Abtak Media Google News

અબતક,રાજકોટ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણતાના આરે છે પૂરજોશમાં ચાલતી વેકિસનેશનની સહિતની કામગીરી આજે રાજય સરકારે સંભવિત ત્રીજી લહેરના કહેરને ખાળવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી શાળાના દરવાજાઓ બાળકો માટે બંધ છે. ઓનલાઈન શિક્ષણથી શૈક્ષણીક કાર્ય ચલાવવામા આવી રહ્યું છે. દરમિયાન રાજય સરકાર દ્વારા આગામી બીજી સપ્ટેમ્બરથી કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે કુલ કેપેસીટીની 50 ટકા શ્રમતા સાથે ધો.6 થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને સર્વત્ર આવકાર મળી રહ્યો છે. ઓનલાઈન શિક્ષણથી બાળકોનો વિકાસ રૂંધાય રહ્યો હતો હવે ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થતા શાળાના ઓરડાઓ ફરી બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠશે. જોકે 50 ટકા જ હાજરીના નિયમથી એક સવાલ એપણ ઉભો થઈ રહ્યો છે કે શું બાળકો એકાંતરા સ્કુલ જશે અને જો આસિસ્ટમ રહેશે તો અભ્યાસક્રમ નિયત સમયમાં પૂરો કરવો શિક્ષકો માટે એક મોટો પડકાર બની જશે. કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી શાળાના બદલે ઘરમાં બેસી ઓનલાઈન શિક્ષણ મેળવતા બાળકોનાં માનસિક વિકાસપર અસર પડી રહ્યો હતો. અભ્યાસ પ્રત્યેની તેઓની રૂચી પણ સતત ઘટી રહી હતી.

બાળકો ભણવાનું ભૂલી જાય તે પહેલા શાળા શરૂ કરી દેવાનો રાજય સરકારનો નિર્ણય ખરેખર પ્રશંસા પાત્ર છે.પરંતુ હજી ધો.1 થી 5ના વર્ગોતો ઓનલાઈન ચાલશે સાથોસાથ ધો.6 થી 8ના વર્ગો ઓફલાઈન ચોકકસ શરૂ કરાશે. પરંતુ તેમાં બાળકોની હાજરી મરજીયાત રહેશે. રોજ 50 ટકા હાજરીનો નિયમ પણ રાખવામા આવ્યો છે.જેનો બીજો અર્થ એવો પણ નિકળે છે કે અઠવાડીયામાં બાળકો માટે ત્રણ દિવસ જ શાળાએ જઈ શકશે અને ત્રણ દિવસ તેઓએ ઓનલાઈન ભણવું પડશે. આવામાં અભ્યાસક્રમ પૂરો કરવા સહિતના અનેક પડકારો છે.

જો કોઈ શાળામાં એક પણ બાળકને કોરોના થયો તો ફરી શાળાને તાળા લાગી જશે તેવી ભીતી પણ મોઢૂ ફાડીને ઉભી છે. ધો.6 થી 8ના વર્ગો બીજી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય આવકારદાયક છે. પરંતુ અનેક પડકારો હજી યથાવત છે.

ધો. 1થી 5 ના વર્ગખંડો ખાલી હોવાથી એકી-બેકી પદ્ધતિ અપનાવવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી: અવધેશ કાનગડ

 

શુભમ સ્કૂલના સંચાલક અવધેશભાઈ કાંગડે કહ્યું હતું કે, રાજ્ય સરકારનો આ નિર્ણય ખૂબ આવકારદાયક છે. ધો. 6 થી 8 કારકિર્દીના ઘડતરમાં પાયા સમાન હોય છે અને ઓનકાઇન શિક્ષણ ક્યારેય ઓફલાઇનનું સ્થાન લઈ શકે નહીં ત્યારે ઓફલાઇન વર્ગો શરૂ કરવા ખૂબ જરૂરી હતું. તેવા સમયે રાજ્ય સરકારનો નિર્ણય ખૂબ આવકારદાયક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલ ધો. 1 થી 5ના વર્ગો શરૂ થયા નથી જેથી તે વર્ગખંડો ઉપલબ્ધ છે જેમાં વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ આપવામાં આવશે જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહેશે અને વર્ગખંડોમાં 50% સંખ્યાને જ બેસાડવાનો જે આદેશ છે તેનું પણ પાલન યોગ્ય રીતે કરી શકાશે. અગાઉથી ઓનલાઈન શિક્ષણ ચાલુ હતો જેથી હાલ સુધીમાં 15 થી 20% અભ્યાસક્રમ પૂર્ણ પણ કરી લેવામાં આવ્યો છે. અભ્યાસક્રમ પૂર્ણ કરવાનું કોઈ પણ દબાણ હાલ નથી. સંપૂર્ણપણે દબાણરહિત થઈને શિક્ષકો ફરીવાર વિધાર્થીઓને ઓફલાઇન શિક્ષણના પાઠ ભણાવી શકશે.

 

અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થશે: અજયભાઈ પટેલ

ખાનગી શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલે કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી શાળા સંચાલકોની માંગ હતી કે, ધો. 6 થી 8 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ આવકારદાયક છે. હાલ મોટાભાગની સ્કૂલો પાસે ધો. 1 થી 5 ના વર્ગો ખાલી હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ સાથે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાશે. ઉપરાંત અભ્યાસક્રમ પૂર્ણ કરવાનું કોઈ દબાણ હાલ નથી કેમકે હજુ સમય પુષ્કળ છે જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોઈ પણ દબાણ વિના શિક્ષણકાર્ય શરૂ કરી શકશે. તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં હવે ધો. 1 થી 5 ના વર્ગો પણ શરૂ કરવા અંગે યોગ્ય નિર્ણય લેવાશે તેવી અમને શ્રદ્ધા છે.

 

90%થી વધુ શાળા સંચાલકો-શિક્ષકો અને કર્મચારીઓને વેક્સિનેટ કરી દેવાયા!!

રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા કોરોનાની પ્રથમ લહેર સમયે જ મોટાભાગના શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ-શિક્ષકોને વેકસીનનો પ્રથમ ડોઝ રાજકોટ મનપાના સહયોગથી આપી દેવામાં આવ્યો હતો. તે બાદ બીજી લહેર દરમિયાન પણ મનપાના સહયોગથી બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. જેથી શાળા સાથે સંકળાયેલા મોટાભાગના કર્મચારીઓ હાલ સંપૂર્ણપણે વેકસીનેટ થઈ ચુક્યા છે. શાળા સંચાલક મંડળનું કહેવું છે કે, શાળામાં તમામ તકેદારીઓનું પાલન થશે જેથી વાલીઓ કોઈ પણ ભય વિના બાળકોને શાળા ખાતે મોકલી શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.