Abtak Media Google News

૨૦૦૨ રમખાણના પીડિતને બે દશકા બાદ મળ્યો ન્યાય: ૬%ના વ્યાજ સાથે ૭.૬૨ લાખ રૂપિયા ચૂકવશે વીમા કંપની

અબતક, વડોદરા

૨૦૦૨ માં ફાટી નીકળેલા કોમી રમખાણમાં હુલ્લડખોરોએ વડોદરાના મસાલાના એક વેપારીની દુકાન સળગાવી દીધી હતી. જેના કારણે તેમની દુકાનમાં રહેલો મરચાનો બધો સ્ટોક બળી ગયો હતો. તેમણે ઈન્શ્યોરન્સ માટે ક્લેઈમ કર્યો હતો. જો કે કંપનીએ તે નકારી દીધો હતો. તેમણે કોર્ટના દરવાજા ખખડાવતા ૨૦ વર્ષ બાદ આખરે તેમને ન્યાય મળ્યો છે.

૨૦ વર્ષ પહેલા ૨૦૦૨ માં થયેલા ગોધરા ટ્રેન હત્યા કાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન હુલ્લડખોરોએ તેમની દુકાનને બાળી નાખ્યા બાદ તેમણે આજીવિકા ગુમાવી દીધી હતી. જો કે, હાજી શમશુદ્દીન મરચાવાલા માટે, પીડા ત્યાં જ ખતમ નહોતી થઈ કારણ કે, તેમણે વીમા કંપની પાસેથી તેમનો ઈન્શ્યોરન્સ મેળવવા માટે લગભગ બે દશકા સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. અલ્વી ટ્રેડિંગ કંપની ચલાવતા મસાલાના વેપારીને આખરે ૧૯ વર્ષ પછી ન્યાય મળ્યો જ્યારે વડોદરાની કોર્ટના એડિશનલ સીનિયર જજે કંપનીને ક્લેઈમ નકાર્યાની તારીખથી ૬ ટકાના વ્યાજ સાથે ૭.૬૨ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.

હાજી શમશુદ્દીને ફેબ્રુઆરી, ૨૦૦૨ માં ત્રણ મહિના માટે સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પૅરિલ્સ શોર્ટ પોલિસી લીધી હતી. રસપ્રદ વાત એ છે કે, તેમણે સરકારી વળતરનો ઈનકાર કર્યો હતો કારણ કે તેમની પાસે વીમા પોલિસી હતી.

૨૮ મી ફેબ્રુઆરીના રોજ, તેમની દુકાન કે જ્યાં લાલ મરચાનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવ્યો હતો, તે બળીને રાખ થઈ ગયો હતો અને કેટલાક જથ્થાની હુલ્લડખોરોએ લૂંટ કરી હતી. મરચાવાલાએ તેમને ૯થી ૯.૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો અને તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વકીલ એન એન પટેલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ફરિયાદીએ તેમની દુકાનમાં ૭.૫૦ લાખ રૂપિયાનો સ્ટોક હોવાનું જણાવ્યું હતું.

જો કે, વીમા કંપનીએ તેમ કહીને દાવો નકારી કાઢ્યો હતો કે, ફરિયાદી પાસે ખરીદી (સ્ટોક) નહોતી અને વીમાકૃત સામાનને આવરી લેવા માટે કોઈ વીમાપાત્ર વ્યાજ નથી. ૨૦૦૩ માં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરનારા મરચાવાલાએ જણાવ્યું હતું કે, આગમાં તેમના પુસ્તકો અને અકાઉન્ટ્સ બળી ગયા હોવા છતાં, તેમણે બેંક અને સપ્લાયરના દસ્તાવેજો આપીને સર્વેયરને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વીમા કંપનીએ તેવી પણ દલીલ કરી હતી કે, સ્ટોક અન્ય ત્રણ વેપારીઓની માલિકીની હતો અને ફરિયાદીએ તેને વેચવા તેમજ કમિશન મેળવવા માટે જ સંગ્રહ કર્યો હતો. તેમની પાસે સ્ટોક ન હોવાથી તે પોલિસીમાં આવતું નથી. કંપનીએ કોર્ટમાં તેમ પણ કહ્યું હતું કે, તેમણે જાણીજોઈને દાવો વિલંબિત કરવા માટે ૨૦૦૩ થી ૨૦૧૫ ની વચ્ચે કોઈ પુરાવા દાખલ કર્યા નહોતા.

કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદી પાસે તે વાતનો પુરાવો છે કે, તેમણે સામાનના સપ્લાયરોને પહેલાથી જ ચૂકવણી કરી દીધી હતી, પરંતુ વીમા કંપની તે માલ તેમનો નથી અને બીજા માટે રાખવામાં આવ્યો હતો, તેવુ સાબિતી કરી શકી નહીં. દુકાનમાં કેટલો સ્ટોક પડ્યો છે તે અંગે વિવાદ થયો હતો અને મરચાવાલાએ તેમના સપ્લાયરોના સર્ટિફિકેટ અને કન્ફર્મેશન લેટર રજૂ કર્યા હતા, જે તેમણે માલ ખરીદ્યો હોવાનું દર્શાવે છે. કોર્ટે આશિંક રીતે દાવો માન્ય રાખ્યો હતો અને નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડને ૧૬ ઓક્ટોબર, ૨૦૦૨ થી ફરિયાદીને ૬ ટકાના દરે સાદા વ્યાજ સાથે ૭.૬૨ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.