- પૂ.મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન કરાશે
ઈતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા ભારતમાં આવેલા પ્રતિષ્ઠિત ભારત મંડપમમાં રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વવિખ્યાત રામકથા વાચક પરમ પૂજ્ય મોરારી બાપૂ વ્યાસ પીઠ પરથી ભગવાન શ્રીરામના જીવનચરિત્રનું રસપાન 17 થી 25 જાન્યુઆરી 2026 સુધી નવ દિવસ સુધી કરાવશે. આ કથા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશનને સમર્પિત છે અને અહિંસા વિશ્વ ભારતીયા સંસ્થા દ્વારા આયોજિત છે, વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્રીરામ કથાની જાહેરાત કરતાં પરમ પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું હતું કે તેઓ આ મિશનની સેવા માટે નવ દિવસીય કથા દિલ્હી ખાતે કરવાની ઈચ્છા ધરાવે છે. નાલંદા યુનિવર્સિટીમાં આ અંગે વિધિવત જાહેરાત કરતાં મોરારી બાપૂએ કહ્યું કે આચાર્ય લોકેશજીએ વિશ્વ શાંતિ અને સદભાવનાનું સંદેશો વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું છે. આચાર્ય લોકેશજી સંકલ્પસિદ્ધ છે અને તેમના સંકલ્પ માટે 17 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન ભારત મંડપમમાં રામકથાનું આયોજન થશે.
વિશ્વ શાંતિદૂત જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે શ્રીરામ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો પ્રતીક છે. રામકથાના માધ્યમથી બાળકો અને યુવાનોમાં સંસ્કાર નિર્માણ અને નૈતિક મૂલ્યોનો સંચાર થશે. આ કથાથી સમાજના સંતુલિત વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું વૈશ્વિક સ્તરે પ્રસાર અને પ્રચાર થશે અને વિશ્વવ્યાપી ચર્ચા થશે. આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપૂ પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે દેશની રાજધાની નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમમાં રામકથાના આયોજન અંગે શ્રદ્ધાળુઓમાં ખુબ ઉત્સાહ છે. આ જાહેરાત થતાં જ વિશ્વના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓના ફોનો તેમના પાસે આવી રહ્યાં છે.