- રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 40 કેન્દ્રોના 180 બિલ્ડીંગના 1,583 બ્લોક પરથી 45,421 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રોના 91 બિલ્ડિંગના 781 બ્લોક પરથી 7,684 વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહમાં
- 19 કેન્દ્રોના, 37 બિલ્ડિંગના 389 બ્લોક પરથી 23,207 વિદ્યાર્થીઓ 17 માર્ચ સુધી પરીક્ષા આપશે
- કલેક્ટર ડો.પ્રભવ જોશીએ વિરાણી હાઈસ્કૂલમાં, પોલીસ કમિશનર બ્રજેશકુમારે મોદી સ્કૂલમાં, મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ જી.ટી શેઠ સ્કૂલમાં બોર્ડના વિધાર્થીઓને આવકારી શુભેરછા પાઠવી: વિધાર્થીઓનું ચેકિંગ કરીને તિલક અને ફૂલ આપી કેન્દ્રમાં પ્રવેશ અપાયો
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10-12ના કુલ 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ 15 દિવસ પરીક્ષા આપશે. આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટતા સ્કૂલ બિલ્ડિંગ અને બ્લોકની સંખ્યા ઘટી છે. રાજકોટમાં કલેકટર, પોલિસ કમીશ્નર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતનાં અધિકારીઓ અલગ અલગ શાળાઓમા બોર્ડના વિદ્યાર્થીઓને આવકારવા માટે ગયા હતા.વિધાર્થીઓને તિલક અને ફૂલ આપી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 10-12ની બોર્ડ પરીક્ષા આજથી 17મી માર્ચ સુધી લેવાશે અને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1661 કેન્દ્રોમાં 5222 સ્કૂલ બિલ્ડિંગ, 50991 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગત વર્ષે 1934 કેન્દ્રોમાં 5378 બિલ્ડીંગોમાં 54292 બ્લોકમાં લેવાઈ હતી.
જો કે, આ વર્ષે નવા કેન્દ્રો માંગણીઓને પગલે મંજૂર કુલ કેન્દ્રો વધ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ ઘટતા 156 સ્કૂલ બિલ્ડિંગ ઘટી છે અને 3303 બ્લોક ઘટ્યા છે. રાજ્યના 146 સ્ટ્રોંગરૂમોમાં પ્રશ્નપત્રો હાલ સીલબંધ કવરમાં સુરક્ષા હેઠળ મુકી દેવાયા છે અને તમામ કેન્દ્રોમાં એક-એક સીસીટીવી સુપરવાઈઝર રહેશે. 17 માર્ચ સુધી રાજકોટ જિલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. શહેરની કરણસિંહજી હાઇસ્કુલ ખાતે કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યો છે જેના નંબર 76229 211773 રાખવામાં આવેલા છે. જે નંબર પર સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી કોઈપણ વિદ્યાર્થીઓ કે વાલીઓ ફોન કરી શકશે. વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેના નિરાકરણ માટે આ કંટ્રોલ રૂમમાં 2 શેસનમાં કર્મચારી ફરજ બજાવશે.
આ સાથે જ રાજકોટ શહેર અને જિલ્લામાં 74 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવાના છે. જેમાં રાજકોટ શહેરમાં 36 દિવ્યાંગો રાઈટર સાથે પરીક્ષા આપશે. ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જેતપુર અને ભાયાવદરમાં 26 તો જસદણ, વીંછિયા, આટકોટ અને ગોંડલમાં 12 દિવ્યાંગો લહિયા સાથે પરીક્ષા આપવાના છે.
આજે પ્રથમ દિવસે આ વિષયોની પરીક્ષા
બોર્ડ પરીક્ષામાં આજે ધોરણ 10માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:15 વાગે શરૂ થશે અને 1:15 સુધીનો સમય રહેશે. વિદ્યાર્થીઓને 9:30થી પ્રવેશ આપી દેવાશે. બર્પોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:15નો રહેશે. ધોરણ 12 સાયન્સમાં ફીઝિક્સ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:30નો રહેશે.
ડીઈઓનો બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા એક ઉત્સવ સમજી એક્ઝામ આપવા અનુરોધ
રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે વાલીઓ અને પરીક્ષાર્થીઓ જોગ સંદેશો પાઠવતા જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના શહેર અને ગ્રામ્યના ધોરણ- 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે અનેક અનેક શુભેચ્છાઓ. પરીક્ષા સ્થળે આપના ઘરથી અંતરની અગાઉથી ચકાસણી કરી વહેલા પહોંચવા અનુરોધ કરૂ છું. પરીક્ષાને એક ઉત્સવ સમજી પરીક્ષા આપો. પરીક્ષા ખંડ માં પ્રવેશ પૂર્વે કોઈ સાહિત્ય, ડિજિટલ ઘડિયાળ, ડિજિટલ કેલક્યુલેટર, મોબાઈલ, ઇયર ફોન કે વાઇ ફાઇ એટેચ કરી શકાય એવી કોઈ પણ સામગ્રી આપની પાસે ભૂલથી પણ ના રહે એ ધ્યાન રાખશો. હોલ ટિકીટ સાથે જ પ્રવેશ કરવો અને પોતાની જ સીટ પર બેસવું અને ખંડ નિરીક્ષકની સૂચનાઓનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે તમામ પ્રશ્નપત્રો પૂર્ણ કરશો એવા શુભાશિષ.
શિક્ષણમંત્રીએ વિધાર્થીઓને પાઠવી શુભકામનાઓ
આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભકામન પાઠવી છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, પરીક્ષામાં સંપૂર્ણ ધ્યાન આપજો અને પરિણામની ચિંતા કર્યા વગર લખજો. આ સાથે તેમણે કહ્યું કે, પરીક્ષાને ટેન્શન તરીકે ન જોવી જોઇએ પરંતુ તેની એક ઉત્સવની જેમ ઉજવણી કરવી જોઇએ.