શ્રાવણમાં શ્રીકાર વર્ષા: આજે પણ ભારે વરસાદની આગાહી

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 246 તાલુકામાં વરસાદ: સવારે 6 થી 8માં 108 તાલુકાઓમાં મેઘમહેર
  • સિઝનનો 93 ટકા વરસાદ: 58 તાલુકામાં 100 ટકાથી વધુ, 38 તાલુકામાં 90 ટકાથી વધુ અને 18 તાલુકાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 58 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ જ્યારે 38 તાલુકાઓમાં 90થી 98 ટકા સુધીનો વરસાદ ખાબકી ગયો છે.રાજ્યના 18 તાલુકા અને દાહોદ જિલ્લામાં હજુ 50 ટકા જેટલો પણ વરસાદ થયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 246 તાલુકોમાં વરસાદ જયારે આજે સવારે 6 થી 8માં 108 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સોનગઢમાં 9 ઈંચ, ડીસામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં રજાનો માહૌલ જામ્યો છે ત્યારે બીજી તરફ પૂર્વ રાજસ્થાન પર ભારે વરસાદ લાવતું ડીપ્રેસન સર્જાયું છે અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, ગુજરાતથી મહારાષ્ટ્ર કાંઠા સુધી ટ્રોફ વગેરે સીસ્ટમથી ગુજરાતમાં ચોમાસુ ગતિશીલ બન્યું છે પંદરમી ઓગષ્ટ, શ્રાવણી સોમવારે વ્યાપક ધોધમાર વરસાદ બાદ ગઇકાલે પણ વરસાદનું જોર જારી રહ્યું હતું અને સૌરાષ્ટ્રમાં એકથી પાંચ ઈંચ વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ભરાયા છે અને ભંગાર રસ્તા વધુ ભંગાર બનવા સાથે રોગચાળાની ભીતિ વધી છે.

નાગપાંચમના દિવસે રાજ્યના 251 પૈકી 234 તાલુકામાં રાત્રિ સુધીમાં ઝાપટાંથી માંડીને સર્વાધિક તાપીના સોનગઢમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કોડીનાર પંથકમાં ગઇકાલે સાંજ સુધીમાં પાંચ ઈંચ વરસાદ વરસી ગયો છે અને ખેતરોમાં પાણી ભરાયા હતા. શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. ડોળાસા પંથકમાં બે દિવસમાં સવા ત્રણ ઈંચ વરસાદથી મોલાતને નુક્શાનની ભીતિ સર્જાઈ છે. ઉનામાં બે દિવસમાં બે ઈંચ વરસાદ તથા રાવલડેમ છલકાવાની તૈયારીમાં છે.

રાજકોટમાં ગઈકાલે બે ઈંચ વરસાદ બાદ ગઇ કાલે પણ ઝાપટાં ચાલુ રહ્યા હતા. ખંભાળિયામાં વધુ બે ઈંચ વરસાદ સાથે મૌસમનો વરસાદ 100 ટકાને પાર થઈ ગયો છે. જામનગર જિલ્લાના કાલાવડ અને ધ્રોલમાં દોઢ દોઢ ઈંચ વરસાદ તથા જામનગર, જામજોધપુરમાં પણ અર્ધો ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જુનાગઢ જિલ્લામાં વરસાદનું જોર સતત જારી રહ્યું છે અને બે દિવસમાં જુનાગઢ, વંથલી, વિસાવદર પંથકમાં બે ઈંચ તથા માણાવદરમાં ગઈકાલે દોઢ ઈંચ વરસાદ, મેંદરડામાં દોઢ અને ભેંસાણ અને માંગરોળમાં પોણો ઈંચ તથા કેશોદમાં અર્ધો ઈંચ સુધીના વરસાદ સાથે સમગ્ર સોરઠમાં મેઘવર્ષા તહેવારોમાં જારી રહી હતી. અમરેલીમાં પણ વરસાદનું જોર જારી રહ્યું છે અને સાવરકુંડલાના સરજવડી જળાશય 90 ટકાથી વધુ ભરાઈ જતા હાઈએલર્ટ પર મુકાયેલ છે.

ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં માત્ર 48.94 ટકા અને સૌથી ઓછો ખેડાના ઠાસરા તાલુકામાં 10.12 ઈંચ એટલે કે, સરેરાશ વરસાદના 32.36 ટકા જ થયો છે. આજે સવારે 6થી8 વાગ્યા સુધીમાં 108 તાલુકાઓમાં વરસાદ ખાબકી ગયો છે. જેમાં 3.88 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સાત જિલ્લાઓમાં ઓરેન્જ અને 3 જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરાઈ છે.

રાજ્યના 78 ડેમ હાઈએલર્ટ પર

ગુજરાતમાં હાલમાં 90 ટકાથી વધુ ભરાયેલા 78 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 90 ટકા સુધી ભરાયેલા 16 ડેમ એલર્ટ પર છે. તે ઉપરાંત જે ડેમમાં 80 ટકા જેટલું પાણી ભરાયું છે તેવા 17 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. રાજ્યના 206 ડેમમાં હાલમા પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. ગુજરાતમાં નર્મદા સહિતના ડેમમાં હાલમાં 76.69 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે ઘરોઈ ડેમ 80.42 % ટકા ભરાયો છે. ડેમમાં પાણીની 1,38,610 ક્યુસેક આવક અને જાવક – 1200 ક્યુસેક છે. હાલમાં સાબરમતિ નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી એલર્ટ જાહેર કરાયું છે.

નર્મદા ડેમની સપાટી 134.58 મીટરે પહોંચી

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી આવી રહેલાં પાણીનો આવરો વધ્યો હોવાથી નર્મદા ડેમના 23 ગેટમાંથી 5 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ભરૂચ અને નર્મદાના 40 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના મોટાભાગના ડેમ છલકાઇ જતાં સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણી આવી રહયું છે. બીજી તરફ સરદાર સરોવર ડેમ પણ 80 ટકા ઉપર ભરાય ચુકયો છે. ડેમની હાલની સપાટી 134.58 મીટર છે જયારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. શનિવારથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ પાણીની માત્રા વધારી 5 લાખ કયુસેક કરી દેવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટીમાં વધારો થઇ રહયો છે.