- મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં સૂચવાયેલો 150 કરોડનો કરબોજ ફગાવી દેવાની ગંભીર વિચારણા: આવતા સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટી બજેટને આપશે બહાલી
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ગત શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2025/2026નું બજેટ દરખાસ્ત સ્વરૂપે ખડી સમિતિ સમક્ષ રજૂ કરી દીધું છે. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા રૂ.3112.29 કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર 150 કરોડનો તોતીંગ કરબોજ ઝીંકવામાં આવ્યો છે. દરમિયાન આજથી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ડ્રાફ્ટ બજેટ પર અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. સતત એક સપ્તાહ સુધી એક-એક મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ બજેટને આવતા સપ્તાહે આખરી મંજૂરી આપી દેવામાં આવશે. વર્તમાન બોર્ડનું અંતિમ બજેટ હોય શાસકો દ્વારા કરબોજ સ્વીકારવામાં આવે તેવી શક્યતા હાલ નહિંવત દેખાઇ રહી છે. ગત શુક્રવારે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયા બાદ અલગ-અલગ કાર્યક્રમોના કારણે ખડી સમિતિ દ્વારા બજેટ પર અભ્યાસ કરી શકાયો ન હતો. આજે સવારથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને સમિતિના સભ્ય દક્ષાબેન વસાણી, મંજુબેન કુંગશીયા, ભારતીબેન પરસાણા, વર્ષાબેન રાણપરા, દેવાંગભાઇ માંકડ, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, બિપીનભાઇ બેરા, નેહલભાઇ શુક્લ, રૂચિતાબેન જોષીએ બજેટનો અભ્યાસ શરૂ કરી દીધો છે. નાયબ મ્યુનિ.કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ ઉપરાંત ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી સહિતના અધિકારીઓ બજેટના અભ્યાસમાં ઉ5સ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે મ્યુનિ.કમિશનર દ્વારા દરખાસ્ત સ્વરૂપે જે બજેટ રજૂ કરવામાં આવે છે તેના પર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક સપ્તાહ સુધી જીણવટભરી ચર્ચા કરવામાં આવતી હોય છે. જો કમિશનરે વેરામાં વધારો સૂચવ્યો હોય તો તેને સ્વીકારવો કે નામંજૂર કરવો તે અંગે ખૂબ જ ચીવટ સાથે ચર્ચા કરવામાં આવતી હોય છે. નવા નાણાકીય વર્ષમાં મ્યુનિ.કમિશનરે 150 કરોડનો કરબોજ લાદ્યો છે. આવતા વર્ષના આરંભે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય આવામાં વેરામાં વધારો કરવો કે કેમ તે અંગે ચર્ચા કેન્દ્ર સ્થાને છે. જો કે, શાસકો એકપણ રૂપિયાનો કરબોજ સ્વીકારે તેવું હાલ દેખાતું નથી. પાર્ટી હાઇકમાન્ડ દ્વારા પણ આડકતરી રીતે એવી સૂચના આપી દેવામાં આવી છે કે એકપણ રૂપિયાનો કરબોજ લાદવાની પ્રાથમિક વિચારણા પણ કરતા નહિં. લોકોને ચૂંટણી વર્ષમાં કંઇ રીતે રાજી કરી શકાય તેવા પ્રોજેક્ટ કે યોજના અંગે અભ્યાસ કરો. આ વાત પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે પોતાના પ્રથમ બજેટમાં જ ભલે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ 150 કરોડનો કરબોજ સૂચવ્યો હોય પરંતુ અંતિમ વર્ષમાં વર્તમાન શાસકો એકપણ રૂપિયાનો કરબોજ સ્વીકારવા માટે રાજી નથી. આવતા સપ્તાહે સંભવત: મંગળવાર અથવા બુધવારે બજેટને ખડી સમિતિ દ્વારા બહાલી આપી દેવામાં આવશે.