ધો. 10 અને 12ની રીપીટર વિધાર્થીઓની પરીક્ષા માટે સાબરકાંઠા તંત્ર કેટલું તૈયાર ? શિક્ષણમંત્રીને આપી માહિતી

હિતેશ રાવલ, સાબરકાંઠા: રાજયમાં ધોરણ ૧૦ અને ૧૨ના સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રીપીટર અને ખાનગી વિધાર્થીઓની આગામી ૧૫ જુલાઇ ૨૦૨૧થી પરીક્ષા પ્રારંભ થવાની છે. વિઘાર્થીઓ નિર્વિઘ્ને અને સ્વસ્થ્ય સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાવના વહીવટી તંત્રએ પણ કમરકસી છે. જેને અનુલક્ષીને બુધવારના રોજ કલેકટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. ખાનગી અને રીપીટર પરીક્ષાર્થીઓની પરીક્ષાના આયોજન અંગે રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં જિલ્લાના કલેકટર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.

આ વર્ષે ૧૫ જુલાઇથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સીના ૨૦ કેન્દ્રો પરથી ૧૩૦૫૨ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૬૮૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહના ૩૨૨૦ વિઘાર્થીઓ ૧૪૦ બ્લોક પરથી પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ,એસ,સીના હિંમતગનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા હોવાની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

વિધાર્થીઓના આરોગ્યની ચિંતા કરી પરીક્ષાખંડમાં પ્રવેશ કરતા પહેલા તેમનું થર્મલ ગનથી ચકાસણી અને સેનિટાઇઝેશન અને માસ્કની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો પરીક્ષા દરમિયાન કોઈ વિધાર્થીને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાય તો તેના માટે અલાયદી બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવશે, કોરોનાને લઈ પરીક્ષા દરમિયાન શાળની બહાર વાલીઓના ટોળા એકત્ર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે સબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. જિલ્લાના સંવેદન અને અતિસંવેદનશીલ કેન્દ્રો તેમજ તમામ કેન્દ્રો સીસીટીવીની સુવિધાથી સજ્જ હોય તે ખાસ ધ્યાન રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠક દરમિયાન જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય વ્યાસ, પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.