તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતગર્ત સેવા, સુરક્ષા અને સલામતી માટે સુસજ્જ તાપી જિલ્લા પોલીસ 2025 રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં યોજાનાર છે. જેને લઇને સમગ્ર તાપી જિલ્લા તંત્ર સહિત નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ અને કુતુહલતા જોવા મળી રહી છે. આ રંગમાં ભંગ ન પડે તે માટે તાપી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે. સેવા, સુરક્ષા અને સલામતીના સુત્ર સાથે પોલીસ વિભાગ તમામ કાર્યક્રમો, વ્યવસ્થા ઉપર બાજ નજર રાખી રહી છે. ગુજરાત રાજ્ય પોલીસ તથા રાજસ્થાન પોલીસ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ-સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની વિવિધ પોલીસની ટીમો આવી છે. ૨૬મી જાન્યુઆરી-2025ની ઉજવણી અંતર્ગત 1437 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ પરેડ પ્રેક્ટીસ માટે ભાગ લેનાર છે.
આ ઉપરાંત પ્રજાસતાક પર્વના પ્રચાર પસાર અને લોકોમાં ઉત્સાહ વધારવા પોલીસ પરેડ અને પોલીસ પાઇપ બેન્ડ દ્વારા રોજબરોજ અલગ અલગ સ્થળોએ રીહર્સલનું આયોજન પણ કરાયું છે. જેમાં આજે તા.૨૩મી જાન્યુઆરી-2025ના રોજ પાઇપ બેન્ડ પ્રદર્શન કાર્યક્રમ જુના બસ સ્ટેન્ડ, જે.પી.શોપિંગ સેન્ટરની બાજુમાં, વ્યારા ખાતે યોજાશે. અને 24મી જાન્યુઆરી-2025 અંતર્ગત ’મીની પરેડ’ નો કાર્યક્રમ સોનગઢ પો.સ્ટે.ના સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢ ખાતે યોજાશે.
અત્રે નોંધનિય છે કે, 25 અને 26મી જાન્યુઆરી-2025ની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લામાં કાયદો અને વ્યવવસ્થાની જાળવણી માટે આશરે 1200 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.
ત્યારે તાપી જિલ્લામાં 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સહિત સંલગ્ન તમામ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તાપી જિલ્લા પ્રભારી સચિવ મિલિંદ તોરવણેના વડપણ હેઠળ ગણતંત્રની ઉજવણીનું અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પોલીસ પરેડ, પોલીસ વિભાગ દ્વારા યોજનારા બ્રાસ બેન્ડ ડિસપ્લે, સાંસ્કૃતિક કાર્યક્રમ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા, હર્ષ ધ્વનિ, સહિત પુરસ્કાર અને ટ્રોફી વિતરણનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રિહર્સલમાં તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ સહિત ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના સંબંધિત અધિકારીઓ, પોલીસના જવાનો, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ધ્વજવંદન કાર્યક્રમ વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે યોજાનાર છે. જેની ઉજવણી અન્વયે કાર્યક્રમમાં પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.