગાંધી દ્વારા આપવામાં આવ્યો.
આજનો મેચ
આજે, 10 જૂન 2025 ના રોજ, નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે દિટા ગોહિલવાડ ટાઇટન્સ અને જેએમડી કચ્છ રાઇડર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે મેચ રમાશે. આ મેચ પણ દર્શકો માટે રોમાંચક બની રહેશે અને ક્રિકેટપ્રેમીઓ આ મુકાબલાનો ભરપૂર આનંદ માણી શકશે.