Abtak Media Google News

નિષ્ક્રિય થતા સેટેલાઇટ કક્ષમાં જ નિરંતર ફરતા રહેવાના કારણે ઘણા જોખમો હોય છે: કોઈ સક્રિય સેટેલાઇટ સાથે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે પણ તેના કટકાઓ

અથડાઇ શકે છે: સૌથી મહત્વનું તો એ કે જો આવી જ રીતે ત્યાં કચરો જમા થતો રહ્યો તો એક સમય એવો આવશે કે પૃથ્વીની આસપાસ આવા ઇલેક્ટ્રોનિક કચરાનું થર જામી જશે!

સેટેલાઇટ જ એવો બનાવવામાં આવે કે જે નિશ્ર્ચિત સમયગાળા બાદ સ્પેસમાં જ કોહવાઈને વિઘટિત થઈ જાય?

કૃત્રિમ ઉપગ્રહ. એક આવી પ્રણાલી જે ચંદ્ર જેવા ઉપગ્રહ ની માફક ગ્રહ ની આસપાસ ફર્યા કરે છે. આ કૃત્રિમ ઉપગ્રહ આજે એક સામાન્ય વિષય છે. થોડા થોડા સમયે કોઈ સ્પેસ એજન્સી દ્વારા સેટેલાઇટ લોંચ ના સમાચાર આવતા રહે છે. તમારા હાથ માં રહેલ મોબાઇલ થી શરૂ કરી ને રોજ જોવાતી ધારાવાહિક સુધી લગભગ બધી જ કમ્યુનિકેશન ની પ્રણાલીઓ આ સેટેલાઇટ દ્વારા ચાલે છે. પરંતુ આ સેટેલાઇટ નો ખ્યાલ આવ્યો ક્યાથી?

તમને જાણીને નવાઈ લાગશે કે સૌપ્રથમ સેટેલાઇટ નો ખ્યાલ હવા માં તરતા ઈંટો થી બનેલ ઉપગ્રહ વિશે નો હતો! એક અમેરિકન પાદરી અને લેખક એવા એડવર્ડ એવેરેટટ હેલ એ એક વાર્તા લખી. વર્ષ 1869-70 માં એટલાંટિક દૈનિક માં પ્રકાશિત થયેલ આ વાર્તા નું શીર્ષક ધ બ્રિક મૂન હતું. પૃથ્વી ની કક્ષા માં એક એવું ઈંટ નું બનેલું ઉપકરણ જે 100 ફૂટ ની ત્રિજ્યા ધરાવે છે. આ ઈંટ ના બનેલ ચંદ્ર દ્વારા સાગર ખેડૂઓ નેવિગેશન ના સિગ્નલ મેળવી શકતા હતા!

Img 20210323 Wa0001

સેટેલાઇટ નો વાસ્તવિક વિજ્ઞાનબદ્ધ ખ્યાલ તે સમય ના 27 વર્ષ ના એરફોર્સ ઓફિસર આર્થર સી ક્લર્ક એ આપ્યો. ઓક્ટોબર, 1945 માં વાયરલેસ વર્લ્ડ નામના એક સામાયિક માં તેમનો લેખ છપાયો. શું રોકેટ સ્ટેશન દુનિયાભર ને રેડિયો લિન્ક આપી શકે? આર્થર સી ક્લર્ક નો આ લેખ સેટેલાઇટ વિશે ની તકનિક નો પાયો નાખનારો હતો. આ લેખ માં પૃથ્વી થી 35786 કિમી ઊંચાઈએ એક કૃત્રિમ ઉપગ્રહ મૂકવાની વાત કરી હતી. આજે જે કક્ષા જીઓ સ્ટેશનરી ઓર્બિટ કહેવાય છે તેનો સૌપ્રથમ ઉલ્લેખ વાયરલેસ વર્લ્ડ ના આ ઓક્ટોબર, 1945 ના અંક માં થયો હતો. ત્યાર બાદ આપણે સહુ જાણીએ જ છીએ કે વર્ષ ઓક્ટોબર 4, 1957 ના દિવસે રશિયા દ્વારા સૌપ્રથમ સ્પૂટનિક ઉપગ્રહ અવકાશ માં તરતો મુકાયો હતો.

