રાજકોટ મહાપાલિકાની હદમાં સતત વધારો થતાં હવે સાઉથ અને નોર્થ ઝોન કચેરી બનશે: સરકાર પાસે વધુ બે ડીએમસી મંગાશે 

જામનગર રોડ પર નોર્થ ઝોન કચેરી અને કોઠારિયા રોડ પર સાઉથ ઝોન કચેરી બને તેવી સંભાવના: વસતી અને વિસ્તાર વધતા હવે નવી ઝોન કચેરી બનાવવી ખૂબ જ જરૂરી

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરનો વિકાસ વિસ્તાર અને વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાંચ વર્ષ પૂર્વે મહાપાલિકાની હદમાં કોઠારીયા તથા વાવડી ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં માધાપર, મુંજકા, મોટા મોવા, ઘંટેશ્વર અને મનહરપૂરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરનો વિસ્તાર વધતા હવે નવા ઝોન બનાવવા પણ જરૂરી બની ગયા છે. હાલ મહાપાલિકાની સેન્ટ્રલ વેસ્ટ અને ઇસ્ટ ઝોન કચેરી કાર્યરત છે. આગામી દિવસોમાં સાઉથ ઝોન અને નોર્થ ઝોન કચેરી બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આ માટેનો પ્રાથમિક પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પાસે વધુ ડીએમસીની માગણી પણ કરવામાં આવશે.

રાજકોટ શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો છે લોકોને સામાન્ય કામ અર્થે કોર્પોરેશન કચેરી સુધી લાંબા થવું પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ન્યુ રાજકોટમાં વેસ્ટ ઝોન કચેરી જૂના રાજકોટમાં સેન્ટ્રલ ઝોન કચેરી અને ઉપલાકાંઠે ઇસ્ટ ઝોન કચેરી હાલ કાર્યરત છે. વર્ષ ૨૦૧૫માં મહાપાલિકામાં કોઠારીયા તથા વાવડી ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન થોડા મહિના પહેલા શહેરની ભાગોળે આવેલા માધાપર, મોટા મોવા, મુંજકા, ઘંટેશ્વર અને મનહરપૂરા ગામનો મહાપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તાર વધતા હવે ઝોન કચેરીનો વ્યાપ પણ વધારો ખૂબ જ જરૂરી બની ગયો છે.

શહેરના જામનગર રોડ પર નોર્થ ઝોન કચેરી અને કોઠારિયા રોડ પર સાઉથ ઝોન કચેરી બનાવવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. નવી ઝોનલ કચેરી બનતા રાજ્ય પાસે બે ડીએમસીની માગણી કરવામાં આવશે. હાલ કોર્પોરેશનમાં ૩ ડીએમસીનું સેટઅપ મંજૂર થયેલું છે. નવી ઝોનલ કચેરીના બિલ્ડીંગ અને વધારાના સ્ટાફ સેટઅપ માટેની ગંભીર વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. અવાર નવાર પદાધિકારીઓ અને અધિકારીઓ આ અંગે શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે કે, શહેરમાં હવે વધારાની બે ઝોનલ ઓફિસની આવશ્યકતા છે. લોકોએ રોજબરોજના કામો માટે મુખ્ય કચેરી સુધી ધક્કો ન ખાવો પડે અને ઝોનલ કચેરી કે વોર્ડ ઓફિસથી તેમના કામો પતી જાય તે દિશામાં મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કાલે છેલ્લો દિવસ, શનિ-રવિ રજા: સોમવારથી કમિશનર જ સર્વેસર્વા

કાલે સાંજે પદાધિકારીઓ ચેમ્બર ખાલી કરી ગાડી સુપ્રત કરી દે તેવી સંભાવના: સોમવારથી છઠ્ઠીવાર વહીવટદાર શાસન

રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીની મુદત આગામી ૧૩મી ડિસેમ્બરના રોજ સાંજે પૂર્ણ થઇ રહી છે. શનિ-રવિ જાહેર રજા હોય આવતીકાલે વર્તમાન કોર્પોરેટરોનો છેલ્લો દિવસ છે. સોમવારથી મ્યુનિસિપલ કમિશનર સર્વેસર્વા બની જશે.

રાજ્યમાં કોરોનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલાવવામાં આવે છે. આ મોટાભાગની મહાપાલિકાઓ જીલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની મુદત ચાલુ સપ્તાહે પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એવો આદેશ કરવામાં આવ્યો છે કે મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતમાં ડીડીઓ જ્યારે નગરપાલિકાઓમાં ચિફ ઓફિસર જ વહીવટદાર રહેશે. આમ તો રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદત ૧૩મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે પરંતુ આગામી શનિવારે અને રવિવારના રોજ જાહેર રજા છે એટલે વર્તમાન બોડીનો આવતીકાલે અંતિમ દિવસ છે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ આવતીકાલે સાંજે કચેરીનો સમય પૂર્ણ થતાની સાથે જ ચેમ્બરો ખાલી કરી દે અને તેઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ પણ પરત સોંપી દે તેવી સંભાવના હાલ જણાય રહી છે. જો કે નિયમ મુજબ શાસકો ધારે તો રવિવાર એટલે કે ૧૩મી ડિસેમ્બર રાત્રિના ૧૨ વાગ્યા સુધી ચેમ્બર અને મોટરકારનો ઉપયોગ કરી શકે છે. સોમવારથી મહાપાલિકામાં વધુ એક વખત વહીવટદાર શાસન આવી જશે. આ પૂર્વે અંતિમ વખત વર્ષ ૨૦૦૦ પાંચમા મહાપાલિકામાં વહીવટદાર શાસન આવ્યું હતું અને ૯ અને અઢી મહિના માટે વહીવટદારે શાસન કર્યું હતું. રાજ્ય સરકારે આ વખતે નવા આઇએએસ અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવાના બદલે મ્યુનિસિપલ કમિશનરને જ વહીવટદાર તરીકેનો ચાર્જ સુપરત કરી દીધો છે. એટલે સોમવારથી સોમવારથી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ જ મહાપાલિકામાં સર્વેસર્વા બની જશે ત્રણ મહિના માટે સરકાર દ્વારા વહીવટ નિમણૂક કરવામાં આવી છે જો કે વહીવટદાર કોઈપણ પ્રકારના નીતિવિષયક નિર્ણય લઇ શકશે નહીં આ પૂર્વે મહાપાલિકામાં પાંચ વખત વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. મહાપાલિકાની સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાય તેવી સંભાવના જણાય રહી છે. આવતીકાલે શાસકો અને કોર્પોરેટરોનો અંતિમ દિવસ છે. સોમવારથી મ્યુનિસિપલ કમિશનર જ બોસ બની જશે.