Abtak Media Google News

રાજકોટ જિલ્લામાંથી કુલ રૂ.૧ લાખ ૧૦ હજાર મેટ્રીક ટન મગફળીની ખરીદી કરાશે ૩૦મી સુધી ચાલશે નોંધણી પ્રક્રિયા: ૧૫મીથી મગફળીની ખરીદી શરૂ થશે

રાજકોટ સહિત રાજયભરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે જેમાં રાજકોટ ખાતેથી બપોર સુધીમાં ૨૦૦ ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાંથી ૧,૧૦,૦૦૦ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવનાર છે જેના માટેની નોંધણી પ્રક્રિયા આગામી ૩૦ નવેમ્બર સુધી ચાલશે જયારે મગફળીની ખરીદી ૧૫ નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવનાર છે.

રાજય સરકાર દ્વારા આગામી ૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવનાર છે જે માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી રાજકોટ સહિત રાજયભરમાં શરૂ થઈ ચુકી છે. રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે જયાં આજે બપોર સુધીમાં ૨૦૦ જેટલા ખેડુતોએ રૂબરૂ આવીને પોતાની મગફળી ટેકાના ભાવે વહેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના જુના માર્કેટ યાર્ડ ખાતે કુલ ૪ કર્મચારીઓની ટીમને ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા માટે ફરજ સોંપવામાં આવી છે જેમાં પુરવઠાના ગોડાઉનમાંથી એક, તાલુકા પંચાયતમાંથી એક, રેવન્યુ વિભાગમાંથી એક અને કોમ્પ્યુટર વિભાગના એક કર્મચારીને એમ કુલ ૪ કર્મચારીઓને રોકવામાં આવ્યા છે.

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરુ થઈ છે જે ૩૦ નવેમ્બર સુધી ચાલશે. જયારે ૧૫ નવેમ્બરથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ખેડુતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વહેંચવા માટે ૭/૧૨નો દાખલો, તલાટીનો દાખલો, આધારકાર્ડ અને પાણીપત્રક સાથે જુની માર્કેટ યાર્ડ ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. રાજય સરકાર દ્વારા આ વખતે મગફળીની ખરીદીમાં ૨૩ રૂપીયા પ્રતિ મણનો વધારો જાહેર કર્યો છે.

ખેડુતોને મગફળીના ૫ હજાર રૂપીયા પ્રતિ કવીન્ટલ ચુકવવામાં આવનાર છે. રાજય સરકાર રાજકોટ જિલ્લામાંથી કુલ ૧,૧૦,૦૦૦ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.