એટીટી તથા બેલ લેબોરેટરી ના અમેરિકન ઇજનેરો જોન પિયેર્સ અને હરોલ્ડ રોસેન એ વર્ષ 1950 ના સમય માં એવી તકનીકો વિકસિત કરી જેણે કૃત્રિમ ઉપગ્રહ ના ખ્યાલ ને વાણિજયીક રીતે શક્ય બનાવ્યો. આ તકનિક દ્વારા પૃથ્વી થી હજારો કિમી દૂર સુધી સિગ્નલ ની આપ-લે થઈ શકી. ક્રમશ: અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે ના શીત યુદ્ધ એ સેટેલાઇટ બનાવવા ની રીતસર ની હોડ રચી. આ જ જંગી ધોરણે બનેલ સેટેલાઇટ ના લીધે આજે પૃથ્વી માં સંખ્યાબંધ ઉપકરણો શક્ય બન્યા છે.

Tech Show Logo Niket Bhatt

જો 2020 સુધી ની વાત કરીએ તો કુલ 3372 સેટેલાઇટ હાલ માં કાર્યરત છે. જેમાં સૌથી વધારે અમેરિકા દ્વારા લોંચ કરવા માં આવી છે.

હવે, સેટેલાઇટ પણ ચાર અલગ અલગ કક્ષા માં સ્થાપિત થઈ શકે છે જે પૈકી લો અર્થ ઓર્બિટ માં સૌથી વધુ 2612 અને ત્યાર બાદ 562 જીઓ ઓર્બિટ માં છે. જે દૌર વર્ષ 1957 માં કુલ 4 સેટેલાઇટ ની સંખ્યા સાથે શરૂ થયો હતો, તે આજે વાર્ષિક આશરે 100 સેટેલાઇટ ના લોંચ સુધી પહોંચ્યો છે. 2019 માં કુલ 95 સેટેલાઇટ લોંચ થઈ હતી, અને 2018 માં 114! આ દૌર તો હજી વધવા પામ્યો છે. કારણ, કે નાનીકડી સેટેલાઇટ જેને ક્યૂબસેટ કહેવાય છે તે હવે ઉદ્યોગ સાહસિકો ના રસ નો વિષય બની છે.

#વાઇરલ કરી દો ને

આ વૈજ્ઞાનિકો ને ભારતીય મમ્મીઓ પાસે રાખવા ની જરૂર છે! પછી જો અવકાશ માં જરાક પણ પણ કચરો નહીં થાય!

#મધરઈન્ડિયા

આ સ્પેસમાં થતો કચરો સાફ કોણ કરશે?

જો વાર્ષિક આશરે 100 સેટેલાઇટ લોંચ થતી હોય તો તેઓ નિષ્ક્રિય થયા બાદ ક્યાં જાય છે? જવાબ માં કહી શકાય ક્યાય પણ નહીં! તેઓ હમેશ ને માટે પૃથ્વી ની કક્ષા માં સ્પેસ ગારબેજ રૂપે ફરતી રહે છે. આ કચરો સાફ કરવા કોઈ જ જતું નથી. જાય પણ કેવી રીતે? અધધ ખર્ચ કરવી દેતી આ સેટેલાઇટ ના ફક્ત કચરા ને સાફ કરવા ફરી કરોડો ખર્ચ કરવા એ તકલીફ ની વાત છે. જો કોઈ એવો મોટો ઇલેક્ટ્રોનિક સાવરણો બનાવવા માં પણ આવે તોય તેને કરોડો ના ખર્ચે લોંચ થતાં રોકેટ સાથે અવકાશ માં પહોંચાડવા કોઈ નો જીવ ચાલતો નથી. આ કચરા ને વિજ્ઞાન ની ભાષા માં સ્પેસ ડેબ્રિઝ કહે છે. કોઈ પણ સેટેલાઇટ નો એક નિશ્ચિત જીવનગાળો હોય છે ત્યારબાદ તે ઉપયોગ માં આવી શક્તિ નથી. કારણ? તેમાં ચાલતા ઉપકરણો વખત જતાં નિષ્ક્રિય થતાં હોય છે. વર્ષો બાદ નવી ટેક્નોલોજી આવતા તેને સુસંગત એક નવી સેટેલાઇટ લોંચ થાય છે, તો વર્ષો જૂની સેટેલાઇટ વાપરવાનો શું મતલબ?

