- નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સાંસદસભ્ય અને ધારાસભ્યઓ સાથેની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ
- ધારાસભ્યઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને હકારાત્મક વાચા આપતા મંત્રીએ તેનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી
ગાંધીનગર ખાતે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સ્થાયી પરામર્શ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કનુ દેસાઈએ સૌ સાંસદસભ્ય-ધારાસભ્યઓનો આભાર માન્યો હતો. આ સાથોસાથ તમામ ખાતાના વડાઓનો આભાર માનતા મંત્રીએ જણાવ્યું હતું કે, સમયાંતરે યોજાતી સ્થાયી પરામર્શ સમિતિની બેઠકના પરિણામે પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે છે. ગત બેઠક દરમિયાન ધારાસભ્યઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોનો સુયોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. બેઠકમાં ઉપસ્થિત રહેતા સાંસદસભ્ય – ધારાસભ્યઓના સૂચનોથી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સરળતા રહે છે.
વધુમાં મંત્રી કનુભાઈ દેસાઈ એ નાણાં તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલ પ્રજાલક્ષી-નિર્ણયો અને કામગીરીથી ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા હતા પ્રજાલક્ષી મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે સ્ટેમ્પ ડ્યુટી તેમજ GST મા ઘણા બધા પ્રજાલક્ષી સુધારાઓ કરવામાં આવ્યા છે. ઈ વ્હીકલ તથા મેક્સી કેટેગરીના પેસેન્જર વાહનમાં વેરાના દરમાં ઘટાડો કરેલ છે. રાજ્યના ખેડૂતોના વીજ બિલમાં ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવામાં આવેલ છે , રાજ્યના 98% ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળી રહેલ છે. 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલીકની સંમતિની હવેથી જરૂર રહેશે નહીં તેના બદલે અરજદાર દ્વારા નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે તેવો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે. તદુપરાંત 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ હોય તો દરેક સહમાલીકને તે સર્વે નંબર/જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે.
રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ ચાર્જમાં કરવામાં આવેલ ઘટાડાને કારણે વીજ ગ્રાહકોને વીજ બિલમાં રૂ.1900 કરોડથી વધુની રાહત મળેલ છે. તદુપરાંત ગામતળની બહારના વિસ્તારમાં રહેણાક હેતુના સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી હવે 3 KWના બદલે 6 KW સુધીનું સિંગલ ફેજનું વીજ જોડાણ વાસ્તવિક ખર્ચ ને બદલે ફિક્સ ચાર્જમાં મળી શકશે. જેમાં નોન – ટ્રાયબલ વિસ્તારમાં જૂથમાં આવેલા 15 મકાનોને બદલે જૂથમાં આવેલા 10 મકાનો હોય તો પણ જ્યોતિગ્રામ ફીડર પરથી વાસ્તવિક ખર્ચને બદલે ફિક્સ ચાર્જમાં વીજ જોડાણ આપવાનો નિર્ણય કરેલ છે. કુટીર જ્યોતિ યોજના અંતર્ગત જૂના માપદંડમાં લાભાર્થીના ઘર હળવા દબાણની વીજ રેષાથી 100 મીટરની અંદર આવેલા હોય તો જ યોજનાનો લાભ મળતો હતો , આ યોજનાના માપદંડમાં સુધારા કરવાની રજૂઆતો રાજ્ય સરકારને મળેલ જેને ધ્યાને લઈ રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા હળવા દબાણની વીજ રેષાથી 100 મીટરથી દૂર આવેલા લાભાર્થીઓને પણ આવરી લેવામાં આવેલ છે.
અગાઉ લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા 100 KW હતી, જે હવે વધારીને 150 KW કરવામાં આવી છે. હાઇ ટેન્શન કેટેગરીના વીજ જોડાણ માટે ઉધ્યોગકારે પોતાની માલિકીનું ટ્રાન્સફોર્મર મૂકવાનું થતું હતું. જેના કારણે ટ્રાન્સફોર્મરનો ખર્ચ ઉધ્યોગકારે કરવાનો થતો હતો અને એના માટે જરૂરી જમીન પણ ઓછી પડતી હતી. આ નિર્ણયને કારણે આ સમસ્યાઓનું નિવારણ થયેલ છે.
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વિવિધ કારણોસર વીજળી ખોરવાય તેવા પ્રસંગો આવે છે. આવા પ્રસંગોએ વીજળી પુન:કાર્યરત થઇ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા પણ ટૂંક સમયમાં શરુ કરશે. જે રીતે હેલ્થ ઈમરન્સી સમયે લોકો 108 નંબરથી એમ્બ્યુલન્સ આવે છે, તેવી જ રીતે ટોલ ફ્રી નંબરથી વીજળી પુન:કાર્યરત કરવા પણ ટીમ ઘટના સ્થળે પહોંચશે. આ અદ્યતન મોડલ અત્યારે તૈયાર થઇ રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના નાગરીકો પોતાના વીજ પ્રશ્નો પણ ખુબ જ સરળતાથી ઓનલાઈન રજીસ્ટર કરી શકશે.
આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ¸ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા વીજ પોલ, ખેડૂતોના વળતર, નવા સબ-સ્ટેશન કાર્યરત કરવા, અન્ડરલાઈન કેબલ લાઈન, વીજ ચોરી, સ્માર્ટ મીટર, જ્યોતિ ગ્રામ યોજના, ખેડૂતોને અપાતા વીજ કનેક્શન સહિત GIDCમાં વીજ પુરવઠો પૂરો પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન ધારાસભ્યઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને હકારાત્મક વાચા આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ, નાણાં વિભાગના સચિવઓ, ગુજરાત ગેસ પેટ્રોલીયમ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર, GST કમિશનર, નાણા વિભાગના અધિક સચિવ, UGVCL, PGVCL, DGVCL, MGVCL અને GETCOના મેનેજીંગ ડીરેક્ટર, નાણાં અને ઊર્જા વિભાગના નાયબ સચિવઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.