Abtak Media Google News

ડાંગર, મકાઇ, બાજરીની પણ ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળી ખરીદવાનું આયોજન કરાયું છે. આ માટે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી ખેડૂતો કરાવી શકશે. રજીસ્ટ્રેશન માટે આજથી 31મી ઓક્ટોબર સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. મગફળી ઉપરાંત ડાંગર, મકાઇ, બાજરીની પણ ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા હાથ ધરાશે.

દર વર્ષે ખેડૂતોને પોતાની જણસીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર કરી મુખ્ય જણસીઓની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદવા આજથી નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. આ માટે ગ્રામિણ કેન્દ્રો પરથી અથવા ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ શકશે તેમજ આગામી લાભ પાંચમથી ખરીદ પ્રક્રિયાના શ્રીગણેશ કરાશે. સરકારના નાગરિક પૂરવઠા નિગમ દ્વારા આ માટેની પૂર્વ તૈયારીઓ થઇ રહી છે. ઉપરાંત ટેકાનો ભાવ પણ જાહેર થઇ ચુક્યો છે.

ગત વર્ષે ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.5275 હતો. જેમાં આ વર્ષે વધારો કરી આ વર્ષનો ભાવ રૂ.5550 નક્કી કરાયો છે. ખરીદાયેલી મગફળીના પરિવહન માટે ટેન્ડરની પ્રક્રિયા પણ નજીકના ભવિષ્યમાં જ થનાર છે. લાભ પાંચમથી આશરે 90 દિવસ ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા ચાલશે.

મગફળી ઉપરાંત ડાંગર, મકાઇ, બાજરીની ટેકાના ભાવે વહેંચવા આજથી નોંધણી થઇ શકશે. આ જણસી માટેની નોંધણી પ્રક્રિયા 1 થી 15 ઓક્ટોબર સુધી ચાલશે તેમજ 16 ઓક્ટોબરથી ખરીદી કરવામાં આવશે. આ વર્ષે પાછોતરા પુષ્કળ વરસાદને પગલે પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ વચ્ચે ગત વર્ષની સરખામણીમાં ઓછી ખરીદી થાય તેવી સંભાવનાઓ જણાઇ રહી છે.

આજથી નોંધણી પ્રક્રિયા શરૂ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતો નોંધણી માટે ઉમટયા છે. જો કે મળતી માહિતી મુજબ તલાટી મંત્રી અને વીસીઇ હડતાળ પર ઉતરતા નોંધણી પ્રક્રિયા ખોરવાય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.