જો યાદ હોય તો વર્ષ, 2019 માં ડીઆરડીઓ દ્વારા સૌપ્રથમ એન્ટિ – સેટેલાઇટ મિસાઇલ લોંચ કરવામાં આવી હતી. મિશન શક્તિ નામ થી જાણીતા આ મિશન થી નાસા ના વૈજ્ઞાનિકો ના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. પ્રયોગ માટે લેઝર દ્વારા જ્યારે ભારતીય સેટેલાઇટ ને ધ્વસ્ત કરવા માં આવી હતી ત્યારે તેના ટુકડાઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે ટકરાશે કે કેમ એ બાબત પર નાસા અને ઇસરો વચ્ચે ઘણો મતભેદ થયો હતો. અંત માં જ્યારે આ ટુકડાઓ ની અસર જોવા માં આવી ત્યારે નાસા વૈજ્ઞાનિકો ના જીવ માં જીવ આવ્યો.

સ્પેસ ડેબ્રિઝ એ એક ખૂબ જ ભયંકર સમસ્યા છે. નિષ્ક્રિય થતી સેટેલાઇટ કક્ષામાં જ નિરંતર ફરતી રહેવા ના કારણે ઘણા જોખમો હોય છે. કોઈ સક્રિય સેટેલાઇટ સાથે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે પણ તેના કટકાઓ અથડાઇ શકે છે. સૌથી મહત્વ નું તો એ કે જો આવી જ રીતે ત્યાં કચરો જમા થતો રહ્યો તો એક સમય એવો આવશે કે પૃથ્વી ની આસપાસ આવા ઇલેક્ટ્રોનિક કચરા નું થર જામી જશે!

આ સંદર્ભે ઘણા પ્રયોગો થયા પણ છે, એસ્ટ્રોસ્કેલ નામનું એક સ્ટાર્ટઅપ આ સ્પેસ ડેબ્રિઝ ને સાફ કરવાની સર્વિસ ચાલુ કરવા માગે છે. આ સર્વિસ રૂપે તેઓ એક એવું યાન લોંચ કરશે કે જે સંકેતો દ્વારા વિવિધ પ્રકાર ના સ્પેસ ડેબ્રિઝ ને પકડી ને તેનો નિકાલ કરશે. તેઓ દ્વારા આવું યાન વિકસિત પણ થઈ રહ્યું છે. વિવિધ પ્રક્રિયાઓ દ્વારા આવી જ રીતે સ્પેસ ડેબ્રિઝ નો નિકાલ કરવા વૈજ્ઞાનિકો ખંતપૂર્વક કાર્યરત છે.

પરંતુ સેટેલાઇટ જ એવી બનાવવા માં આવે તો કે જે નિશ્ચિત સમયગાળા બાદ સ્પેસ માં જ કોહવાઈ ને વિઘટિત થઈ જાય? હા, સ્પેસ માં વિઘટન ની પ્રક્રિયા થઈ શક્તી નથી, પરંતુ જો કોઈ એવા જંતુઓ ઉત્પન્ન કરવામાં આવે જે અવકાશ માં જીવિત રહી ને સમય પડ્યે આ સેટેલાઇટ નુ જ વિઘટન કરી નાખે! તો કદાચ આગળ જતાં કચરો વધશે નહીં!

તથ્ય કોર્નર

ડિસેમ્બર 19, 1958:  અમેરિકન સરકાર દ્વારા SCORE નામની એક યોજનાએ સૌપ્રથમ સ્પેસ માં વોઇસ સિગ્નલ ની આપ-લે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.