પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

કોડીનાર, કેશોદ અને લાલપુરમાં બાઈક રેલી તથા જાહેરસભા: પડધરીના સરપદડમાં હાર્દિક પટેલની ચૂંટણી સભા

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી રવિવારે યોજાવાની છે ત્યારે આવતીકાલે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે. પ્રચારના અંતિમ કલાકોમાં ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો તો કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ પડધરીના સરપદડ ગામે જાહેરસભા સંબોધવામા આવી હતી.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું સવારે ૧૦.૩૦ કલાકે કોડીનાર હેલીપેડ આગમન થયું હતુ. અને ત્યાથી થારા ઝાંપા સુધી બાઈક રેલી યોજી હતી ત્યારબાદ તેઓએ જંગી ચૂંટણી સભા સંબોધી હતી. બપોરે ૩.૩૦ કલાકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેશોદ એરપોર્ટથી કુંજ વિહારી વાડી સુધી બાઈક રેલી યોજાશે અને ત્યારબાદ એક ચૂંટણી સભાને સંબોધશે. સાંજે સી.આર. પાટીલ જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે જેમાં સાંજે ૫.૩૦ કલાકે લાલપૂર હેલીપેડથી લાલપૂર ગામ સુધી એક બાઈક રેલી યોજાશે અને ત્યારબાદ ચૂંટણી સભાને સંબોધશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા દ્વારા પણ આજે ઢસા, પરવાળા, દડવા રાંદલ, વલ્લભીપૂર પાટણવાવ, સણોસરા, જાંબાળા, દેવગાણા અને ટાંણા બેઠકો પર સંમેલન તથા પટેલ સમાજના આગેવાનો સાથે ગ્રુપ મીટીંગ યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આજે બે સ્થળોએ ચૂંટણીસભાઓ ગજાવશે. પંચમહાલ જિલ્લા પંચાયતના ગોધરા ખાતે તથા છોટાઉદેપૂર જિલ્લાના સેપડા ખાતે ચૂંટણી સભાઓ સંબાધશે.જયારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ પણ આજે પડધરીના સરપદળ ખાતે એક ચૂંટણી સભા ગજાવશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે આવતીકાલે ચૂંટણી પ્રચાર પડધમ બંધ થઈ જશે.