બાઈક ચોરી કરે અને માનભરી ચલાવ્યા બાદ ગાડી રેઢી મુકી દે- શોખ પૂરો કરવા ટાબરિયાઓ તસ્કરીના રવાડે  

મોજ શોખ માટે બાઇક ચોરી કરી રેઢા મુકી દેતા હોવાની કબુલાત: રૂા.85 હજારના ત્રણ બાઇક કબ્જે

અટિકા ફાટક પાસે ચોરાઉ બાઇક સાથે બે ટાબરીયા સહિત ત્રણ શખ્સો બેઠા હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી રૂા.85 હજારની કિંમતના ત્રણ બાઇક કબ્જે કરી પૂછપરછ કરતા મોજ શોખ માટે બાઇકની ચોરી કરી રેઢા મુકી દેતા હોવાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વર નજીક કિર્તીધામ સોસાયટીમાં રહેતા જુનેદ મહંમદ મીઠાણી નામના શખ્સ બે તરૂણની સાથે મળી બાઇકની ચોરી કરતા હોવાની બાતમીના આધારે ભક્તિનગર પી.આઇ. જે.ડી.ઝાલા, પી.એસ.આઇ. આર.જે. કામળીયા, હેડ કોન્સ્ટેબલ મનરૂપગીરી ગૌસ્વામી, મનિષભાઇ શીરોડીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયા સહિતના સ્ટાફે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા.

બે ટાબરીયા સહિત ત્રણેય વાહન ઉઠાવગીરની પૂછપરછ કરતા તેઓ ન્યુ રામેશ્ર્વરમાં રહેતા રવિન્દ્રભાઇ તુલજાશંકર ભટ્ટનું જી.જે.3ઇએન. 1510 નંબરનું હોન્ડા, માસ્તર સોસાયટીમાં રહેતા વિશાલ હસમુખ ખાનપરાનું જી.જે.3એચસી. 234 નંબરનું હોન્ડા અને વાણીયાવાડીમાં રહેતા ભાવીનભાઇ હસમુખભાઇ કક્કડનું બાઇકની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ત્રણેય બાઇક કબ્જે કરી વધુ ચોરીના ગુનામાં સંડોવણી હોવાની શંકા સાથે પૂછપરછ હાથધરી છે.