શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો

સેન્સેક્સે 55,500 અને નિફ્ટીએ 16,500ની સપાટી ઓળંગી: રૂિપિયો તૂટ્યો

ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી આવતી મંદી આજે અટકી જવા પામી છે. નીચા મથાળે નવેસરથી ખરીદીનો દોર રોકાણકારો શરૂ કરતા શેરબજારમાં તેજી પરત ફરી છે. આજે સેન્સેક્સે ફરી એકવાર 55,500 અને નિફ્ટીએ 16,500ની સપાટી ઓળંગી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ હજી ચાલી છે. બૂલીયન બજારમાં આજે તેજી જોવા મળી હતી.

મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ આજે ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દોર શરૂ કરતા દિવસ દરમિયાન તેજી જળવાઇ રહેવા પામી હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 55,157.99 સુધી નીચે સરકી ગયો હતો. જ્યારે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 55,733.74ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. જ્યારે નિફ્ટી ઇન્ટ્રાડેમાં 16,438.75 સુધી નીચે સરકી જવા પામી હતી અને 16,617.20ના ઉપલા લેવલ સુધી પહોંચી ગઇ હતી. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ-100માં પણ તેજી જોવા મળી હતી.

આજની તેજીમાં એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ગ્લેનમાર્ક, ડો.લાલ પેથલેબ, લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતિ સુઝુકી અને આઇસીઆઇસીઆઇ બેંકના શેરોના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે યુનાઇટેડ સ્પીરીટ, ટાટા પાવર, મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર ફાઇનાન્સ, ટીવીએસ મોટર અને રિયાલન્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બૂલીયન બજારમાં સોના અને ચાંદીના ભાવોમાં ઉછાળો રહ્યો છે. જો કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ હજી યથાવત છે.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 409 પોઇન્ટના ઉછાળા સાથે 55,677 અને નિફ્ટી 121 પોઇન્ટના ઉછાળા સાથે 16,605 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યું છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 12 પૈસાની નરમાશ સાથે 79.90 પર ટ્રેડ કરી રહ્યો છે.