પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રેસ્ક્યું અને બચાવકાર્યમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(SDRF)ની પ્રસંશનીય કામગીરી
સીઆઈએસએફ અને ફાયર વિભાગ તરફથી પણ SDRF ટીમોને સહયોગ પ્રાપ્ત થયો :- શીતલ કુમાર ગુજર, ડેપ્યુટી કમાન્ડન્ટ અને DRF, SDRF, ગુજરાત પોલીસ
અમદાવાદમાં ૧૨મી જૂનના રોજ મેઘાણીનગરના આઇજીપી કમ્પાઉન્ડ ખાતે બનેલી પ્લેન ક્રેશ ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિભાગો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા ત્વરિત રાહત, બચાવ અને રેસ્ક્યુંની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NDRF અને SDRFની ટીમોએ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ગુજરાત પોલીસના ડેપ્યુટી કમાન્ડન્ટ અને DRF, SDRF શ્રી શીતલ કુમાર ગુજરે જણાવ્યું હતું કે દુર્ઘટનાના દિવસે બપોરે લગભગ ૨ વાગ્યે એમને વિમાન દુર્ઘટના અંગે જાણકારી મળી હતી. જેના આધારે તરત જ બચાવ કામગીરી શરૂ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી અને ટીમને ત્વરિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર અને જે. સી. બી. ટીમોએ દુર્ઘટના સ્થળ પર તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ ટીમોએ જોયું કે વિસ્તાર આગમાં લપેટાઈ ગયો હતો અને દરેક જગ્યાએ કાર્બન ફેલાઈ ગયું હતું અને પ્લેનમાં રહેલું ૧ લાખ લિટરથી વધુ ઇંધણ ફેલાઈ ગયું હતું.
બચાવ ટીમોએ ફાયર ટેન્ડર અંદર પ્રવેશી શકે તે માટે એક દીવાલ તોડી નાખવામાં આવી હતી. મેસ અને હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓ અને નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવ ટુકડીઓએ સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને કામ કર્યું હતું, વિવિધ ટીમોને સ્થળ પર જ ત્વરિત ફરજો સોંપીને સંકલિત બચાવ પ્રયાસની રચના કરવામાં આવી હતી. આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સીઆઈએસએફ અને ફાયર વિભાગ તરફથી પણ ટીમોને સહયોગ પ્રાપ્ત થયો હતો. વિમાનના વિવિધ ભાગોમાંથી મૃતદેહો મળી આવ્યા હતા, જેને ત્વરિત હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.