Abtak Media Google News

કેશોદ, જય વિરાણી: આજના સમયે ચોરી, લૂંટ-ફાટ સહિતના ગેરકાયદે બનાવો વધતાં જઇ રહ્યા છે. સાવકાર ઘર, જ્વેલર્સ કે મોટા ઉધોગપતિના ઘરે ચોરીના બનાવો જોયા હશે પણ કેશોદમાં એક ચોંકાવે તેમ ઝૂપડપટ્ટી વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યાં તસ્કરે બાકોરું પાડીને જટ મારી નાશી છુટતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત મુજબ, કેશોદ શહેર પાસે આવેલા બાયપાસ પાસે અગતરાય રોડ પર સ્થિત ઝુંપડપટ્ટી વિસ્તારમાં શ્રમિકો અને ભિક્ષુકો વસવાટ કરે છે. કેશોદના અગતરાય રોડ પર આવેલ ઝુંપડામાં રહેતાં વલ્લભભાઈ ભીખાભાઈ વાઘેલા પરિવાર સાથે રાત્રીના ઉંઘતા હતાં ત્યારે અજાણ્યો શખ્સે મહિલાનાં ગળામાં જટ મારતાં મહિલાએ બુમ પાડી હતી. જેથી પરિવાર જાગી જતાં ઝાપલી પાસે ચોરને પકડવા માટે બન્ને ભોગ બનનાર પતિ-પત્ની દોડતાં અજાણ્યો શખ્સ નાસી ગયો હતો.

અગતરાય રોડ પર ઝુંપડામાંથી દાગીના મોબાઈલ સહિત રૂપિયા ૪૭૦૦૦/- ની ચોરી

ફરિયાદી વલ્લભભાઈ ભીખાભાઈ વાઘેલા પરત ઝુંપડામાં આવી તપાસતાં તેઓની પત્નીનાં ડાબા કાનની સોનાની બુટી વજન છ ગ્રામ કિંમત રૂપિયા ૨૫૦૦૦/-, ગળાંની સોનાની માદરડી વજન ત્રણ ગ્રામ કિંમત રૂપિયા ૧૬૦૦૦/- અને એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૬૦૦૦/- મળીને કુલ રૂપિયા ૪૭૦૦૦/- ની ચોરી પાછળનાં ભાગમાં બાકોરું પાડીને પ્રવેશ મેળવી કરી છે.

આ ઘટનાની કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં શંકાસ્પદ વ્યક્તિ તરીકે ફરિયાદીના ભાણેજ મુકેશભાઈ બાબુભાઈ પરમાર રહે પોરબંદર વાળાનું નામ  લખાવેલ છે. કેશોદ પોલીસ સ્ટેશનનાં પુરેન્દ્રસિહ બાબરીયાએ આગળની વધુ તપાસ હાથ ધરી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.