સુરત જિલ્લામાં પંચાયત વેરા વસુલાત વધારવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને ઝુંબેશ સંદર્ભે જિલ્લા પંચાયત ખાતે શાખાધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીઓને હકારાત્મક અભિગમ અપનાવી, ગ્રામજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે સ્વભંડોળની આવકમાં મહત્તમ વધારો કરવાની સૂચના આપી DDOના હસ્તે નાયબ પશુપાલન નિયામક ડો.મયુર ભીમાણીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
પંચાયત વેરાની વસુલાત ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ છે, અને તેમાંથી પ્રાપ્ત થતું ભંડોળ ગામોના આધુનિક વિકાસ માટે ઉપયોગી બને છે. નાણાકીય વર્ષ 2024-25 માટે હવે માત્ર દોઢ માસનો સમયગાળો બાકી છે, તેથી સુરત જિલ્લામાં પંચાયત વેરાની વસુલાત વધારવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી પંચાયતોની આવકમાં વધારો થાય અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસ માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ થાય. વેરા વસુલાતની કામગીરીના સંચાલન અને દેખરેખ માટે જિલ્લા કક્ષાએથી વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ અધિકારીઓ ગામોની મુલાકાત લઈ, ગ્રામ પંચાયતની ટીમ સાથે બેઠક યોજી વસુલાતની સમીક્ષા કરશે અને બાકીદારોને વેરા ભરવા અંગે જરૂરી કાર્યવાહી કરાવશે.
આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે શાખાધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ યોજનાઓની કામગીરી અને અન્ય વહીવટી બાબતોની સમીક્ષા કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે નાયબ પશુપાલન નિયામક ડો.મયુર ભીમાણીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર આપવામાં આવ્યું. વેરા વસુલાતની કામગીરીના નિરીક્ષણ માટે નિમાયેલા અધિકારીઓને પંચાયત વેરા વસુલાત વધારવા માટે માર્ગદર્શન અપાયું હતું. વેરા વસુલાતની અસરકારકતા વધારવા માટે તલાટીઓ માટે આયોજિત વિશેષ સેમિનારમાં વેરા વસુલાતને વધુ અસરકારક કરવા અંગે સમજ અપાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીઓને હકારાત્મક અભિગમ અપનાવી, ગ્રામજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે સ્વભંડોળની આવકમાં મહત્તમ વધારો કરવાની તેમજ તાલુકા વિકાસ અધિકારીઓને તેમના તાલુકામાં વેરા વસુલાતની કામગીરી પર દેખરેખ રાખવા સૂચના આપી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગજેન્દ્ર પટેલે વેરાની કામગીરીને કાર્યક્ષમ બનાવવા માટે બેસ્ટ પ્રેક્ટિસ અપનાવવા પર ભાર મૂક્યો. જે ગ્રામ પંચાયતો 80% કે તેથી વધુ વસુલાત કરે છે, તે પંચાયતોને ચાલુ વર્ષની વસુલાતના 50% અને મહત્તમ રૂ. 5 લાખ સુધીની રકમ ‘સી.ડી.પી. 18’ અંતર્ગત પ્રોત્સાહક સહાય તરીકે આપવામાં આવશે. વધુમાં દર 3 દિવસે નબળી વસુલાત ધરાવતા ગામોના તલાટીઓનો રિવ્યુ કરાશે.