વેક્સિન લીધા બાદ એસ.ટી.ના ડ્રાઈવર-કંડકટરોની તબીયત લથડી: મુસાફરો પર જોખમ

બે દિવસ પહેલા રાજકોટ એસ.ટી.ના 250થી વધુ ડ્રાઈવર-ક્ધડકટરે કોરોના વેકિસન લીધા બાદ તબીયત બગડી હોવાની વ્યાપક ફરિયાદો

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતભરમાં વેક્સિન આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યના અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ સરકારી કર્મચારીઓને પણ વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી.ના કર્મચારીના ડ્રાઈવરો અને કંડકટરો માટે વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ડીવીઝનના અનેક ડ્રાઈવર-કંડકટરે રસી મુકાવી હતી. રસી મુકાવ્યા બાદ બીજા દિવસે મોટાભાગના ડ્રાઈવર-કંડકટરની તબીયત લથડીની વ્યાપક ફરિયાદો મળી હતી. એકબાજુ સમગ્ર બસની જવાબદારી ડ્રાઈવર પર હોય છે ત્યારે વેક્સિન લીધા બાદ ડ્રાઈવરની તબીયત લથડતા મુસાફરો પર ભારે જોખમ તોળાઈ રહ્યું છે.

બુધવારે રાજકોટ એસ.ટી. ડિવિઝનના વર્કશોપ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કેમ્પમાં 300થી વધુ ડ્રાઈવર-કંડકટરો અને કર્મચારીઓએ વેક્સિન લીધી હતી. રાજકોટ ડિવિઝનની દરરોજની 500થી વધુ ટ્રીપો ગુજરાતભરમાં આવન-જાવન કરે છે ત્યારે એક બસમાં આશરે 55 જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય તેને પહોંચાડવાની જવાબદારી ડ્રાઈવરની હોય છે. ત્યારે વેક્સિન લીધા બાદ ગઈકાલે ઘણા ખરા ડ્રાઈવરોની તબીયત લથડી હતી. જેને લઈ મુસાફરોમાં પણ ગભરાટનો માહોલ ફેલાયો છે. કંડકટરોમાં પણ આ સ્થિતિ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, વેક્સિન લીધા બાદ મોટાભાગના લોકોને તાવ અને નબળાઈ આવવાની ફરિયાદ સામાન્ય છે પરંતુ એસ.ટી.હંકારતો ડ્રાઈવર કે જેના પર 50થી વધુ મુસાફરોની જવાબદારી હોય ત્યારે જે ડ્રાઈવર-કંડકટરોએ વેક્સિન લીધી હોય તેઓને એક દિવસની રજા આપવાની માંગ ઉઠી છે. મુસાફરોમાં પણ જોખમની ગભરાહટનો માહોલ ફેલાયો છે કેમ કે, જો ડ્રાઈવર સ્વસ્થ ન હોય તો જેતે સ્થળે લઈ જવાની જવાબદારી અને જાનનું જોખમ કોના પર ? ત્યારે હવે જે ડ્રાઈવર-કંડકટર રસી લે તેને એક દિવસની રજા આપવા પ્રબળ માગ ઉઠી છે.